નગરપતિ (Mayor)

January, 1998

નગરપતિ (Mayor) : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટાયેલા વડા. ભારતમાં મોટાં શહેરોનો વહીવટ ચલાવવા માટે કૉર્પોરેશનની રચના કરવામાં આવી છે. તે શહેરી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનું એક મહત્ત્વનું અંગ છે. બધાં રાજ્યોમાં કૉર્પોરેશનની રચના શહેરી સ્થાનિક સરકારના ભાગ રૂપે કરવામાં આવે છે. કૉર્પોરેશનમાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી નગરપતિ ચૂંટવામાં આવે છે. સામાન્યત: તેઓના હોદ્દાની મુદત એક વર્ષની હોય છે. જોકે તેમના હોદ્દાની મુદત, સત્તાઓ, તેમનું સ્થાન વગેરેની જોગવાઈઓ બધાં શહેરોમાં એકસરખાં નથી; દા. ત., આગ્રા, અલ્લાહાબાદ, કાનપુર, લખનૌ, વારાણસી વગેરે શહેરોમાં નગરપતિ માટે કૉર્પોરેશનના સભ્ય હોવું જરૂરી નથી; જ્યારે પટણા, ભાવનગર, રાજકોટ, સૂરત અમદાવાદ વગેરે શહેરોમાં નગરપતિ માટે કૉર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાવું ફરજિયાત છે.

નગરપતિ કૉર્પોરેશનનો કારોબારી વડો છે. તેથી તેને શહેરનો પ્રથમ નાગરિક પણ કહેવામાં આવે છે. નગરપતિ શહેરની ગરિમા અને અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. નગરપતિ એક વર્ષ સુધી હોદ્દા પર રહી શકે છે પરંતુ જો કૉર્પોરેશનના સભ્યો ઇચ્છે તો તેને બીજી વખત પણ નગરપતિ ચૂંટી શકે છે. પરંતુ બધાં કૉર્પોરેશનમાં નગરપતિની ચૂંટણીરીતિ એકસરખી નથી હોતી.

કૉર્પોરેશનની બેઠકોની અધ્યક્ષતા નગરપતિ કરે છે. કૉર્પોરેશનના કાર્યાલય પર તેનું નિયંત્રણ કરે છે અને અંકુશ હોય છે. કેટલાંક કૉર્પોરેશનમાં નગરપતિને, કૉર્પોરેશનના બધા દસ્તાવેજો જોવાનો અધિકાર હોય છે. નગરપતિ નાગરિક વહીવટની જાણકારી મેળવી શકે છે. નગરપતિને મળેલી સત્તાઓ પ્રમાણે તેને એ પ્રકારની પણ સત્તાઓ મળી હોય છે કે કટોકટીની સ્થિતિમાં તે કોઈ પણ કાર્ય કરવા માટે અધિકાર ધરાવે છે. જરૂર પડ્યે તે કૉર્પોરેશનની ખાસ બેઠક પણ બોલાવી શકે છે. બીજી તરફ નિશ્ચિત સંખ્યામાં કૉર્પોરેશનના સભ્યો જો ખાસ વધારાની બેઠક બોલાવવાની માગણી કરે તો તેવી બેઠક પણ નગરપતિએ બોલાવવી પડે છે. અમુક શહેરોમાં એવી પણ જોગવાઈ છે કે કૉર્પોરેશન અને જે તે રાજ્ય-સરકાર વચ્ચેનો પત્રવ્યવહાર નગરપતિના માધ્યમ દ્વારા થાય છે, પણ નગરપતિ કોઈ પત્રવ્યવહાર રોકી શકે નહિ. મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં નગરપતિને કટોકટીની પરિસ્થિતિમાં કોઈ કાર્યને કરવા માટે સત્તાઓ મળી છે ખરી, પરંતુ નગરપતિએ કૉર્પોરેશનની પછીની બેઠકમાં એ માટેનાં કારણો રજૂ કરવાં પડે છે અને એ કારણો જો કૉર્પોરેશન માન્ય કરે તો જ તેને મંજૂરી મળે છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં નગરપતિને કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા છે, પરંતુ તેણે આવી નિમણૂકો રાજ્ય જાહેરસેવા આયોગ સાથે ચર્ચાવિચારણા – પરામર્શન – કરીને કરવી પડે છે.

નગરપતિની નીચે એક નાયબ નગરપતિ પણ હોય છે જે નગરપતિને તેમનાં કાર્યોમાં મદદ કરે છે. નગરપતિ કૉર્પોરેશનનાં વિવિધ પ્રકારનાં કાર્યો જેવાં કે જનસ્વાસ્થ્ય, પ્રાથમિક શિક્ષણ, લોકોની સુરક્ષા, તબીબી સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરેમાં રસ લે છે. સરકાર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે ત્યારે તે સામાન્યત: નગરપતિ સાથે વિચારવિમર્શ કરે છે. આવા તબક્કે નગરપતિનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું બની જાય તે સ્વાભાવિક છે. તે કમિશનરનાં કાર્યો પર પણ દેખરેખ રાખી શકે છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા