નદવી, સૈયદ સુલેમાન (જ. 22 નવેમ્બર 1884, બિહાર; અ. 22 નવેમ્બર 1953, કરાંચી) : ઉર્દૂભાષા અને સાહિત્યના વિદ્વાન. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તે 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં તે ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી પ્રસિદ્ધ થતા સામયિકના સહતંત્રી બનાવીને ધાર્મિક તથા વિવિધ સાહિત્યના સંપાદનની ગંભીર જવાબદારી સોંપી. તે કૉલકાતાથી પ્રસિદ્ધ થતા મૌલાના અબુલ કલામ આઝાદના ખ્યાતનામ અખબાર ‘અલ-હિલાલ’ના સંપાદકમંડળમાં જોડાયા. તેમની વિદ્વત્તા ત્યારે ખૂબ ખીલી ઊઠી. મૌલાના શિબ્લી નોંમાનીએ 1914માં આઝમગઢ ખાતે દારુલ મુસન્નિફીનના નામે એક સંસ્થા ઊભી કરી. તેનો આશય વિદ્વાન લેખકો-સંશોધકો વગેરેને પ્રોત્સાહન આપવાનો હતો. સૈયદ સુલેમાન પોતાના ઉસ્તાદના આગ્રહથી આઝમગઢ આવ્યા અને સંસ્થાની સર્વ પ્રકારની જવાબદારી સંભાળી લીધી. તેના સર્વાંગી વિકાસમાં તેઓ તનમનથી પરોવાઈ ગયા. તેમની અંતિમ અને સર્વોત્તમ રચના ‘સીરતુન્નબી’ છે. તેના ફક્ત બે ભાગ છપાયા પછી તબિયતના કારણે પથારીવશ થયા. એ પુસ્તકનું કામ પૂરું કરવા તેઓ ખૂબ ચિંતિત હતા, પણ તે પુસ્તક તેઓ પૂરું કરી શક્યા નહિ. પરંતુ કુદરતે સૈયદ સુલેમાનને જશ આપ્યો કારણ કે તેમણે પોતાના ઉસ્તાદના આ ભગીરથ કાર્યને પૂરેપૂરા ન્યાય સાથે બીજા પાંચ ભાગમાં પૂરું કર્યું. આજે આ ખ્યાતનામ ગ્રંથની ભારત-પાકિસ્તાનમાં અનેક આવૃત્તિઓ થયેલી છે અને અરબી તથા અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ પણ થયો છે. તેમનાં અનેક પુસ્તકોમાં ઉમર ખય્યામ ઉપરનો તેમનો ગ્રંથ ‘ખય્યામ’ ખૂબ મહત્ત્વનો લેખાય છે.
ભાષાવિજ્ઞાન અને ભાષાના ઇતિહાસ ઉપર તેમના અનેક નિબંધો છપાયા છે. ‘નુકૂશે સુલેમાની’ નામનો ગ્રંથ આજેય ઘણાં વિશ્વ-વિદ્યાલયોના ઉર્દૂના અભ્યાસક્રમમાં સામેલ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ્.ની પદવી 1940માં એનાયત કરી હતી.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા