નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા.

નંદલાલ

બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું. કોઈ પણ વાદ્ય પર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનું જ્ઞાન અનિવાર્ય છે તે વિચારથી બનારસના સંગીતાચાર્ય પંડિત રામદાસ (1876–1960) તથા ઉસ્તાદ હુસેનખાં પાસેથી ખયાલ ગાયકીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું; ઉપરાંત, ધ્રુપદ ગાયકીની તાલીમ તેમણે બનારસના હરિનારાયણ મુખરજી તથા પાનુબાબુ પાસેથી મેળવી. બનારસના મહારાજાના દરબારી ગાયકો રામગોપાલ તથા રામસેવક પાસેથી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરવાની તક પણ તેમને મળી હતી. પરિણામે યુવાવસ્થામાં જ તેમણે સંગીતના ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી.

અખિલ ભારતીય સંગીત સંમેલનોમાં તથા આકાશવાણી પરથી તેમના શહનાઈવાદનના કાર્યક્રમો અવારનવાર રજૂ થતા રહ્યા છે. 1938માં બનારસ ખાતે આયોજિત સંગીત સંમેલનમાં તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અને તે પ્રસંગે તેમને ચાંદીની શહનાઈની જોડી ભેટ રૂપે આપવામાં આવી હતી.

પિતાના અવસાન પછી નંદલાલને કાશીનરેશના દરબારમાં તેમના જ સ્થાને દરબારી સંગીતકારના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના બંને પુત્રો કનૈયાલાલ અને શ્યામલાલ આકાશવાણી કલાકારો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે