નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો.
નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના હતાં. ભાવાત્મક એકતા અને સાંસ્કૃતિક સમન્વયના તેઓ પ્રતીક હતા. અમીર ખુસરો અને સંત કબીરથી પ્રારંભાયેલી પરંપરાનું તેમણે વિસ્તરણ કરીને તેને સૂફી મત અને ભક્તિ સાથે જોડી હતી. હિંદુઓ અને મુસલમાનો ઉપર તેઓ સરખો પ્રેમ રાખતા હતા. તેમની જીવનશૈલીનો પડઘો તેમના કાવ્યસર્જનમાં સ્પષ્ટ સંભળાય છે. નઝીર જીવનભર સામાન્ય વર્ગના જનજીવન સાથે સંકળાયેલા હતા. તેથી તેમના કાવ્યસંગ્રહમાં ‘ઈદ’, ‘દિવાલી’, ‘હોલી’, ‘રાખી’, ‘શબે બરાત’, ‘જન્મ કનૈહ્યાજી’ જેવાં તહેવાર-કાવ્યો, ‘બરસાત કી બહારેં’, ‘મૌસમે ઝમિસ્તાં’ (વર્ષાઋતુ), ‘ઉમસ’ (ગરમી) જેવાં ઋતુકાવ્યો ઉપરાંત ‘દુનિયા કી નેકીબદી’, ‘આદમીનામા’, ‘બંજારાનામા’ જેવાં બોધકાવ્યો અને ‘રોટિયાં’, ‘મુફલિસી’ જેવાં સામાજિક કાવ્યો જોવા મળે છે. આમ ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં નઝીર પહેલા કવિ હતા જેમણે કવિતામાં દેશની માટીની સોડમ ભર્યાની પ્રતીતિ થાય છે. સાચા અર્થમાં તેઓ એક ‘અવામી શાઇર’ તરીકે ઓળખાય છે. અંતિમ ક્ષણો સુધી તે અલગારી જીવન જીવ્યા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા