નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું. વર્ધામાં વિદ્વાનોએ પરિષદ ભરેલી તેથી તે વર્ધા-શિક્ષણ અને કાકાસાહેબ કાલેલકરે તેને અનુબંધ-શિક્ષણ એવું નામ આપ્યું. નઈ તાલીમ ‘સ્વાવલંબી શિક્ષણ’ અને ચારિત્ર્ય તથા સમાજસેવા ઉપર ભાર મૂકે છે તેથી તેને ‘ચારિત્ર્યશિક્ષણ’ અને ‘સેવાશિક્ષણ’ એમ પણ કહ્યું. નઈ તાલીમનો આશય વિશ્વમાં સર્વોદય હોઈ તેને ‘સર્વોદય-શિક્ષણ’ પણ કહ્યું. આમ નઈ તાલીમને અનેક નામો આપવામાં આવ્યાં હતાં. પણ પાછળથી ‘વર્ધા-શિક્ષણ યોજના’, ‘પાયાની કેળવણી’, ‘બુનિયાદી તાલીમ’ અને ‘નઈ તાલીમ’ નામો વધુ પ્રચલિત બન્યાં.
ગાંધીજીની કેળવણીની ફિલસૂફી હિંદમાંની અથવા બીજા દેશોમાંની પ્રાચીન કે અર્વાચીન કેળવણીની ચળવળોના અભ્યાસનું પરિણામ નથી. કેળવણીનો એમનો સિદ્ધાંત મૌલિક, યુગપ્રવર્તક અને ક્રાંતિકારી છે; આ દેશના રાજકીય, સામાજિક અને આર્થિક જીવનના તેમના બહોળા અને લાંબા અનુભવમાંથી ઉદ્ભવ્યો છે. ગાંધીજી સમજી ગયેલા કે હિંદ સદીઓથી જે બૂરાઈઓ અને બદીઓથી પીડાઈ રહ્યો છે તેનો એકમાત્ર રામબાણ ઇલાજ કેળવણી છે. પરદેશમાંથી આયાત કરવામાં આવેલી હિંદની વર્તમાન કેળવણીની પદ્ધતિ અહીંની પ્રજાની પ્રકૃતિ તથા સંસ્કૃતિને અનુકૂળ નહોતી. સમાજની જરૂરિયાતો સાથે તેને બંધબેસતી કરવા માટે તેમાં ધરમૂળ ફેરફારો જરૂરી હતા.
ગાંધીજી એવી સમાજવ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકે છે કે જેમાં દરેક પોતાના જીવનનું સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરી શકે. ગાંધીજીની કલ્પનાની સમાજવ્યવસ્થા સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલી હોઈ, આ સિદ્ધાંતો પર રચાયેલી સમાજવ્યવસ્થા આર્થિક, સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક વગેરે તમામ પ્રકારના શોષણથી મુક્ત હોય; વર્ગવિહીન સમાજ, ગ્રામસ્વરાજ અથવા ગ્રામ-પંચાયતોના પાયા પર રચાયેલી હોય. આમ ગાંધીજીની કેળવણીની યોજનામાં તેમની કલ્પનાઓનો સમાજ પડેલો હતો. લગભગ ચાલીસ વરસ જેટલા સમય સુધી પ્રયોગ અને અખતરાઓ પછી ગાંધીજીએ 1937માં રાષ્ટ્રવ્યાપી પાયા પર તેનો અમલ કરવા માટે કેળવણીની આ યોજનાને છેવટનું સ્વરૂપ આપ્યું.
વર્ધા યોજના અથવા પાયાની રાષ્ટ્રીય કેળવણીના નામથી ઓળખાતી નવી યોજનાની ગાંધીજીએ ‘હરિજન’માં જાહેરાત કરી. તેમના વિચારો, પ્રચલિત ખ્યાલો તથા કેળવણીકારોની સ્વીકૃત પરંપરાગત માન્યતાઓથી વિરુદ્ધ હતા. આથી ટીકાકારો ઘણા હતા. ગાંધીજીએ ટીકાકારોને પોતાની યોજનાની વિગતો આપી, જેથી થોડાકનો વિચારપલટો થયો. એ જ અરસામાં વર્ધાની મારવાડી હાઈસ્કૂલ (નવભારત વિદ્યાલય) પોતાનો રૌપ્ય મહોત્સવ ઊજવી રહી હતી. તેના વ્યવસ્થાપકોએ એ પ્રસંગે ગાંધીજી ‘હરિજન’ પત્રમાં કેળવણીની જે યોજનાનું નિરૂપણ કરી રહ્યા હતા તેની ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય ભાવનાવાળા કેળવણીકારોની એક નાનકડી પરિષદ બોલાવી. 1937ના ઑક્ટોબર માસની 22, 23 તારીખોએ ગાંધીજીના પ્રમુખપદ નીચે વર્ધામાં અખિલ ભારત રાષ્ટ્રીય કેળવણી પરિષદ મળી. પરિષદમાં બહુ થોડા કેળવણીકારો હતા. પ્રેક્ષકો તો હતા જ નહિ. તે કેવળ એક કાર્ય કરવા માટેની સભા હતી. તેમાં ડૉ. ઝાકિર હુસેન, પ્રો. કે. ટી. શાહ, આચાર્ય વિનોબા ભાવે, કાકા કાલેલકર જેવા નામાંકિત કેળવણીકારો હતા. પરિષદે નીચેના ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા : (1) સાત વરસ સુધી મફત અને ફરજિયાત કેળવણી રાષ્ટ્રવ્યાપી પાયા પર અપાવી જોઈએ. (2) કેળવણી માતૃભાષા દ્વારા અપાવી જોઈએ. (3) આખા સમય દરમિયાન કેળવણીની પ્રક્રિયા કોઈ પ્રકારના શારીરિક અને ઉત્પાદક કામની આસપાસ ગૂંથાવી જોઈએ; બાળકનું વાતાવરણ લક્ષમાં રાખીને, પસંદ કરેલા મધ્યવર્તી હસ્તઉદ્યોગની જોડે બને ત્યાં સુધી અનુસંધાન રહે તેવી રીતે, તેની બધી શક્તિઓનો વિકાસ થાય તેવું શિક્ષણ અપાવું જોઈએ. (4) આ શિક્ષણપદ્ધતિમાંથી ધીરે ધીરે શિક્ષકનો પગાર નીકળી રહે તેમ હોવું જોઈએ.
પરિષદે ઉપરના ઠરાવો લક્ષમાં રાખીને વિગતવાર અભ્યાસક્રમ તૈયાર કરવા માટે ડૉ. ઝાકિર હુસેનના પ્રમુખપદ નીચે અગ્રગણ્ય કેળવણીકારોની એક સમિતિ નીમી. આ સમિતિએ પરિષદમાં ઉદ્ભવેલા તમામ પ્રશ્નોની બધી બાજુએથી તપાસ કરી 1937ના ડિસેમ્બરની બીજી તારીખે પોતાનો અહેવાલ ગાંધીજીને સુપરત કર્યો. આ અહેવાલમાં જેને ‘વર્ધા યોજના’ અથવા ‘પાયાની રાષ્ટ્રીય કેળવણી’ તરીકે ઓળખવામાં આવે છે તેનો સમાવેશ થયો હતો.
આ યોજનાનાં મહત્ત્વનાં લક્ષણોમાં પ્રથમ લક્ષણ ‘મફત અને ફરજિયાત કેળવણી’ હતું. સાતથી ચૌદ વરસ વચ્ચેનાં સઘળાં છોકરા તથા છોકરીઓને મફત અને ફરજિયાત કેળવણી આપવી. માબાપ ઇચ્છે તો, ખાસ છૂટ તરીકે છોકરીને બાર વરસ પૂરાં થયે ઉઠાડી લઈ શકે. આ ઉપરથી એવું અનુમાન નથી થતું કે પૂર્વપ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ તથા પ્રૌઢ કેળવણીની જરૂરિયાત નથી. ગાંધીજીની કેળવણીની ફિલસૂફીમાં કેળવણીની બધી કક્ષાઓનો સમાવેશ થાય છે; પરંતુ દેશની વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમણે પોતાનું પ્રથમ લક્ષ્ય સાતથી ચૌદ વરસની ઉંમરનાં બાળકોની કેળવણી ઉપર કેન્દ્રિત કર્યું. લોકશાહીના સફળ સંચાલન માટે એ લઘુતમ સર્વાંગીણ કેળવણી અનિવાર્ય હતી. તેમના મતે ઉચ્ચ કેળવણીનો સવાલ થોડા વખત માટે મોકૂફ રાખી શકાય, પરંતુ પ્રાથમિક કેળવણીનો સવાલ તો એક ક્ષણ માટે પણ મોકૂફ રાખી શકાય નહિ.
