નદી

ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ તેના પ્રવાહપથની દિશા (અને વળાંક) સ્થાનિક સ્થળદૃશ્ય મુજબ બદલાતી રહે છે. વહેતી વખતે તેનાં જળ તળખડકોને તથા બાજુઓને ઘસે છે અને ખોતરે છે, પરિણામે છૂટો પડતો જતો દ્રવ્યજથ્થો જળપ્રવાહની સાથે વહન પામી આગળ વધતો જાય છે. ખવાણ અને ધોવાણથી તૈયાર થયેલો ખડકદ્રવ્યજથ્થો છેવટે સમુદ્રતળ પર નિક્ષેપજમાવટ પામે છે.

નદીમૂળ (head of a river) : પહાડી પ્રદેશમાં રહેલું ઉદ્ભવસ્થાન-ઝરણું (brook) : ઉદ્ભવસ્થાનમાંથી નાના પાયા પર વહેતો રહેતો જળપ્રવાહ. એક કે તેથી વધુ ઝરણાં ભેગાં થવાથી નદીનો પ્રવાહ રચાય છે. શાખાનદી (tributary) : મુખ્ય નદી સાથે સંગમ પામતી નાની નદી. મુખ્ય નદીને એક કરતાં વધુ શાખાનદીઓ સંજોગ મુજબ મળી શકે. બારે માસ વહેતી અને મોસમ પ્રમાણે જળપ્રાપ્તિ થતાં વહેતી નદી અનુક્રમે કાયમી (perennial) અને મુદતી (nonperennial) નદી તરીકે ઓળખાય છે. નદીમુખ (mouth of a river) : નદી અને સમુદ્ર કે અન્ય નદીને મળે તે સ્થાન. આ સંગમસ્થાન પાસે કાંપથી થતી નિક્ષેપક્રિયાથી ત્રિકોણપ્રદેશ (delta) રચાય છે. ત્રિકોણપ્રદેશના વિભાગમાં કાંપ ભરાવાથી જળપ્રવાહ વિભાજિત થઈ જાય છે, જળપ્રવાહની શાખા-પ્રશાખાઓ અરસપરસ ગૂંથણી રચે છે. નદીપ્રદેશના વચ્ચેના મેદાની પ્રદેશમાં પણ ક્યારેક આ પ્રકારની વિભાજિત જળપ્રવાહ-ગૂંથણી રચાતી હોય છે, જે ગુંફિત ઝરણાં (braided streams) તરીકે ઓળખાય છે. નદીપથ (course of river) : નદીના મૂળથી મુખ સુધીના સમગ્ર માર્ગને નદીપથ કહેવાય છે. ઉપરવાસ-હેઠવાસ (upstream-downstream) : નદીપથના કોઈ પણ સ્થાનના સંદર્ભમાં મૂળ તરફનો નદીપથ ઉપરવાસ અને મુખ તરફનો નદીપથ હેઠવાસ કહેવાય છે. જળપ્રવહનપથ (channel) : નદીપથમાં જેટલા ભાગમાં જળવહન થાય એટલો પથ. ઘસારો, ખોતરણ અને કાંપપૂરણીને આધારે પ્રવહનપથ બદલાતો રહેતો હોય છે. નદીપટ (river bed) : નદીના બંને કિનારા વચ્ચેનો ભાગ. સ્થાનભેદે તેની પહોળાઈ જુદી જુદી હોઈ શકે છે. નદીખીણ (river valley) : નદીપથ દ્વારા ખોતરાયેલો, આજુબાજુના ભૂપૃષ્ઠથી નીચાણમાં રહેલો, નદીની સળંગ લંબાઈને આવરી લેતો વિસ્તાર. તેને નદીથાળું (river basin) પણ કહે છે. જળવિભાજક (water divider) : નજીક નજીકની બે નદીઓ વચ્ચે રહેલા ઊંચાણવાળા જે ભૂમિભાગને કારણે પ્રવાહ અલગ પડે તે જળવિભાજક કહેવાય. કોતર-મહાકોતર (gorge-canyon) : નદી દ્વારા છેદાયેલા, કરાડવત્ દીવાલોવાળા, સાંકડા પહાડી ભાગો. કોતર નાના પરિમાણવાળું અને મહાકોતર મોટા પરિમાણવાળું હોય છે. સંગમ (confluence) :  શાખાનદી જે સ્થાને મુખ્ય નદીને મળે તેને નદીસંગમ અને નદી જ્યાં સમુદ્રને મળે તેને સમુદ્રસંગમ કહેવાય. નદીરચના (river system) : નદીમૂળથી નદીમુખ સુધી શાખાનદીઓ સહિત મુખ્ય નદીના સમગ્ર જળપરિવાહને આવરી લેતી રચના. નદીબોજ (load of a river) : નદી દ્વારા તૈયાર થતો, વહન પામતો ખડકદ્રવ્યનો જથ્થો. તે કલિલસ્થિતિવાળા કણકદથી માંડીને ગુરુગોળાશ્મકદ સુધીના દ્રવ્યથી બનેલો હોઈ શકે.

જળપ્રાપ્તિસ્રોત (water source) : વરસાદ એ નદીઓના જળપુરવઠા માટેનો મુખ્ય પ્રાપ્તિસ્રોત છે. વર્ષાજળ વહી જઈને નદીઓને જળ પૂરું પાડે છે, જેનાથી નદીઓ વહેતી રહે છે. સરોવરસંચિત જળ કે ભૂગર્ભજળસંચય પણ ઝરાઓ દ્વારા આડકતરી રીતે નદીને પાણી પૂરું પાડી શકે છે. હિમવર્ષા કે હિમનદીઓ જેવા સ્રોત પણ બરફના ઓગળવાથી પાણી પૂરું પાડે છે. માત્ર વર્ષાજળ-આધારિત નદીઓ ક્યારેક સુકાઈ જાય છે, પરિણામે મુદતી નદીઓ તૈયાર થતી રહેતી હોય છે. વર્ષાજળ દ્વારા જળપ્રાપ્તિ મેળવતી શાખાનદીઓ પણ મુખ્ય નદીને પુરવઠો પૂરો પાડે છે. જળસંચય-વિસ્તારમાંથી આ રીતે પુરવઠો મળી રહે તો નદી કાયમી બની રહે છે. સરોવરોમાં વધુ જળભરાવો થવાથી પણ તેમાંથી નદી ઉદ્ભવી શકે છે, અથવા તેમાંથી નદી નીકળેલી હોય તો તેને પુરવઠો મળી રહે છે. ઉનાળાની મોસમમાં હિમનદીઓના ગલનને કારણે નદીઓને પર્યાપ્ત પુરવઠો મળે છે.

નદીપ્રવાહની ગતિ (velocity of rivers) : નદીપટની ઊંડાઈ વધવાની સાથે પ્રવાહગતિ ઘટે છે. આ સ્થિતિમાં જળભરાવો થાય છે,  જેમાં સપાટીજળની ગતિ જળવાઈ રહે છે અને તેમાં પણ કિનારાઓ કરતાં મધ્યભાગમાં પ્રવાહગતિ પ્રમાણમાં વધુ રહે છે. નદીપથનો ઢોળાવ, જળજથ્થો, નદીપ્રવહનનો આકાર અને પ્રકાર તેમજ સ્થાનાંતરિત થતો દ્રવ્યબોજ નદીના પ્રવાહની ગતિ પર કાબૂ ધરાવતાં પરિબળો ગણાય છે. વધુ ઢોળાવ અને વધુ જળજથ્થો વધુ ગતિ આપે છે, જ્યારે જળપ્રવહનમાર્ગની અનિયમિતતાથી અને વધુ દ્રવ્યબોજથી ગતિ ઘટે છે.

નદીજન્ય ઘસારો (river erosion) અને ઘસારાનો દર (rate of erosion) : નદીપથમાં વહેતાં રહેતાં જળ તળખડકોને ઘસે છે, જ્યારે નદી દ્વારા વહન પામતા વિવિધ પરિમાણ અને આકારવાળા ખડકટુકડાઓ તથા કણો અરસપરસ અથડાવાથી પણ ઘસારો થતો રહે છે. નદીપથનો ઢોળાવ, જળજથ્થો, પ્રવાહગતિ, આબોહવા, ખડકપ્રકાર, ખડકોમાં સાંધા અને ફાટો તેમજ દ્રવ્યબોજ અને દ્રવ્યકણોની કઠિનતા ઓછોવત્તો ઘસારો થવા માટેનાં, ઘસારાના દર માટેનાં પરિબળો ગણાય છે. નદીજન્ય ઘસારો થવા માટે નીચે પ્રમાણેની ચાર બાબતો જવાબદાર લેખાય છે :

1. જળઘર્ષણ (hydraulic action) : નદીપથના જે તે સ્થાનના ઢોળાવ અને જળજથ્થા મુજબ જળપ્રવાહમાં ગતિ અને બળ ઉત્પન્ન થાય છે. પરિણામે, વહન પામતા ટુકડાઓ અને કણો ત્યાંના નદીતળ અને બાજુઓ પર ફંગોળાય છે તેમજ અરસપરસ પણ અથડાય છે. આ ક્રિયાને જળઘર્ષણ કહે છે. અથડામણથી ઉદ્ભવતા નવા કણો સાંધા અને ફાટોમાં ફરતા રહી ઘસારો કરતા રહે છે. વધુ પ્રવાહગતિ વધુ બળ ઉત્પન્ન કરે છે. જળધોધ કે જળપ્રપાતની ક્રિયા દ્વારા તળખડકો પર પાણીનો મારો થતો રહેવાથી તળ ઘસાતું જાય છે અને ત્યાં ખાડા કે બખોલો ઉદ્ભવે છે.

2. કણઘર્ષણ (abrasion or corrosion) : જળઘર્ષણથી ઉદ્ભવેલા કણો તળખડકો પર તેમજ અંદરોઅંદર અથડાતા રહે છે, પરિણામે તળખડકો વધુ ને વધુ ઘસાતા જાય છે. સાંધા અને ફાટોમાં ભરાતા જતા ટુકડાઓ જળપ્રવાહની એકધારી ગતિને કારણે ત્યાં ને ત્યાં ગોળ ઘૂમતા રહી જળજન્ય કોટરો રચે છે.

3. સન્નિઘર્ષણ (attrition) : કણોની અરસપરસ ઘસાવાની, દળાવાની અને અથડાવાની ક્રિયાને સન્નિઘર્ષણ કહે છે, જેને પરિણામે ખડકટુકડાઓ કણોમાં અને કણો બારીક ચૂર્ણમાં ફેરવાય છે. નદીતળ પર આ ક્રિયા એક સામાન્ય લક્ષણ રૂપે જોવા મળે છે.

4. રાસાયણિક ખવાણ (corrosion) : નદીજળ દ્વારા થતા રાસાયણિક ઘસારાને રાસાયણિક ખવાણ કહે છે. શુદ્ધ પાણી રાસાયણિક ક્રિયા કરી શકતું નથી, પરંતુ તે જો ચૂના ખડકો પરથી પસાર થાય તો તેમાં CO2 ભળે છે, એ જ રીતે તળખડકોના બંધારણ મુજબ ક્યારેક તેમાં આલ્કલી પણ ભળે છે. આમ રાસાયણિક ખવાણની અસર હેઠળ પણ ખડકો પર ઘસારો થાય છે. સિંધવ, ચિરોડી કે ઍનહાઇડ્રાઇટ જેવાં દ્રવ્યો પરથી પસાર થતું જળ રાસાયણિક પ્રક્રિયા કરી ઘસારો કરવામાં મદદરૂપ થાય છે.

નદીનાં ઘસારાજન્ય લક્ષણો (erosion features) : નદીજન્ય ઘસારાને પરિણામે વિવિધ પ્રકાર–આકારની ભૂમિદૃશ્ય લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે; જેમાં ખીણો, સરિતાહરણ, જળધોધ-જળપ્રપાત-જળઘસારો, જળજન્ય કોટરો અને તેમાંથી બની શકતાં નાનાં જળસંચયસ્થાનો, નદીના સીડીદાર પ્રદેશો, નદીનું સર્પાકાર વહન અને નળાકાર (યુ-આકાર) સરોવરો, પેડિમેન્ટ અને ધોવાણની સમભૂમિ (પેનિપ્લેઇન), મેસા અને બ્યૂટ જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : જળધોધ

પેડિમેન્ટ : નદી પહાડી વિસ્તારને છોડીને જ્યારે તળેટી-વિસ્તારમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના તળખડકો સરખા પ્રમાણમાં ઘસાતા જઈને મેદાન જેવા પહોળા પટ તૈયાર કરે છે, ક્યારેક તે આછા ઢોળાવવાળા પણ બને છે. આ પ્રકારનાં ભૂમિસ્વરૂપો પર જળઘર્ષિત લઘુગોળાશ્મો વેરવિખેર પડેલા જોવા મળતા હોય છે. ઘસારાજન્ય આવાં ભૂમિસ્વરૂપો પેડિમેન્ટ તરીકે ઓળખાય છે.

બૉર્નહાડ્ટર્ઝ : પેડિમેન્ટની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઘસારાનો પ્રતિકાર કરીને સખત ખડકસ્તરોની એકલી, અટૂલી ટેકરીનાં સ્થળદૃશ્ય નજરે પડતાં હોય છે. નાના પરિમાણવાળી આવી ટેકરીઓ ઇન્સેલબર્ગ અથવા મોનાડ્નૉક્સ કહેવાય છે. તેમની બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી અને ગોળાકાર શિરોભાગવાળી હોય છે.

આકૃતિ 2

ધોવાણની સમભૂમિ (પેનિપ્લેઇન) (base level of erosion) : નદી-જન્ય ઘસારાનું આ અંતિમ ચરણ ગણાય છે. ઘણી પહોળાઈ-લંબાઈમાં વિસ્તરેલાં નદીજન્ય મેદાનો ધોવાણની સમભૂમિ તરીકે ઓળખાય છે. નદીની વૃદ્ધાવસ્થાની આબેહૂબ રજૂઆત આ ઉદાહરણ દ્વારા કરી શકાય.

મેસા અને બ્યૂટ (mesa and butte) : નદીજન્ય ઘસારાનાં કેટલાંક લાક્ષણિક ભૂમિસ્વરૂપો પણ ક્યારેક વિકસે છે. ખડકસ્તરોના વલણ અને પ્રકાર મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે. ઉચ્ચસપાટપ્રદેશ જેવાં બાજુઓમાં ઉગ્ર ઢોળાવવાળાં અને સપાટ શિરોભાગવાળાં એકાકી ભૂમિસ્વરૂપોને મેસા કહેવાય છે. તેમના શિરોભાગ ક્ષિતિજસમાંતર જળકૃત ખડકઆવરણથી કે લાવાપ્રવાહથી આચ્છાદિત હોય છે. મેસા જો વધુ વિશાળ વિસ્તાર આવરી લે તો તે રચનાત્મક ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. મેસાથી નાના પરિમાણવાળા ભૂમિઆકારને બ્યૂટ કહે છે.

નદીની વહનક્રિયા : ઘસારાનાં વિવિધ પરિબળોની અસર હેઠળ તેમજ ખવાણ(વિભંજન-વિઘટન)ની પેદાશોને સ્વરૂપે મૂળથી મુખ સુધીના નદીપથમાં વિપુલ પ્રમાણમાં છૂટો પડેલો દ્રવ્યજથ્થો જળવહન દરમિયાન ભળતો રહે છે. ઘનતા અને ગુરુત્વાકર્ષણ પણ તેમાં મદદરૂપ બને છે. મોટા ખડકટુકડાઓથી માંડીને ઝીણા ચૂર્ણનો તેમાં સમાવેશ થાય છે. નદીજળમાં ભળતા બધા જ પ્રકાર-આકારના દ્રવ્યજથ્થાને બોજ તરીકે ઓળખવામાં આવે છે. બોજને ત્રણ સ્વરૂપોમાં વિભાજિત કરેલો છે :

1. પ્લાવિત બોજ (suspended load) : આ પ્રકારનો બોજ ઝીણી રેતી, માટી અને સૂક્ષ્મ કાંપથી બનેલો હોય છે અને તે જળપ્રવાહની અંદર તરતો રહીને આગળ વધતો રહે છે.

આકૃતિ 3

2. તળબોજ (bedrock load) : આ પ્રકારમાં વજનમાં ભારે હોય એવા રેતીકણો, અશ્મ, ગ્રૅવલ વગેરેનો સમાવેશ થાય છે, જે સરકીને ગબડીને, ઊછળીને આગળ ધપે છે. આ પૈકીની એક વિશિષ્ટ પદ્ધતિ ઉત્પરિવર્તન (saltation) તરીકે ઓળખાય છે, જેમાં તળ પરના અશ્મ કે ગ્રૅવલ જળપ્રવાહની ગતિની સાથે સાથે આગળ ધપે છે, નીચે પડે છે, ફરીથી ઊછળીને આગળ જઈને નીચે પડે છે. વળી એક અશ્મ બીજા અશ્મને ધક્કો મારીને આગળ ધપાવે છે. આ રીતે અશ્મની વહનક્રિયા ચાલુ રહે છે. ઉત્પરિવર્તન આમ શ્રેણીબદ્ધ ક્રમિક ઉછાળા મારતી વહનક્રિયા ગણાય.

3. દ્રવીભૂત બોજ (dissolved load) : જળમાં ઓગળી જઈ શકે એવાં દ્રવ્યો આ પ્રકારના બોજમાં રહેલાં હોય છે, જે દ્રાવણસ્વરૂપે જળસહિત વહન પામતાં રહે છે. હજારો ટન દ્રાવ્ય ક્ષારો આ રીતે નદી દ્વારા સમુદ્ર-મહાસાગરમાં ભળતા રહે છે.

નદીની અવસ્થાઓ : નદીની ઘસારાજન્ય, વહનક્રિયાત્મક અને નિક્ષેપજન્ય પ્રવૃત્તિઓ તેના મૂળથી મુખ સુધીના સળંગ લંબાઈના પથમાં સ્થાનભેદે અને સંજોગભેદે (નદીનું પાત્ર સ્વયં શુષ્ક ન બની જાય ત્યાં સુધી) નિરંતર ચાલ્યાં કરે છે. વિવિધ પ્રકારનાં ભૂમિસ્વરૂપો આ દરમિયાન રચાતાં અને બદલાતાં રહે છે. નદીની પ્રવૃત્તિને નદીખીણના પ્રદેશોમાં જોવા મળતાં જુદાં જુદાં લક્ષણો મુજબ ત્રણ અવસ્થાઓમાં વહેંચેલી છે : બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પ્રત્યેક કક્ષાને પોતપોતાનાં વિશિષ્ટ લક્ષણો દ્વારા અલગ પાડી શકાય છે.

બાલ્યાવસ્થા (young stage) : પહાડી પ્રદેશોના ઢોળાવોમાં વહેતાં ઝરણાં અને નદીઓને આ કક્ષામાં મુકાય છે. જળપ્રવાહનો વેગ અહીં વધુ હોય છે, પરિણામે ઊર્ધ્વ ઘસારો વધુ અસરકારક રીતે થયા કરે છે, ટેકરીઓ ઊભી દીવાલોના સ્વરૂપમાં ખોતરાતી જઈને કોતરો અને મહાકોતરો રચે છે; દા. ત., યુ.એસ.માં કૉલોરાડો નદીએ કોતરેલું ગ્રાન્ડ કૅન્યૉન. સિંધુ નદીએ પણ હિમાલયમાં આવાં જ  કોતરો તૈયાર કર્યાં છે. નદીની આ કક્ષાના વિભાગમાં સ્થળદૃશ્યના ઢોળાવ વધુ તેમજ અનિયમિત રહે છે. અહીં શાખાનદીઓનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. સરિતાહરણ, જળધોધ–જળપ્રપાત અહીં જ બની શકે છે; દા. ત., યુ.એસ. અને કૅનેડાની સીમા પર આવેલો નાયગરાનો ધોધ. ભૂસ્તરીય વયના સંદર્ભમાં નૂતન ગણાતી આલ્પ્સ-હિમાલય જેવી પર્વતમાળાઓમાં જોવા મળતી નદીઓ બાલ્યાવસ્થા-કક્ષાની ગણાય.

