નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે..
ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક ગણાય. કાશ્મીરમાં થઈને વહેતી ઉપલી સિંધુ નદીનાં મેદાનોમાંથી તેની ભવ્યતાનાં દર્શન થઈ શકે છે. નંગા પર્વતના વાયવ્ય ઢોળાવો પર હિમનદીઓ મોટી સંખ્યા તેમજ મોટા કદમાં મળી આવે છે. આ પૈકીની દિયામીર નામની હિમનદી તારશિંગ ગામ પાસે આવેલી છે.
પર્વતારોહણના ક્ષેત્રે આ શિખરે વધુમાં વધુ આરોહકોનો ભોગ લીધો હોવાથી તે ‘કિલર માઉન્ટન’ તરીકે જાણીતું થયેલું છે. માઉન્ટ એવરેસ્ટ પરના પ્રથમ આરોહણ બાદ 1953માં ઑસ્ટ્રિયન ભોમિયો હરમાન બુહલ ટોચ સુધી એકલો પહોંચ્યો હતો, જે પર્વતારોહણના ઇતિહાસમાં વિરલ અને અદભુત ઘટના ગણાય છે.
શિવપ્રસાદ રાજગોર