આ યોજનાનું બીજું મહત્ત્વનું લક્ષણ ‘કેળવણીના કેન્દ્ર તરીકે ઉદ્યોગો’ હતું. કેળવણી કોઈક ઉદ્યોગ અથવા ઉત્પાદક કામ દ્વારા અપાવી જોઈએ. એ ઉદ્યોગ અથવા ઉત્પાદક કામ શાળામાં અપાતા બીજા શિક્ષણનું કેન્દ્ર બનવું જોઈએ. સમિતિએ આ માટે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી : (1) જે હાથઉદ્યોગ કે ઉત્પાદક કામ પસંદ કરવામાં આવે તેની દ્વારા કેળવણી આપવાનો ખૂબ અવકાશ હોય, (2) એ કામનો માનવ-પ્રવૃત્તિઓ અને હિતોની સાથે સ્વાભાવિક સંબંધ હોય, (3) તેનો વિસ્તાર શાળાના સમગ્ર અભ્યાસક્રમ જેટલો થઈ શકે તેમ હોય, (4) તેનો હેતુ યંત્રવત્ કોઈ ઉદ્યોગ કરી શકે એવા કારીગરો પેદા કરવાનો નથી, પણ ઉદ્યોગની ક્રિયાઓમાંથી કેળવણી મળવાનો જે અવકાશ રહેલો છે તેનો લાભ ઉઠાવવાનો છે. આથી ઉત્પાદક કામ એ શાળાના અભ્યાસક્રમનું એક અંગ હોવું જોઈએ; એટલું જ નહિ, પણ બીજા વિષયો શીખવવાની ‘પદ્ધતિ’ પણ તેમાંથી સૂઝવી જોઈએ. (5) બાળકો સહકારથી કામ કરે, યોજના કરે, ચોકસાઈ સાચવે, નવું વિચારે, વ્યક્તિગત જવાબદારી સમજે વગેરે ગુણો કેળવવાના છે.
આ યોજનાનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ ‘સ્વાવલંબન’ હતું. બાળક ચૌદ વરસની ઉંમરે શાળા છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવાની શક્તિ આવેલી હોવી જોઈએ. કેળવણી આપવાની સાથે સાથે બેકારી પર ‘ઘા’ કરવાની યોજનાની નેમ હતી. સમિતિ સ્વાવલંબનના પાયાને સંપૂર્ણપણે માન્ય રાખે છે, પણ સંચાલનમાં રહેલાં જોખમો સામે ચેતવણી આપે છે. તેમના મતે, શિક્ષકો કદાચ પોતાનું બધું ધ્યાન અને શક્તિ બાળકો પાસેથી વધારે મજૂરી કરાવવામાં વાપરે તેની સાથે ઉદ્યોગશિક્ષણમાં બુદ્ધિ, સમાજસેવાની ભાવના, સદાચાર વગેરેના સંવર્ધનની જે શક્યતાઓ છે તેના તરફ દુર્લક્ષ ન કરે તે બાબત સતત ધ્યાનમાં રખાવી જોઈએ. બાળકોએ કરેલા ઉત્પાદનમાંથી શિક્ષકનો પગાર મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવી છે. પણ શાળાનાં મકાનો, ફર્નિચર, પુસ્તકો તથા ઉદ્યોગ માટે જરૂરી સાધનો અને ઓજારો માટે થતો બાકીનો ખર્ચ રાજ્યે આપવો જોઈએ. ઉત્પાદિત માલના વેચાણ માટેની વ્યવસ્થા કરવાનું પણ રાજ્યે માથે લેવું જોઈએ.
આ યોજનાનું ચોથું લક્ષણ ‘શિક્ષણનું માધ્યમ’ હતું. પાયાની રાષ્ટ્રીય કેળવણી માતૃભાષા દ્વારા અપાવી જોઈએ. આ સંબંધમાં સમિતિ એવું મંતવ્ય આપે છે કે, ‘માતૃભાષાનું યોગ્ય શિક્ષણ એ સઘળી કેળવણીનો પાયો છે. અસરકારક રીતે બોલવાની અને શુદ્ધ તથા સ્પષ્ટ રીતે વાંચવા-લખવાની શક્તિ વિના કોઈ પણ માણસ ચોક્કસ રીતે વિચાર ન કરી શકે તેમજ તેને વ્યક્ત ન કરી શકે. માતૃભાષા એ બાળકોને તેની આસપાસના સમાજના વિચારો, ભાવનાઓ અને આકાંક્ષાઓના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવવાનું એક સાધન છે. તેને સામાજિક કેળવણીનું તેમજ બાળકમાં નીતિ અને સદાચારના સાચા ખ્યાલો પેદા કરવાનું કીમતી સાધન બનાવી શકાય. બાળકની કલાભિરુચિ વ્યક્ત કરવા માટે માતૃભાષા સ્વાભાવિક સાધન છે.’
આ યોજનાનું પાંચમું લક્ષણ ‘અહિંસા’ હતું. વર્ધા-યોજનામાં ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત સંપૂર્ણપણે વ્યાપ્ત છે. ગાંધીજીએ કેળવણીમાં અહિંસાનો સિદ્ધાંત લાગુ પાડ્યો તે અંગે મહાદેવ દેસાઈ કહે છે કે, ‘સ્વાવલંબી કેળવણીના ખ્યાલને અહિંસાની સૈદ્ધાંતિક ભૂમિકાથી અળગો પાડી શકાય તેમ નથી. આ યોજના વર્ગવિહીન અને શોષણવિહીન સમાજ સર્જવા માગે છે એ બાબત આપણે લક્ષમાં રાખીશું નહિ તો આપણે તેને સફળ કરી શકવાના નથી. આથી આ કામ અહિંસામાં દૃઢ શ્રદ્ધા રાખીને કરવું જોઈએ. અહિંસાને દરેક અનિષ્ટના રામબાણ ઇલાજ તરીકે માનનાર વ્યક્તિએ આ યોજના નિર્માણ કરી છે એવી શ્રદ્ધાથી હાથ ધરવું જોઈએ.’
આ યોજનાનું છઠ્ઠું લક્ષણ ‘નાગરિકતાનો આદર્શ’ હતો. વર્ધા યોજનાના પ્રયોજકોનો એવો અભિપ્રાય છે કે નાગરિકતાનો આદર્શ ઘણો જ મહત્ત્વનો છે. આધુનિક સમયના ભારતમાં સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પ્રજાજીવનમાં આમવર્ગનો ફાળો અને પ્રભાવ દિવસે દિવસે વધવાનો છે. નાગરિકતાના હકો અને કર્તવ્યોનો બુદ્ધિપૂર્વક અમલ કરવાને માટે લોકોને ઓછામાં ઓછી આવશ્યક કેળવણી આપે એવી શિક્ષણપદ્ધતિ જરૂરની છે. આધુનિક સમયમાં બુદ્ધિશાળી નાગરિક, સમાજનો સક્રિય સભ્ય હોવો જોઈએ અને એક સંગઠિત સુધરેલા સમાજના સભ્ય તરીકે તેને માથે સમાજનું જે ઋણ હોય તે કશીક ઉપયોગી સેવાને રૂપે પાછું વાળવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. ભારતીય નાગરિક સમાજસેવાની ભાવના ધરાવતો હોવો જોઈએ.
આ યોજનાનું સાતમું લક્ષણ ‘સહકારના પાયા પર રચાયેલા સમાજની કલ્પના’ હતું. આ યોજનાના મૂળમાં પરસ્પર સહકાર પર રચાયેલા સમાજની કલ્પના રહેલી છે. એવા સમાજમાં બચપણ અને જુવાનીની કુમળી વયમાં સમાજસેવાનો હેતુ બાળકોની સર્વ પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત રહેશે. શાળામાં ભણવાના કાળમાં પણ તેમને લાગશે કે, આપણે રાષ્ટ્રીય કેળવણીના મહાન પ્રયોગમાં સીધી રીતે અને જાતે મદદ કરી રહ્યાં છીએ.
ઉપર વર્ણવેલાં લક્ષણોને ધ્યાનમાં લઈને તેના અભ્યાસક્રમમાં નીચે જણાવેલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
1. પાયાનો ઉદ્યોગ : સમિતિએ અનુકૂળ આવે એવા ત્રણ પાયાના ઉદ્યોગો સૂચવ્યા હતા. તેમાં (1) ખેતી, (2) કાંતણ અને વણાટ, (3) પૂંઠાકામ, લાકડાકામ કે ધાતુકામ. મનુષ્યની પ્રાથમિક અથવા મૂળભૂત જરૂરિયાત ત્રણ
છે : (1) ખોરાક, (2) વસ્ત્ર અને (3) રહેઠાણ (આશ્રય). આ મૂળભૂત જરૂરિયાતોને જે ઉદ્યોગ પોષી શકે તે પાયાનો ઉદ્યોગ કહેવાય. આવા પાયાના ઉદ્યોગમાં ખેતીના ઉદ્યોગનો (ખોરાકની જરૂરિયાત), કાંતણ અને વણાટકામના ઉદ્યોગનો (વસ્ત્રની જરૂરિયાત) અને લાકડાકામ(રહેઠાણની જરૂરિયાત)નો સમાવેશ સ્વાભાવિક રીતે થાય છે. તેથી આ ઉદ્યોગો પાયાના ઉદ્યોગો ગણાય છે.
પાયાના ઉદ્યોગની પસંદગી માટે નીચેની શરતો સૂચવવામાં આવી : (1) આસપાસમાં કાચો માલ મેળવવાની સરળતા, (2) ઓછું ખર્ચાળપણું, (3) ઉદ્યોગ શરૂ કરવામાં ઓછામાં ઓછો વ્યય, (4) બાળકોની રુચિને અનુકૂળ, (5) તે દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસની સરળતા, (6) જેમ જેમ બાળક ઉપલા ધોરણમાં ચડતો જાય તેમ તેમ નવી નવી શોધો કે અનુભવોની તક મળવાની શક્યતા વગેરે.
2. માતૃભાષા : માતૃભાષાના અભ્યાસક્રમમાં ઝાકિર હુસેન સમિતિએ ભાષા અને સાહિત્યના સર્જનાત્મક અને ઉપયોગિતાનાં એમ ઉભય મૂલ્યો પર ભાર મૂક્યો છે. સાત વરસના અભ્યાસને અંતે નીચેના ઉદ્દેશો સિદ્ધ કરવાનું લક્ષ્ય હતું : (1) સ્વાભાવિક રીતે અને આત્મવિશ્વાસથી વાતચીત કરવાની શક્તિનો વિકાસ, (2) કોઈ પણ વિષય પર સ્પષ્ટ, એકધારું અને મુદ્દાસર બોલવાની શક્તિનો વિકાસ, (3) અર્થગ્રહણયુક્ત ઝડપી મૂકવાચનની શક્તિનો વિકાસ, (4) સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વાચનશક્તિનો વિકાસ, (5) પુસ્તકાલય કૌશલ્યોનો વિકાસ, (6) સુવાચ્ય અક્ષરે, શુદ્ધ જોડણીયુક્ત ઝડપથી લખવાની શક્તિનો વિકાસ, (7) અહેવાલલેખનનાં કૌશલ્યોનો વિકાસ, (8) અંગત અને ધંધાકીય પત્રવ્યવહારની કુશળતાનો વિકાસ, (9) શિષ્ટ સાહિત્યના અભ્યાસમાં રસ.