યુવાવસ્થા (mature stage) : નદી જ્યારે પર્વતોના તળેટીવિસ્તારને  છોડીને સપાટ મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યાંથી તેની આ બીજી અવસ્થા શરૂ થાય છે. આછા ભૂમિઢોળાવને કારણે અહીં જળપ્રવાહની ગતિ ધીમી પડે છે, ઊર્ધ્વ ઘસારો મંદ પડતો જાય છે અને પાર્શ્વ ઘસારો વધે છે. પરિણામે નદીખીણનું પાર્શ્વદૃશ્ય વિસ્તરે છે અને પહોળા V-આકાર રચાય છે. આ કારણે નદીપટ પહોળા થાય છે. જળપ્રવાહની ગતિમાં ઘટાડો થવાથી, કાંપપૂરણીથી થતા અવરોધ હઠી શકતા નથી તેથી નદીપટમાં જળપ્રવહનપથ વાંકોચૂકો બનતો જાય છે. વળાંકોમાં વહેવાની આ રીતને નદીનું સર્પાકાર વહન (meandering of a river) કહે છે. પાર્શ્વઘસારાની વધુ અસર હેઠળ ક્યારેક તે ઘોડાની નાળ આકારનું સ્વરૂપ ધારણ કરે છે, જેના અંતિમ તબક્કામાં નાળના બંને છેડા જોડાઈ જવાથી નદીના તે ભાગમાં પાણી એકાકાર થઈ સીધો માર્ગ ગ્રહણ કરે છે, બાકીનો વળાંકવાળો ભાગ U-આકારનું સરોવર બની રહે છે. આવા સરોવરને પાણીનો પુરવઠો એકધારો મળી રહેતો નથી, તેથી તે મુદતી સરોવર ગણાય છે, જે અમુક વખત પછી શુષ્ક બની જાય છે.

આકૃતિ 4 : (અ) સર્પાકાર વહનનો વિકાસ. સર્પાકાર વહનની સ્થિતિમાં જળપ્રવહનપથ વિભાગમાં ઘસારાને કારણે વળાંક વધે છે. (આ) 1, 2, 3 : નળાકાર સરોવરરચના માટેની સર્પાકાર વહનની કક્ષાઓ.

નદીની આ અવસ્થામાં તેમાં શાખાનદીઓ ભળે છે. ઢોળાવ આછા હોવાથી  વચ્ચેના જળવિભાજક સ્પષ્ટ લક્ષણ સ્વરૂપે જુદા તરી આવે છે. પ્રપાત કે ધોધ અહીં બની શકતા નથી, પરંતુ પૂરનાં મેદાનો અને તટબંધ રચાય છે. નદીપટના વિસ્તારો પહોળા બનતાં, ધોવાણની સમભૂમિ જેવું દૃશ્ય ખડું થાય છે. નદીપ્રવાહનું અનુદીર્ઘ સ્થળદૃશ્ય પણ આ અવસ્થામાં જ જોવા મળે છે. ગુંફિત જળપરિવાહની સ્થિતિ પણ આ કક્ષાનું એક વિશિષ્ટ લક્ષણ બની રહે છે.

ઉપર જણાવ્યા મુજબ આ અવસ્થામાં ઊર્ધ્વ ઘસારો ઓછો અને પાર્શ્વ ઘસારો વધુ થતો હોવા છતાં ક્યારેક વધુ પડતા વર્ષાપ્રમાણને કારણે અથવા ભૂસંચલનને કારણે જળપ્રવાહમાં વેગવૃદ્ધિ થાય તો અલ્પકાલીન ઊલટી સ્થિતિ સર્જાય છે. પ્રવહનપથ ઘસારાની અસર હેઠળ ઊંડો બને છે. આ ક્રિયાને ‘નદીનો કાયાકલ્પ’ (rejuvenation) કહે છે. ઊર્ધ્વ ઘસારા અને પાર્શ્વ ઘસારાની વારાફરતી અસર હેઠળ નદીપાત્રનો આડછેદ સોપાનશ્રેણીની રચના દર્શાવે છે. આ પ્રકારના ભૂમિદૃશ્યને ‘નદીનો સીડીદાર પ્રદેશ’ (river terrace) કહે છે, જેમાં કિનારાથી દૂરનાં સોપાનો વયમાં જૂનાં અને મધ્યવર્તી સોપાનો નવા વયનાં હોય છે.

આકૃતિ 5 : નદીના સીડીદાર પ્રદેશનો આડછેદ

વૃદ્ધાવસ્થા (old stage) : નદીની આ ત્રીજી અવસ્થા છે, જેમાં જળપ્રવાહ ઘણી જ મંદ ગતિથી વહે છે. ઊર્ધ્વ ઘસારો લગભગ અટકી જાય છે અથવા બિલકુલ થતો નથી, પાર્શ્વ ઘસારો પણ સીમિત બની રહે છે, માત્ર જમાવટ થયાં કરે છે. અહીં નદીપટ ઘણા પહોળા બને છે. પહોળા બનેલા આ પટને ‘પેનિપ્લેઇન’ ધોવાણની સમભૂમિ કહે છે, જે ત્રિકોણપ્રદેશના તરત જ ઉપરવાસમાં જોવા મળે છે. ઘણો જ આછો ઢોળાવ એ આ અવસ્થાનું વિશિષ્ટ લક્ષણ છે. વધુ પડતી કાંપજમાવટને પરિણામે સમુદ્રસંગમ પર નદી ફાંટાઓમાં વહેંચાઈ જઈને ત્રિકોણપ્રદેશ (delta)-રચના બનાવે છે.

નદીના પ્રકારો : ભૂગર્ભજળ, સ્થળદૃશ્ય અને જળપરિવાહ માળખાના સંબંધને આધારે નદીઓના નીચે મુજબના પ્રકારો પાડેલા છે. પ્રથમ વર્ણવેલા નીચેના બે પ્રકારો ભૂગર્ભજળ સંબંધિત છે :

1. ભૂગર્ભજળઆધારિત નદી (effluent stream) : ભૂગર્ભજળ-સપાટી સુધીના સ્તર સુધીની ઊંડાઈએ જે નદી વહેતી હોય તેનો પુરવઠો ભૂગર્ભજળ દ્વારા જળવાઈ રહે છે.

2. ભૂગર્ભજળપોષક નદી (influent stream) : જેનાં જળ દ્વારા ભૂગર્ભજળ-સંચયસ્થાનને પાણીપુરવઠો મળી રહે એ પ્રકારની નદી.

સ્થળદૃશ્યના સંબંધમાં નીચેના પ્રકારો ગણાવી શકાય :

3. અનુવર્તી નદી (consequent stream) : જે નદી નવી રચાયેલી ભૂમિસપાટીના ઢોળાવને અનુસરીને વહે તેને અનુવર્તી નદી કહેવાય. અસ્તિત્વ ધરાવતા સ્થળદૃશ્ય પર જે નદી ઉદ્ભવે તે પરિણામી નદી ગણાય.

4. પરવર્તી નદી (subsequent stream) : ખીણોની ઢળતી બાજુઓ પર; અર્થાત્, નીચાણવાળા ભૂમિભાગો પર ઉદ્ભવતી નદીને પરવર્તી નદી કહે છે. આ પ્રકારની નદી અનુવર્તી નદીને લગભગ કાટખૂણે જોડાતી હોવાથી શાખાનદી ગણાય છે અને મોટેભાગે તે મૃદુ ખડકોમાં તૈયાર થતી હોય છે.

આકૃતિ 6

5. પ્રતીપ નદી (obsequent stream) : જે નદી નમન-ઢોળાવ(questa)વાળી બાજુ પર તેમજ ત્યાંના ખડકસ્તરોની નમનદિશાની ઊલટી દિશામાં વહેતી હોય તેને પ્રતીપ નદી કહે છે.

6. નવાનુવર્તી નદી (resequent stream) : સખત ખડકસ્તરોની નમનદિશાને અનુસરીને પછીથી ઉદ્ભવી હોય એવી નદી નવાનુવર્તી નદી કહેવાય છે. આવી નદીઓ પરવર્તી નદીનું પ્રારંભિક સ્વરૂપ ગણાય છે.

7. પ્રાગ્ નદી અથવા યથાપૂર્વ નદી (antecedent stream) : જે નદી અગાઉના ભૂસ્તરીય કાળમાં અસ્તિત્વ ધરાવતી હોય અને ભૂસંચલન(સ્થાનિક ઊર્ધ્વગમન-અધોગમન)ને કારણે જેમાં ખાસ ફેરફાર ન થયો હોય એવી નદી પ્રાગ્ નદી કહેવાય છે; દા.ત., સિંધુ નદી.

જળપરિવાહરચના (drainage patterns) : વિહંગાવલોકન દ્વારા વિશાળ વિસ્તારને આવરી લેતી ભૂમિસપાટી પરના નદી અને તેની નદીશાખાઓથી રચાતા સમગ્ર જળવહનદૃશ્યને જળપરિવાહ-રચના કહે છે. ખડકપ્રકારો, સ્થળદૃશ્ય અને રચનાત્મક લક્ષણો મુજબ નીચે પ્રમાણેનાં વિવિધ પ્રકારનાં જળપરિવાહ-માળખાં તૈયાર થાય છે :

વૃક્ષાકાર જળપરિવાહ (dendritic pattern) : જ્યારે શાખાનદીઓ મુખ્ય નદીને કોઈ દિશામાંથી આવીને કોઈ પણ ખૂણે જોડાય ત્યારે રચાતા વહનમાર્ગ-આકારને વૃક્ષાકાર જળપરિવાહ કહેવાય છે. જેના પર રચનાત્મક કાબૂ ધરાવતાં પરિબળોની કોઈ પણ અસર ન હોય એવા એકસરખો પ્રતિકાર કરતા ખડકોમાં આ પ્રકારની જળપરિવાહરચના તૈયાર થાય છે. સામાન્ય રીતે ક્ષિતિજસમાંતર જળકૃત ખડકો કે દળદાર અગ્નિકૃત ખડકોમાં વૃક્ષાકાર જળપરિવાહરચના વિકસેલી જોવા મળે છે. આ ઉપરાંત, શાખાનદીઓ મુખ્ય નદીને ઓછીવત્તી સમાંતર વહેતી રહીને જોડાય ત્યાં લઘુકોણ સ્થિતિ રચે ત્યારે પર્ણસંકુલ (pinnate) પ્રકારનો જળપરિવાહ તૈયાર થાય છે.

ટ્રેલિસ જળપરિવાહ (trellis pattern) : એક કરતાં વધુ મુખ્ય નદીઓ જ્યારે એકબીજીને સમાંતર વહેતી રહે, તેમને મળતી શાખાનદીઓ કાટખૂણે વહેતી રહીને મુખ્ય નદીને જોડાતી હોય ત્યારે જે સમગ્ર દૃશ્યમાળખું રચાય તેને ટ્રેલિસ જળપરિવાહ કહેવાય છે. જે વિસ્તારમાં ખડકોની સ્તરનિર્દેશન-દિશા ત્યાંની બધી ટેકરીઓ માટે સમાંતર હોય અથવા પવન કે હિમનદીઓને કારણે જે વિસ્તારમાંનાં ભૂમિસ્વરૂપો અન્યોન્ય સમાંતર લક્ષણોવાળાં બન્યાં હોય ત્યાં આ પ્રકારનો જળપરિવાહ વિકાસ પામે છે. ટ્રેલિસ જળપરિવાહ પરથી ત્યાંનું પ્રાદેશિક રચનાત્મક માળખું કેવું છે તેનો ખ્યાલ આવી જાય છે.

સ્તરભંગરચિત ટ્રેલિસ માળખું આ જ પ્રકારનું હોય છે. તેમાં સમાંતર સ્તરભંગશ્રેણી અસ્તિત્વ ધરાવતી હોય છે. તેને કારણે નબળા ખડકો ખસેડાઈને સખત ખડકો સાથે જોડાયા હોય છે.

લંબચોરસ જળપરિવાહ (rectangular pattern) : જે વિસ્તારમાં મુખ્ય નદી અને શાખાનદીઓ બંનેના વહનપથ વારાફરતી કાટખૂણાના વળાંકોવાળા બનેલા હોય ત્યાં લંબચોરસ માળખું ગોઠવાયેલું દેખાય છે. આ પ્રકારની ગોઠવણી સાંધા કે સ્તરભંગરચનાઓને કારણે સંભવિત બને છે. કોણાકાર જળપરિવાહ પણ આવી જાતનો પેટાપ્રકાર ગણાય છે, જેમાં સ્તરભંગો અને સાંધાઓ અન્યોન્ય લઘુકોણમાં અને ગુરુકોણમાં જોડાતા હોય છે.

આકૃતિ 7

હૂકઆકાર જળપરિવાહ (barbed drainage pattern) : જ્યારે શાખાનદીઓ મુખ્ય નદીને હૂકના વળાંક જેવા આકારમાં ઉપરવાસ તરફ વળીને જોડાતી હોય ત્યારે આ પ્રકારનું માળખું રચાય છે. તે અમુક સ્થાન પૂરતું જ મર્યાદિત હોય છે અને નદીઓના માત્ર ઉપરવાસના વિભાગોમાં જ જોવા મળે છે. તે સરિતાહરણના પરિણામ રૂપે વિકસે છે.

વિકેન્દ્રિત જળપરિવાહ (radial drainage) : જે વિસ્તારનો મધ્યભાગ ઊંચાણવાળો હોય ત્યાં બધી દિશાઓ તરફ વિકેન્દ્રિત રીતે ઝરણાંઓનો વિકાસ થતો હોય છે. ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો તેમજ જ્વાળામુખી શંકુઓના વિસ્તારોમાં આ પ્રકારનો જળપરિવાહ બની શકે છે. શ્રીલંકા અને સૌરાષ્ટ્રમાં જળપરિવાહરચના આ પ્રકારની છે.

