નદીમ-શ્રવણ : નદીમ અખ્તર સૈફી (જ. 6 ઑગસ્ટ 1954, મુંબઈ); શ્રવણકુમાર રાઠોડ (જ. 13 નવેમ્બર 1954, રાજસ્થાન; અ. 22 એપ્રિલ 2021, મુંબઈ) : પરંપરાગત ભારતીય વાજિંત્રોનો સમકાલીન સંગીત સાથે સમન્વય કરનાર સંગીતકાર બેલડી.

શ્રી નદીમ સૈફીના પિતા મુંબઈમાં વ્યવસાયી હતા. તેમના દાદાને અંગ્રેજ સરકાર તરફથી ‘ખાન બહાદુરસાહેબ’નું બિરુદ મળેલું. બાળપણથી જ નદીમને સંગીતનો શોખ હતો, વાજિંત્રો વગાડવાનું ગમતું.

નદીમ-શ્રવણ

શ્રી શ્રવણ રાઠોડ એટલે પ્રખ્યાત ગાયક રૂપકુમાર રાઠોડ અને વિનોદ રાઠોડના મોટા ભાઈ. સંગીતનાં મૂળિયાં ઊંડે સુધી ખૂંપેલાં હોય એવા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. તેમના પિતા પંડિત ચતુર્ભુજ રાઠોડ ધ્રુપદ ગાયકી અંગના ખૂબ સારા શાસ્ત્રીય સંગીતકાર હતા.

1979માં નદીમ સૈફી અને શ્રવણ રાઠોડ એક સાથી મિત્ર દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને સાથે કામ કરવાનું શરૂ કર્યું. બંનેનું સૌપ્રથમ સંગીતનિયોજન કરાયેલું ગીત એટલે ‘કાશી હિલે, પટના હિલે’ (ભોજપુરી ફિલ્મ – દંગલ), આ ગીતને શ્રી મન્નાડેએ અવાજ આપ્યો હતો.

આ સંગીતકાર જોડીએ વર્ષો સુધી પોતાની સાધના જારી રાખી. 1990થી 2000 સુધીનો દસકો બંને માટે સુવર્ણકાળ બની રહ્યો. તેમના સંગીતે ખૂબ ધૂમ મચાવી અને સંગીતરસિકોને ઘેલા કર્યા. 1990માં રજૂ થયેલ ‘આશિકી’ ફિલ્મની દસ લાખથી પણ વધુ રેકૉર્ડ્ઝ ચપોચપ વેચાઈ ગઈ. આ ફિલ્મથી તેઓએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વિક્રમ સર્જ્યો. તેઓની સફળતાની હારમાળામાં ‘રાજા હિંદુસ્તાની’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘સાજન’, ‘ફૂલ ઔર કાંટે’, ‘બરસાત’, ‘અગ્નિસાક્ષી’ વગેરે ફિલ્મોનો ફાળો છે.

તેઓને મળેલાં સન્માનોનો ઉલ્લેખ કરીએ તો ચાર ફિલ્મફેર પુરસ્કાર, બે સ્ટાર સ્ક્રીન પુરસ્કાર, એક ઝી સિને પુરસ્કાર સામેલ છે. 1991થી 1993 સુધી સળંગ ત્રણ વર્ષ બંનેને ફિલ્મફેર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા.

બીજલ બુટાલા