3. ગણિત : સમિતિએ ગણિતશિક્ષણનો ઉદ્દેશ એ રાખ્યો હતો કે વિદ્યાર્થીમાં તેના ઉદ્યોગને અંગે તેમજ તેના ઘર અને સમાજને અંગે ઊભા થતા સામાન્ય અંકગણિત અને ભૂમિતિના પ્રશ્નો ઝપાટાભેર ઉકેલવાની શક્તિ ખીલે. ઉપરાંત વેપાર, વહીવટ અને નામાનું જ્ઞાન પણ મેળવે; ગણિતનું શિક્ષણ કેવળ હકીકતો અને આંકડાઓની ગણતરી પૂરતું જ સીમિત રાખવાને બદલે બાળકના જીવનમાં તે વાસ્તવિક બને. પોતાના પાયાના ઉદ્યોગમાં તથા બાગકામમાં પ્રત્યક્ષ ઊભા થતા દાખલાઓ શીખે તેમજ પોતાના ગામ, શહેર કે દેશની આર્થિક કે સામાજિક ઘટનાઓ ઉપર પ્રકાશ નાખતા આંકડાઓ વિશે શીખે. તેમની પાસે પ્રત્યક્ષ જમીનમાપણી અને ખેતીકામ કરાવવામાં આવે તેમજ તેમનાં ગામનાં ખર્ચ અને દેવાની તેમની પાસે ગણતરી કરાવવામાં આવે. આ રીતે ગણિતશિક્ષણ એક સક્રિય વસ્તુ બને; એટલું જ નહિ, પણ બાળકને પોતાની સામાજિક પરિસ્થિતિ સમજવાનું અને તેનો અર્થ કરવાનું સરળ બને.
4. સમાજવિદ્યા : આમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર અને વર્તમાન બનાવોનો સમાવેશ કરાયો હતો. સમાજવિદ્યાના અભ્યાસના ઉદ્દેશો આ પ્રમાણેના હતા : (1) માનવજાતની અને વિશેષે કરીને હિંદુસ્તાનની પ્રગતિમાં માનવોચિત વ્યાપક રસ ખીલે. (2) આસપાસની સામાજિક તથા ભૌગોલિક પરિસ્થિતિની યોગ્ય સમજ પેદા કરે અને તે સુધારવાની ધગશ જાગ્રત કરે. (3) જન્મભૂમિ વિશે પ્રેમ અને સદભાવની ભાવના પેદા કરે. (4) નાગરિકતાના હકો તથા જવાબદારીઓનું ભાન પેદા કરે. (5) જે ગુણો માણસને વિશ્વાસપાત્ર સાથી અને ભરોસાદાર પડોશી બનાવે તેવા વ્યક્તિગત અને સામાજિક સદગુણોનું સંવર્ધન કરે. અને (6) જગતના ધર્મો પ્રત્યે પરસ્પર આદરની ભાવના ખીલે.
5. સામાન્ય વિજ્ઞાન : આના અભ્યાસક્રમમાં સૃષ્ટિપરિચય, પ્રાણીશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, શૌચ અને આરોગ્યવિદ્યા, વ્યાયામ, રસાયણવિદ્યા તથા તારાઓ અને ગ્રહોનો પરિચય વગેરેનો સમાવેશ કરાયો હતો.
આ પ્રકારના શિક્ષણના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) કુદરતને સમભાવપૂર્વક અને બુદ્ધિથી સમજવાની દૃષ્ટિ ખીલે. (2) ચોક્કસ નિરીક્ષણની અને પ્રયોગ વડે અનુભવને કસી જોવાની ટેવો પડે. (3) આસપાસની કુદરતી ઘટનાઓમાં અને મનુષ્યની સેવામાં વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં જે અગત્યના વૈજ્ઞાનિક નિયમો લાગુ પડે છે તે સમજી શકે. અને (4) મહાન વૈજ્ઞાનિકોના જીવનમાંથી વધારે મહત્ત્વની ઘટનાઓનો પરિચય કેળવે. પાંચમા ધોરણ સુધી છોકરાઓ તથા છોકરીઓ માટે સમાન અભ્યાસક્રમ સૂચવ્યો હતો. છઠ્ઠા અને સાતમા ધોરણમાં છોકરીઓને પાયાના ઉદ્યોગને બદલે ગૃહવિજ્ઞાનનો ઉચ્ચતર અભ્યાસક્રમ લેવાની છૂટ હતી.
6. આલેખન : પહેલાં ચાર વર્ષ સૃષ્ટિપરિચય અને ઉદ્યોગને અંગે ચિત્રો દોરતાં શીખવાય જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં સુશોભન અને યાંત્રિક ચિત્રો પર ભાર મુકાય. આલેખનના ઉદ્દેશો આ પ્રમાણે હતા : (1) આંખને આકારો તથા રંગોનું નિરીક્ષણ કરવાની અને તેના ભેદો પારખવાની કેળવણી મળે, (2) આકારો માટે સ્મરણશક્તિ ખીલે, (3) કુદરતમાં તેમજ કળામાં જે સુંદર અંશો હોય તે ઓળખતાં અને તેનો રસાસ્વાદ લેતાં શીખે, (4) રુચિકર ભાતો અને સુશોભન માટેની શક્તિ ખીલે અને (5) જે ચીજો બનાવવાની હોય તેનાં કામચલાઉ ચિત્રો બનાવાની શક્તિ ખીલે.
7. સંગીત : સંગીતના શિક્ષણ માટે વ્યવસ્થિત અભ્યાસક્રમ તૈયાર કર્યો નથી. તે અંગેની ભલામણો એ હતી કે બધા વર્ગોમાં કેટલાક મુખ્ય મુખ્ય રાગો અને તાલવાળો સમૂહગીતનો અભ્યાસક્રમ રાખવો. ગીતો કાળજીથી પસંદ કરવાં. તેમાં રાષ્ટ્રગીતો, લોકગીતો, ભજનો અને જુદી જુદી ઋતુઓ તથા ઉત્સવોનાં ગીતોનો સમાવેશ કરવો.
8. હિંદુસ્તાની : બાળકોને રાષ્ટ્રભાષાનો ઠીક ઠીક પરિચય થાય એટલા માટે સમિતિએ અભ્યાસક્રમમાં હિંદુસ્તાની ભાષાનો ફરજિયાત વિષય તરીકે સમાવેશ કર્યો હતો.
ઝાકિર હુસેન સમિતિના નિવેદન અને અભ્યાસક્રમને હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં અનુમોદન મળ્યું (1938), અને બુનિયાદી શિક્ષણના ફેલાવા માટે હિંદુસ્તાની તાલીમી સંઘનું નિર્માણ થયું (1939). કેન્દ્ર-સરકારની શિક્ષણવિષયક મધ્યસ્થ સલાહકાર સમિતિ(Advisory Board of Education-ABE)એ આ નવી શિક્ષણયોજનાની તપાસ માટે મુંબઈના પંતપ્રધાન બી. જી. ખેરના અધ્યક્ષપણા નીચે એક સમિતિ નીમી. ખેર સમિતિએ વર્ધાયોજનાના અમલ અને વિસ્તાર અંગે કેટલાંક સૂચનો કર્યાં. જ્યાં જ્યાં કૉંગ્રેસ પ્રધાનમંડળો સત્તા પર હતાં ત્યાં ત્યાં પ્રયોગ તરીકે બુનિયાદી શિક્ષણ અપાવા માંડ્યું. 1939માં બુનિયાદી શાળા માટે શિક્ષકોની તાલીમનું કાર્ય શરૂ થયું. 1942–45ની રાજકીય ચળવળ દરમિયાન બુનિયાદી શિક્ષણનો પ્રયોગ અત્યંત ધીમો પડ્યો. સરકારી પ્રોત્સાહન વગર બુનિયાદી શિક્ષણને જોઈએ તેવો વેગ મળ્યો નહિ. 1947માં આઝાદી પ્રાપ્ત થયા પછી બુનિયાદી શિક્ષણને વેગ મળ્યો.
ભારતની સાર્વત્રિક કેળવણીનું સ્વરૂપ બુનિયાદી શિક્ષણનું હશે એમ ઠરાવવામાં આવ્યું. પણ આ વર્ષો દરમિયાન ગાંધીજીએ કલ્પેલા મૂળભૂત બુનિયાદી શિક્ષણમાં ફેરફાર થતા ગયા. સ્વાવલંબન પરનો ભાર ઓછો થતો ગયો; શિક્ષણમાંથી શિક્ષણસાધનોનું ખર્ચ નીકળે તે પૂરતું સ્વાવલંબન સમજવામાં આવ્યું; ગામડાંના મૂળ ઉદ્યોગો પરનો આગ્રહ ઓછો થવા માંડ્યો; ઉદ્યોગ દ્વારા જ બધું શિક્ષણ અપાય તેને બદલે મૂળ ઉદ્યોગ ઉપરાંત બાળકની ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ દ્વારા શિક્ષણનો સમવાય સાધી વર્ગશિક્ષણ આપવું એ સિદ્ધાંત સ્વીકારાયો. સાથે સાથે સામાન્ય પ્રાથમિક શાળાઓના બુનિયાદીકરણની પ્રવૃત્તિ વેગ પકડવા માંડી. પંચવર્ષીય યોજનાઓ હેઠળ બુનિયાદી શિક્ષણનો ઝડપી વિકાસ સાધવા સારા પ્રમાણમાં નાણાંની જોગવાઈ કરવામાં આવી.
રાજ્ય-સરકારોએ અને કેન્દ્ર-સરકારે આ યોજનાનો કેળવણીની રાષ્ટ્રીય યોજના તરીકે સ્વીકાર કર્યો હોવા છતાં, સમાજની સંમતિ આ યોજનાને સંપૂર્ણપણે મળી નથી તે હકીકત છે. ‘બુનિયાદી શિક્ષણ’નો પ્રશ્ન આજ પર્યંત સળગતો રહ્યો છે. બુનિયાદી શિક્ષણ વિશે જે ટીકાઓ કરવામાં આવે છે તેમાંની મુખ્ય ટીકાઓ નીચે મુજબ છે :
(1) નાના બાળકને કમાતો કરવો તે નરી ક્રૂરતા છે. આખી યોજનામાં મનોવિજ્ઞાનને ક્યાંય અગત્ય અપાઈ નથી. નાનાં બાળકોના મૂળભૂત હકોને ખ્યાલમાં રાખવામાં આવ્યા નથી. (2) સાંસ્કૃતિક મૂલ્યોવાળા બધા જ વિષયોનો ઉદ્યોગ સાથે સાહજિક અનુબંધ સાધવો અશક્ય છે. (3) બુનિયાદી શિક્ષણમાં એક જ ઉદ્યોગ(વસ્ત્રવિદ્યા)ની પસંદગીથી આદર્શ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનું અંતર વધે છે. (4) બુનિયાદી શિક્ષણ વર્ગવિહીન અને બિનસ્પર્ધાત્મક સમાજ સર્જશે એવી આશા રાખવી વ્યર્થ છે, કારણ કે ઉદ્યોગકામમાં આર્થિક મૂલ્યો પર ભાર મૂકવામાં આવતાં મનુષ્યની સંગ્રહ કરવાની સહજવૃત્તિને અસર કરે છે અને આ વૃત્તિ લોભ, ધિક્કાર, સ્વાર્થીપણું જેવા અસામાજિક ગુણોને જન્મ આપે છે. (5) આ શિક્ષણના સંચાલનમાં ખામી રહે છે. યોજનાઓ તૈયાર થાય છે, પણ તેનો યોગ્ય અમલ થતો નથી, (6) બુનિયાદી શાળાઓમાં અંગ્રેજીનું શિક્ષણ અપાતું ન હોવાથી બુનિયાદી શિક્ષણ લઈને બહાર પડતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણનાં દ્વાર બંધ થઈ જાય છે. (7) ઉદ્યોગીકરણના આ જમાનામાં કાંતણ-વણાટ અને સુથારીકામ જેવા ઉદ્યોગોને સ્થાન જ નથી. આજે વૈજ્ઞાનિકો અને યંત્રકુશળ કારીગરોની જરૂર છે; વણકરો અને સુથારોની નહિ. (8) ગાંધીજીની કલ્પનાનો બુનિયાદી શાળાનો શિક્ષક તૈયાર કરવા માટે અધ્યાપનમંદિરોમાં અપાતી તાલીમ પદ્ધતિસરની નથી.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ
રમેશ ભા. શાહ