નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces)
January, 1998
નદીતટના સીડીદાર પ્રદેશ (river terraces) : નદીજન્ય મેદાની પ્રકારનું ભૂમિસ્વરૂપ. નદીખીણની બાજુઓ પર જોવા મળતા મેદાની વિભાગોમાં સીડીનાં સોપાન જેવી, લાંબી છાજલી આકારની રચના બનતી હોય છે. તેમના ઢોળાવો નદીની વહનદિશા તરફ તેમજ નદીના પટ તરફ એમ બે બાજુના હોય છે, પરંતુ શિરોભાગ સપાટ હોય છે. નદી તરફની ધાર કરાડ જેવી લગભગ ઊભી કે ઉગ્ર ઢોળાવવાળી હોય છે. આમ નદીપટની લગોલગ એક છાજલી, તેની પહોળાઈ પૂરી થતાં બીજી છાજલી એમ એક પછી એક છાજલીઓનું શ્રેણીદૃશ્ય ઊભું થતું હોય છે.
આ પ્રકારના સોપાનશ્રેણીવાળા ભૂમિસ્વરૂપને નદીતટનો સીડીદાર પ્રદેશ કહે છે. તેની રચના લાંબો ભૂસ્તરીય કાળ આવરી લે છે. નદીખીણની બાજુઓ પર સૌથી દૂરની છેલ્લી છાજલી ઊંચાઈએ રહેલી હોવા છતાં વયમાં જૂની ગણાય છે, કારણ કે જેમ વખત જાય તેમ નદીપટ નીચે તરફ ઊંડો ખોતરાતો જતો હોય છે. જુદી જુદી છાજલીઓના પટ જૂનાં પૂરનાં મેદાનોની અને નદીપ્રવાહની ઊંચાઈનો ખ્યાલ આપે છે.
સીડીદાર પ્રદેશની છાજલીઓની રચના નીચે પ્રમાણે થતી હોય છે : (1) નદીના કાયાકલ્પ દ્વારા : જેમાં પાણીનાં પ્રમાણ, પ્રવાહ અને વેગમાં વૃદ્ધિ થતાં નદીપટ વધુ ને વધુ ખોતરાતો જાય છે, વખતોવખત આવતાં પૂર બાજુઓ પર જમા થઈ મેદાની છાજલીઓ રચે છે. બંને તરફ સરખી જમાવટ અને લગભગ સરખાં આકાર અને ઊંચાઈ તૈયાર થતાં જવાથી સમસીડીદાર પ્રદેશ રચાય છે. આવી છાજલીઓ એકસરખા અનુકૂળ સંજોગોનું વર્ષોવર્ષ સાતત્ય ચાલુ રહે તો ઉપરવાસથી છેક દરિયાતટના ઊપસેલા ઢગલાઓ સુધી વિસ્તરેલી હોઈ શકે છે. (2) નદીના સર્પાકાર વહન દ્વારા : આ ક્રિયામાં નદીપટનો એક તટ વધુ ખોતરાતો હોય છે. વખતોવખત કાંપ પણ જમા થતો હોય છે, પરંતુ બંને બાજુ પર થતી જમાવટ ઊંચીનીચી રહે છે. ક્રમે ક્રમે આ રીતે થતી છાજલીઓ અસમસીડીદાર પ્રદેશ રચે છે. (3) નદીપટમાં અવરોધ : નદીની વચ્ચે ખડકપાત થવાથી અથવા નદીમાર્ગમાં સખત ખડકોનો અવરોધ તૈયાર થવાથી તેના ઉપરવાસમાં પાણીનો ભરાવો થાય છે કે પછી સરોવર રચાય છે. ઉપરવાસ તરફથી આવતાં પૂર સાથે મેદાનોની રચના થાય છે. ક્યારેક અવરોધ દૂર થતાં પાણી વહી જાય, નદી પણ ખોતરાતી જાય, પરંતુ બાજુની મેદાની છાજલી જળવાઈ રહે, જે, નદી એક કાળે કેટલી ઊંચાઈએ હતી તેનો ખ્યાલ આપે છે.
આવી કોઈ પણ છાજલી કાયમ માટે એકસરખી રહી શકતી નથી.
ગિરીશભાઈ પંડ્યા