નટરાજન્, કામાક્ષી (જ. 24 સપ્ટેમ્બર 1868, તંજાવુર, તમિળનાડુ; અ. 29 એપ્રિલ 1948) : કેન્દ્રીય પત્રકાર, સામાજિક સુધારક અને ગાંધીજીના નિકટના અનુયાયી. તેઓ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના સાથી પણ હતા. મામલતદાર કામાક્ષી અય્યરને ત્યાં જન્મ. દાદા સ્વામીનાથ અય્યરના વિદ્યા અને સાહિત્યના સંસ્કાર બાળક કામાક્ષીએ ઝીલ્યા. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં ઉછેર છતાં બાળકે પ્રારંભથી જ ક્રાંતિવાદી વલણ વિકસાવ્યું, જે જીવનભર અડીખમ રહ્યું. તેમણે ભૂતકાળ વાગોળવાની ટેવનો વિરોધ કર્યો. આને કારણે તેમના જીવનની ઘટનાઓની માહિતી પણ સચવાઈ નહિ. કુંભકોણમની કૉલેજમાં અભ્યાસ કરી અઢારમે વર્ષે ચેન્નાઈના મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. પિતાને પ્રસન્ન કરવા ટપાલ-કાર્યાલયમાં કારકુનની નોકરી સ્વીકારી. ત્યારે સરકારી નોકરીનો મહિમા હતો. તેમની દક્ષતાથી કાર્યાલયના રેઢિયાળ સાથીઓ રોષે ભરાયા. આવી સરકારી નોકરી કામાક્ષીને ફાવી નહિ. થોડો સમય શિક્ષક થયા. આ કાર્ય ગમ્યું; પણ, હજુ ધ્યેય ભણીનો માર્ગ જડતો નહોતો. જોકે વાંચવાની ટેવ પડી, જે વ્યસનની જેમ આજીવન વળગી રહી.
વીસમે વર્ષે ચેન્નાઈના પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’માં જોડાયા. સમાજસુધારા સામે આ દૈનિકનું સાવધાનીભર્યું વલણ નટરાજનને ફાવ્યું નહિ. 1889માં એમણે કેટલાક સાથીઓની સહાયથી ‘ઇંડિયન સોશિયલ રિફૉર્મર’ નામનું પત્ર કાઢ્યું. એમાં તેમણે શિક્ષણ, મહિલાઓની મુક્તિ, વિધવાવિવાહ, આંતરજ્ઞાતીય વિવાહ આદિ વિષયો વિશે એવી ઉગ્ર ભાષામાં લેખો લખ્યા કે રાનડે જેવા સુધારાવાદી પણ ક્યારેક એમને હળવેથી જવા ટકોર કરતા હતા. તેમનાં પત્ની શિવકામસુંદરી ધર્મનિષ્ઠ આર્ય સતીનું સ્મરણ કરાવે એવાં હતાં અને તેમનો તેમના પતિના કાર્યમાં સંપૂર્ણ સહયોગ રહેતો હતો.
‘રિફૉર્મર’ના કારણે કામાક્ષી પશ્ચિમ ભારતના અગ્રણી રાનડે, લલ્લુભાઈ શામળદાસ, અકબર હૈદરી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોના સંપર્કમાં આવ્યા. તેઓ પછીથી મુંબઈના ‘ઇંડિયન સ્પેક્ટેટર’માં જોડાયા. ‘રિફૉર્મર’નું કાર્ય પણ તેમણે મુંબઈમાં ચાલુ રાખ્યું. વળી અગ્રણી દૈનિક ‘ટાઇમ્સ’માં પણ સામાજિક અને રાજકીય ઘટનાઓના વિષયમાં લખવા માંડ્યું. મુંબઈ યુનિવર્સિટીમાં શિક્ષણસુધારા માટે તેઓ નિમિત્ત બન્યા હતા. જોકે 1912માં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જોડાવાના પ્રસ્તાવનો તેમણે સ્વીકાર કર્યો નહોતો. વળી મતભેદના કારણે તેમણે ‘ટાઇમ્સ’ની કટાર બંધ કરી હતી. 1922–28 સુધી ‘ઇંડિયન ડેઇલી મેઇલ’ના તેઓ તંત્રી રહ્યા. 1915માં પત્નીનું અવસાન, કથળતું સ્વાસ્થ્ય તથા વિકટ આર્થિક સ્થિતિનો ‘રિફૉર્મર’ ભોગ બન્યું. 1918માં તે નિજી કંપનીને વેચાઈ ગયું. નટરાજન્ તેના વેતનદાર બન્યા.
રાજકારણમાં પક્ષાપક્ષીથી દૂર હોવાથી તેઓ સૌના પ્રેમપાત્ર બન્યા; પણ, તેમનો રાજકારણમાં રસ સમાજસુધારાલક્ષી હતો, તેથી તેમને ગાંધીજી પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું. 1915થી તેઓ ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા. જોકે તેઓ ગાંધીજીની રેંટિયો, ખાદી, ઉપવાસ આદિ વાતોના વિરોધી હતા. તેમના પુત્રે મુસલમાન કન્યા સાથે લગ્ન કર્યાં ત્યારે તેમણે કન્યાને હિંદુ બનાવવા ના પાડી. તેમણે કહ્યું, ‘હિંદુ શબ્દ સાંકડા ધર્મનો બોધક નથી. એ તો વિશાળ રાષ્ટ્રત્વનો દ્યોતક છે.’ ધીરે ધીરે તેઓ સમજ્યા કે અંગ્રેજી શાસનમાં ભારતની પ્રગતિ અશક્ય છે. 1933માં લંડનયાત્રા માટેના આમંત્રણને તેમણે પાછું વાળ્યું હતું.
સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિકો અને ઉદારમતવાદીઓના વર્તુળમાં તેઓ સુપરિચિત હતા અને સૌના આદરપાત્ર હતા. મુંબઈમાં બાંદરાના તેમના નિવાસે તેમને મળવા આવનારાઓમાં બાબાસાહેબ આંબેડકર, વિઠ્ઠલભાઈ પટેલ અને બાળ ગંગાધર ખેર જેવા અગ્રણીઓનો સમાવેશ થતો હતો. શતરંજ સિવાયની રમતોમાં તેમને જરાયે રુચિ નહોતી. વાચનનું અકરાંતિયાપણું અંતિમ વર્ષોમાં તેમની દૃષ્ટિ છીનવીને જંપ્યું. કૅથરિન મેયોના ભારતને ઉતારી પાડતા ‘મધર ઇંડિયા’ પુસ્તકને એવું જ પુસ્તક લખીને તેમણે ઉત્તર આપ્યો. અમેરિકાની યાત્રાનાં સંસ્મરણોનું પુસ્તક પણ તેમણે લખ્યું. તેમના બંને પુત્રો પત્રકાર થયા. તેમના અવસાન સાથે ‘ઇંડિયન સોશિયલ રિફૉર્મર’ પણ બંધ પડ્યું.
બંસીધર શુક્લ