કેન્દ્રવર્તી જળપરિવાહ (centrepetal pattern) : બધી દિશાઓમાંથી ઉદ્ભવતી નદીઓ જ્યારે મધ્યના થાળા જેવા વિસ્તાર તરફ વહેતી હોય ત્યારે રચાતા જળપરિવાહને કેન્દ્રવર્તી જળપરિવાહ કહેવાય છે. થાળાં કે ગર્ત, જ્વાળામુખો કે ડૂબક બખોલો તરફ વહેતો જળપરિવાહ આ પ્રકારનો ગણાય છે.

કંકણાકાર જળપરિવાહ (annular pattern) : વધુ પડતા ઘસારાની અસર હેઠળ આવેલાં ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપોમાં આ પ્રકારની જળપરિવાહરચના વિકસતી હોય છે. સખત અને મૃદુ ખડકોના પટ્ટાઓ જો ગોળાકારે વારાફરતી ગોઠવાયેલા હોય તો ત્યાં પણ આ પ્રકારનું માળખું તૈયાર થઈ શકે છે, જેમાં શાખાનદીઓ મૃદુ ખડકોને અનુસરે છે. તેમનો આકાર કંકણ કે વીંટીં જેવો હોય છે.

જટિલ જળપરિવાહ (complex pattern) : જે વિસ્તાર ખડકરચનાઓ, સ્થળદૃશ્ય અને ભૂમિસ્વરૂપો તેમજ રચનાત્મક લક્ષણોથી  જટિલ ગૂંથણીવાળો બનેલો હોય ત્યાં જળપરિવાહનું માળખું આકારની દૃષ્ટિએ મૂલવવું મુશ્કેલ થઈ પડે છે, આવા વિસ્તારના જુદા જુદા વિભાગોમાં જુદી જુદી જળપરિવાહરચનાના આકારો અન્યોન્ય ગૂંથાયેલા જોવા મળે છે. તેથી એવા જળપરિવાહને જટિલ જળપરિવાહ કહે છે.

અધ્યારોપિત જળપરિવાહ (superimposed drainage) : ગેડવાળા સ્તરો ઉપર કોણીય અસંગતિ સહિત રહેલા ક્ષિતિજસમાંતર સ્તરોવાળા વિસ્તારમાં વહેતી નદી ઉપલી શ્રેણીના સ્તરોને કાળક્રમે સંપૂર્ણ રીતે ઘસી નાખે અને ગેડવાળા સ્તરોની સપાટી પર વહેવાનું શરૂ કરે ત્યારે એ પ્રકારે તૈયાર થયેલા જળપરિવાહને અધ્યારોપિત જળપરિવાહ કહેવાય છે.

આકૃતિ 8a : જળપરિવાહનાં માળખાં

જળપરિવાહથાળું (drainage basin) : મુખ્ય નદી અને તેની શાખાનદીઓ જેટલા વિસ્તારમાંથી તેનાં જળ અને કણનિક્ષેપજથ્થો મેળવે તે સમગ્ર વિસ્તારને જળપરિવાહથાળું કહેવાય. નદી કે શાખાનદીના થાળાની સીમા તેના જળવિભાજકથી નક્કી થાય છે. મુખ્ય નદીનો પ્રવહનપથ, તેને મળતી શાખાનદીઓ અને પ્રશાખાઓ દ્વારા આવરી લેવાતા સમગ્ર જળપરિવાહથાળાથી રચાતો જટિલ નદીવિસ્તાર નદીરચના (river system) તરીકે ઓળખાય છે. પ્રત્યેક નદીનું , પ્રત્યેક શાખાનદીનું અને પ્રત્યેક પ્રશાખાનું પોતપોતાનું અલગ જળપરિવાહથાળું જુદું પાડી શકાય છે અને દરેકનો નદીક્રમ તેમજ થાળાનો ક્રમ પણ જુદો પાડી શકાય છે.

આકૃતિ 8b

નદીક્રમ અને થાળાક્રમ (stream and basin ordering) : પહાડી વિસ્તારમાં ઉદ્ભવતાં ઝરણાં પ્રથમ ક્રમની નદી તરીકે ગણાય છે અને જેટલા વિસ્તારમાંથી તે તેનાં જળ મેળવે તે વિભાગને પ્રથમ ક્રમનું થાળું કહેવાય છે. પ્રથમ ક્રમનાં બે કે તેથી વધુ ઝરણાં ભેગાં મળીને નદી બનાવે અને જેટલો જળસ્રોતવિસ્તાર આવરી લે તેને દ્વિતીય ક્રમની નદી અને દ્વિતીય ક્રમનું થાળું કહેવાય. દ્વિતીય ક્રમની નદીઓ ભેગી થઈને તૃતીય ક્રમની નદી અને એ રીતે આવરી લેવાતા વિસ્તારને તૃતીય ક્રમનું થાળું તેમજ એ જ રીતે ચતુર્થ ક્રમની નદી ચતુર્થ ક્રમનું થાળું ગણાવાય છે (જુઓ આકૃતિ). નદી ક્રમ અને થાળાંના ક્રમ તેમનાથી થતા ઘસારા-વહન-નિક્ષેપક્રિયા, તેમના દર અને પ્રમાણની (તુલના-તફાવત માટે) ગણતરી કરવામાં અનુકૂળ થઈ પડે છે.

આકૃતિ 9

વિપરીત સ્થળદૃશ્ય (inverted relief) : સામાન્ય રીતે કોઈ પણ નદીનો વિકાસ તે સ્થળના ખડકપ્રકારો, ભૂપૃષ્ઠરચના અને રચનાદર્શક લક્ષણો પર આધારિત છે, પરંતુ અમુક પ્રકારના વિપરીત સંજોગ હેઠળ પણ નદીવિકાસ થતો જોવા મળે છે. આ પ્રકારનો સંજોગ ગેડવાળી સ્તરરચનાવાળા વિસ્તારમાં ક્યારેક વિકસે છે. ઊર્ધ્વવાંક અને અધોવાંકવાળા ગેડીકરણવિસ્તારમાં મોટેભાગે નદીવિકાસ અધોવાંકમય થાળામાં થતો હોય છે. ઊર્ધ્વવાંકમય ગેડશૃંગ મૃદુ ખડકસ્તરવાળું હોય અને ત્યાં નદીનો વિકાસ થતો જાય – શૃંગવિભાગ ઘસાતો જાય તો ક્યારેક એવી સ્થિતિ ઉદ્ભવે છે કે તેની નદીખીણો અધોવાંકમય થાળા કરતાં વધુ ઘસાઈ જવાથી નીચાણવાળું સ્થળદૃશ્ય વિકસાવે છે. આ પ્રકારના સ્થળદૃશ્યને વિપરીત સ્થળદૃશ્ય તરીકે ઓળખાવાય છે (જુઓ આકૃતિ 10).

આકૃતિ 10

નદીઓના ઉપયોગો : સમુદ્ર-મહાસાગરો, સરોવરો અને નદીઓ પૃથ્વી પર મહત્ત્વના જળસ્રોત હોવા છતાં માત્ર નદીઓ જ સ્વચ્છ અને નિર્મળ જળ પૂરું પાડી શકે છે. આ કારણે નદીઓનું જીવનના દરેક સ્તર પર ઘણું મૂલ્ય અંકાય છે. દુનિયાભરના મોટાભાગના પ્રદેશોમાં વહેતી નદીઓ જરૂરી જળપુરવઠો પૂરો પાડે છે, પહાડી પ્રદેશોમાંથી જળપ્રવાહો મારફતે ખેંચાઈ આવતા અને સ્થાનાંતર પામતા રહેતા કાંપઆવરણોથી ફળદ્રૂપ મેદાનો, ખીણપ્રદેશો તેમજ ત્રિકોણપ્રદેશો રચાયાં છે. પ્રાચીન કાળથી લોકવસાહતો અને લોકસંસ્કૃતિઓ નદીઓને કિનારે કિનારે જ પાંગરી અને વિકસી છે. આ કારણે જ તો કવિઓએ નદીઓને યોગ્ય રીતે જ ‘લોકમાતા’નું બિરુદ અર્પ્યું છે. નદીઓને કાંઠે તેમજ સંગમસ્થાનો પર ધાર્મિક સ્થાનો ઊભાં થયાં છે, જે લોકસંસ્કૃતિનાં દ્યોતક અને પોષક રહ્યાં છે. ગંગા, સિંધુ અને નાઇલને કાંઠે વિકસેલી સંસ્કૃતિઓ આ માટેનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

નદીઓના વિવિધ ઉપયોગ આ પ્રમાણે ગણાવી શકાય : (1) જળ-માર્ગો, (2) ખેતી અને (3) ઊર્જાપ્રાપ્તિ.

(1) જળમાર્ગો : પ્રાચીન સમયથી માનવીની અવરજવર તથા માલની હેરફેર માટે સમુદ્ર-મહાસાગરો અને સરોવરો ઉપરાંત નદીઓનો પણ આંતરિક જળમાર્ગો તરીકે ઉપયોગ થતો આવ્યો છે. જળમાર્ગોમાં રસ્તા કે રેલમાર્ગોની જેમ બાંધકામનો ખર્ચ થતો હોતો નથી. જળમાર્ગો પર જતાં આવતાં વાહનોને પાણી પર સરકવાનું હોવાથી ઘર્ષણ ઉત્પન્ન થતું નથી, વીજળી કે કોલસાનો પ્રમાણમાં ઓછો ખર્ચ આવતો હોવાથી એકંદરે તે સસ્તાં પડે છે. જોકે અવરજવર હેરફેર માટે તે વધુ સમય લે છે. ક્યારેક નદીઓમાં આવતાં પૂર, બદલાતા હવામાનથી થતાં તોફાનો, ઉત્તર ગોળાર્ધના ઉત્તર તરફના ભાગોમાં થીજી જતા નદીમાર્ગો અવરજવર માટે મર્યાદિત, બિનસલામત કે નિરુપયોગી બની રહે છે. આ પ્રમાણેના કેટલાક ગેરલાભો હોવા છતાં આર્થિક દૃષ્ટિએ નદીઓ આંતરિક જળમાર્ગો તરીકે પ્રમાણમાં લાભદાયી નીવડે છે. દુનિયાના મોટાભાગના દેશોમાં સપાટ મેદાની પ્રદેશોમાં વહેતી, બારેમાસ જળભરપૂર રહેતી, પ્રમાણમાં ઊંડાં જળ ધરાવતી નદીઓ આંતરિક જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાતી રહી છે. ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં ગંગા-બ્રહ્મપુત્ર-સિંધુ-ચિનાબ-સતલજ; ચીનમાં સિક્યાંગ, યાંગ્ત્સેગયાંગ અને હોઆંગહો; રશિયામાં વૉલ્ગા, ડૉન, નીપર અને આમૂર; મધ્યયુરોપમાં ડેન્યૂબ, ફ્રાન્સમાં રોન, સીન, લોય અને ગારોન; જર્મનીમાં હ્રાઇન, વેસર, એબ અને ઓડર; ગ્રેટબ્રિટનમાં ટેમ્સ, ટાઇન, સેવર્ન અને મર્સી; કૅનેડામાં સેન્ટ લૉરેન્સ, સસ્કેચવાન અને કોલંબિયા; યુ.એસ.માં મિસિસિપી, મિસુરી અને ઓહાયો; દક્ષિણ અમેરિકામાં ઍમેઝોન, ઓરિનોકો અને લાપ્લાટા; આફ્રિકામાં નાઇલ, કૉંગો અને નાઇજર; તથા ઑસ્ટ્રેલિયામાં મરે-ડાર્લિંગ જેવી નદીઓ આંતરિક જળમાર્ગે વાહનવ્યવહાર માટે ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. ફ્રાન્સ, જર્મની, હોલૅન્ડ, ઑસ્ટ્રિયા વગેરે ઘણા દેશોમાં જળમાર્ગે એક છેડાથી બીજા છેડા સુધી જઈ શકાય છે. ઇંગ્લૅન્ડમાં નદીઓથી થતા જળવાહનવ્યવહારમાં દેશનું કોઈ પણ સ્થળ 120 કિમી.થી વધુ દૂર પડતું નથી. ઉપર દર્શાવેલી નદીઓ ઉપરાંત અનેક નાની-મોટી નદીઓ પણ ત્યાંના સ્થાનિક પ્રદેશો પૂરતી જળમાર્ગની સુવિધા પૂરી પાડે છે.

(2) ખેતી : નદીઓ વર્ષોવર્ષ કાંપ ઘસડી લાવીને અન્યત્ર પાથરે છે, પરિણામે મેદાનો, ખીણપ્રદેશો અને ત્રિકોણપ્રદેશો રચાય છે, તેમની ફળદ્રૂપતા ટકી રહે છે. તે ખેતીની પેદાશો માટે ઉપજાઉ નીવડે છે અને જરૂરી જળપુરવઠો પણ પૂરો પાડે છે. જે નદીઓમાં વરસાદથી તેમજ હિમગલનથી પુરવઠો જળવાઈ રહે છે ત્યાંના પ્રદેશોમાં એક કરતાં વધુ વાર પાક લેવાય છે. ગંગા-જમનાનું વિશાળ મેદાન તથા દુનિયાની કેટલીક નદીઓના વિશાળ ત્રિકોણપ્રદેશો તેમની ફળદ્રૂપતા માટે જાણીતાં બનેલાં છે. નદીઓમાંથી વ્યર્થ વહી જતાં જળને તેમજ વખતોવખત આવતાં પૂરથી થતો વિનાશ નાથી શકાય છે. બંધો આડે કૃત્રિમ જળાશયો તૈયાર કરી, તેમાંથી નહેરો મારફતે સિંચાઈ કરી ખેતરોમાંથી મબલક પાક લઈ શકાય છે.

(3) ઊર્જાપ્રાપ્તિ : પહાડી વિસ્તારોમાં પડતા જળધોધમાંથી તેમજ બહુહેતુક યોજનાઓ પર જળવિદ્યુત-મથકો સ્થાપી ઊર્જાપ્રાપ્તિ કરી શકાય છે. આવાં કૃત્રિમ જળાશયો નજીકની વસ્તીને તેમજ ઉદ્યોગોને જરૂરી પાણી પૂરું પાડી શકે છે; એટલું જ નહિ, આજુબાજુના ભૂગર્ભજળસંચયમાં ઉમેરો કરી શકે છે, વનસ્પતિજન્ય પર્યાવરણમાં ફાયદાકારક ફેરફારો લાવી મૂકે છે અને ભૂમિધોવાણ અટકાવે છે.

સારણી 1વિશ્વની ખ્યાતનામ નદીઓ

ક્રમ

નદી લંબાઈ (કિમી.) સ્થાન રસપ્રદ હકીકતો
1 2 3 4

5

1 ઍમેઝોન 6,437 દ.અમેરિકા દુનિયાની અન્ય કોઈ પણ નદી કરતાં વધુ જળવહન ક્ષમતા, દુનિયાની બીજા ક્રમે આવતી લાંબી નદી.
2 કૉલોરાડો 2,334 યુ.એસ. આ નદીએ તેના પ્રવાહપથમાં ઘસારાનાં પરિબળો દ્વારા ઘણું ઊંડું મહા canyon) કોરી કાઢ્યું છે.
3 ગંગા 2,500 ભારત બાંગ્લાદેશ હિંદુ સંસ્કૃતિ માટે પવિત્ર ગણાતી નદી.
4 જૉર્ડન 320 ઇઝરાયલ જૉર્ડન બાઇબલમાં તેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલો છે.
5 ઝામ્બેઝી 2,600 આફ્રિકા વિક્ટોરિયા ધોધ માટે જાણીતી જે દુનિયાની સાત પ્રાકૃતિક અજાયબીઓ, તે પૈકીની એક.
6 ઝાઇર (કૉંગો) 4,700 આફ્રિકા દુનિયાની પાંચમા ક્રમે આવતી લાંબી નદી, જળવહનક્ષમતામાં બીજા ક્રમે આવે છે.
7 ડાર્લિંગ 2,800 ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાની લાંબી નદી, શિયાળામાં મોટેભાગે શુષ્ક.
8 ડૅન્યૂબ 2,840 યુરોપ ઑસ્ટ્રિયાના સંગીતરચયિતા જોહાન સ્ટ્રાઉસ(જુનિયર)ને તેની સુંદરતા પરથી જાણીતી નૃત્યસંગીતરચના ‘On  the Beautiful Blue Denube’ કરવાની પ્રેરણા મળેલી.
9 ટેમ્સ 346 ગ્રેટબ્રિટન ઇંગ્લૅન્ડની લાંબામાં લાંબી નદી, લંડનના મધ્યમાંથી તે પસાર થાય છે; જળમાર્ગ તરીકે તેનું મહત્ત્વ છે.
10 નાઇજર 4,200 આફ્રિકા આફ્રિકા ખંડમાં તેનો ત્રિકોણ-પ્રદેશ મોટામાં મોટો છે.
11 નાઇલ 6,680 આફ્રિકા દુનિયાની પ્રથમ ક્રમે આવતી લાંબામાં લાંબી નદી.
12 નાયગરા 56 યુ.એસ. કૅનેડા નાયગરાના ભવ્ય ધોધ માટે પ્રખ્યાત.
13 બ્રહ્મપુત્ર 29,00 તિબેટ, તિબેટમાં ‘ત્સાંગ્પો’ નામથી,
ચીન અસમમાં ‘દિહાંગ’ નામથી
ભારત ઓળખાય છે; હિમાલયમાં
બાંગ્લાદેશ ઊંડે કોતરો કોરી કાઢ્યાં છે; પૂર વખતે તેનો પટ 8 કિમી. પહોળો થઈ જાય છે.
14 મરે 2,589 ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાની કાયમ વહેતી લાંબામાં લાંબી નદી.
15 મિસિસિપી 3,766 યુ.એસ. યુ.એસ.ની લાંબામાં લાંબી નદી.
16 મિસૂરી 3,726 યુ.એસ. યુ.એસ.ની બીજા ક્રમે આવતી લાંબી નદી.
17 મેકેન્ઝી 1,724 કૅનેડા કૅનેડાની લાંબામાં લાંબી નદી.
18 મેકૉંગ 4,180 એશિયા કમ્બોડિયા દ્વીપકલ્પની મોટામાં મોટી નદી.
19 યાંગત્સે 6,300 ચીન ચીનની લાંબામાં લાંબી નદી; દુનિયાની ત્રીજા ક્રમે આવતી લાંબી નદી.
20 વૉલ્ગા 3,531 રશિયા યુરોપની લાંબામાં લાંબી નદી.
21 શેનોન 370 આયર્લૅન્ડ બ્રિટિશ ટાપુઓની લાંબામાં લાંબી નદી.
22 સિંધુ 2,897 તિબેટ પાકિસ્તાન વિશાળ પાયા પર સિંચાઈ-પદ્ધતિ માટે જળસ્રોત પૂરી પાડતી દુનિયાની નદીઓ પૈકીની એક.
23 સીન 764 ફ્રાન્સ પૅરિસની મધ્યમાં થઈને વહે છે; તેની પર 30 જેટલા પુલ બાંધેલા છે.
24 સેન્ટ લૉરેન્સ 1,287 કૅનેડા યુ.એસ. કૅનેડાની બીજા ક્રમે આવતી લાંબામાં લાંબી નદી; વિશાળ સરોવર-સંકુલ અને ઍટલાન્ટિકને તે સાંકળી લે છે.
25 હોઆંગહો 4,672 ચીન પીતરંગી નદી; તે તેના પટમાં પીળા રંગનો કાંપ પાથરતી હોવાથી આ વિશેષનામ અપાયું છે.
26 હ્રાઇન 1,100 યુરોપ યુરોપમાં અંતર્ગત જળમાર્ગ તરીકે તેનું વિશેષ મહત્ત્વ; રાષ્ટ્રીય ઇતિહાસ અને સામર્થ્યનું જર્મન પ્રતીક.

સારણી 2 : નદીજળમાં રહેલા મુખ્ય ઘટકો

ઘટક સંકેન્દ્રણ (PPm) (સરેરાશ)

બાયકાર્બોનેટ ()

કૅલ્શિયમ (Ca2+)

સિલિકોન ડાયૉક્સાઇડ (SiO2)

સલ્ફેટ (SO42–)

ક્લોરાઇડ (Cl)

સોડિયમ (Na+)

મૅગ્નેશિયમ (Mg2+)

પોટૅશિયમ (K+)

લોહ (Fe2+)

58.4

15.0

13.1

11.2

7.8

6.3

4.1

2.3

0.67

ગિરીશભાઈ પંડ્યા