નંદરાય (જ. 1791 સોર, કાશ્મીર; અ. 1876) : કાશ્મીરી કવિ. એમણે નાનપણથી જ ગીતા, શૈવ સાહિત્ય તથા પુરાણોનું અધ્યયન કર્યું હતું. એમણે રહસ્યવાદી તેમજ શિવભક્તિનાં કાવ્યો રચ્યાં છે. એ પરમાનંદ તખલ્લુસથી ભારતવર્ષમાં જાણીતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એ પરમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. એમનાં કાવ્યોમાં એમણે આત્મજ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે. એ શૈવ સંપ્રદાયના શ્રેષ્ઠ વ્યાખ્યાકાર હતા.

નંદરાય

એમણે ભક્તિને શિવપ્રાપ્તિનું સાધન માન્યું હતું. ‘શિવલગ્ન’માં તેમણે શિવ-પાર્વતી રૂપે આત્મા અને પરમાત્માની એકતાનો ઉલ્લેખ કર્યો છે. એમના ‘સુદામાચરિત’માં ભાગવતને આધારે કૃષ્ણ અને સુદામાના સંબંધને જીવ અને શિવના સંબંધના પ્રતીક તરીકે દર્શાવ્યો છે. સુદામાને જીવના પ્રતીક તરીકે દર્શાવ્યો છે. સુદામા જીવનું પ્રતીક છે, જે સાંસારિક સુખ તથા ઉપાધિને કારણે પરમાત્માથી દૂર ફેંકાઈ ગયો છે, અને આખરે દારિદ્ય્ર તથા સંસારી ઉપાધિઓને કારણે એની પત્ની એને કૃષ્ણ પાસે મોકલે છે. સુદામાની પત્ની એ સંસાર પ્રત્યેની વિરક્તિની ભાવનાનું પ્રતીક છે. એ ઉપરાંત ‘રાધાસ્વયંવર’ નામનું એક વર્ણનાત્મક કાવ્ય પણ પ્રતીકાત્મક છે; તેમાં આત્મા અને પરમાત્માના સાયુજ્યનું કવિએ દર્શન કરાવ્યું છે. એમણે રાધાકૃષ્ણની લીલાનાં પદો તથા ભજનો પણ લખ્યાં છે.

ચન્દ્રકાન્ત મહેતા