નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત હિંદી દૈનિક ‘જલતે દીપ’ અને મુંબઈથી પ્રગટ થતા રાજસ્થાની સાહિત્યિક સમાચારપત્ર ‘હરાવલ’ સાથે તેઓ સંકળાયેલા રહેલા. 1975માં તેઓ આકાશવાણીમાં કાર્યક્રમનિયામક તરીકે જોડાયા અને 1993માં દૂરદર્શનમાં કાર્યક્રમનિયામક તરીકે કાર્યશીલ બન્યા. તેઓ દૂરદર્શન કેન્દ્ર જયપુરના નિયામકપદે રહ્યા. 2008માં ત્યાંથી નિવૃત્ત થયા.
તેઓ હિંદી તેમજ રાજસ્થાની બંને ભાષાઓમાં લખે છે. તેમણે કાવ્ય, વાર્તા, નાટક, નવલકથા, નિબંધ અને વિવેચનના ક્ષેત્રે લેખનકાર્ય કર્યું છે. તેમની ઉલ્લેખનીય રાજસ્થાની કૃતિઓ છે : ‘અંધાર પખ’ (કાવ્યસંગ્રહ); ‘સામ્હી ખુલતૌ મારગ’ (નવલકથા); ‘દૌર અર દયારો’ (વિવેચન) અને નવલકથા આલ્બર્ટ કામૂની ‘આઉટસાઇડરનો એમણે ‘બૈતિયાં’ નામે અનુવાદ કર્યો છે. તેમની હિંદી કૃતિઓ છે : ‘ઝીલ પર હાવી રાત’, ‘હરી દૂબ કા સપના’ (કાવ્યસંગ્રહ), ‘સાહિત્ય-પરંપરા ઔર નયા રચનાકર્મ’ (વિવેચન), ‘સંવાદ નિરંતર’ (મુલાકાત સંગ્રહ). એમના કાવ્યસંગ્રહ ‘હરિ ડૂબકા સપના’ને કે. કે. બિરલા ફાઉન્ડેશન તરફ વિહારી ઍવૉર્ડ મળ્યો છે.
તેમને રાજસ્થાની ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમીનો નરોત્તમદાસ સ્વામી ગદ્ય પુરસ્કાર; દ્વારકા સેવા નિધિ ટ્રસ્ટ, જયપુરનો પં. વ્રજમોહન જોશી ગદ્ય પુરસ્કાર; મારવાડી સંમેલન, મુંબઈનો સર્વોત્તમ સાહિત્ય-પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ આધુનિક અને પુરાતન જીવનપરંપરાઓ વચ્ચેનો ઝઘડો દર્શાવતી નવલકથા છે. તેમાં મધ્યમ વર્ગના અસુરક્ષિત ગ્રામીણો અને શહેરી જીવનનાં બદલાતાં મૂલ્યોના સંદર્ભમાં ઔદ્યોગિકીકરણના સંક્રાંતિકાળનું આબેહૂબ ચિત્રાંકન છે અને તેમાં પરિવર્તનના વલણનો સંકેત પણ છે. તેમાં પાત્રોને અનુકૂળ ભાષાપરિવેશ છે. તેમાં માનવસંબંધોની તપાસનો વ્યાપક પ્રયાસ કરવામાં આવ્યો છે. એ રીતે આ કૃતિ રાજસ્થાનીમાં લખાયેલ ભારતીય નવલકથાનું એક નોંધપાત્ર પ્રદાન છે.
બળદેવભાઈ કનીજિયા