ધ્રુ, ગટુલાલ ગોપીલાલ (જ. 10 મે 1881, અમદાવાદ; અ. 24 મે 1968, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સમાજસુધારક, લેખક અને પત્રકાર. નાજર ગોપીલાલ મણિલાલને ત્યાં માતા બાળાબહેન ભોળાનાથની કૂખે વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. નરસિંહરાવ દિવેટિયાના ભાણેજ તથા વિદ્યાગૌરી નીલકંઠના નાના ભાઈ થાય. વતન ઉમરેઠ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ તથા અમદાવાદમાં અને માધ્યમિક શિક્ષણ મિશનની તથા સરકારી શાળાઓમાં લીધું. 1898માં મૅટ્રિક થયા. ગુજરાત કૉલેજ, વિલ્સન કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી 1904માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાનના ઐચ્છિક વિષયો સાથે બી.એ. થયા. કેળવણી ખાતાની નોકરી અન્વયે ગુજરાતના બધા જિલ્લાઓમાં રહેવાનું થયું. આ સંજોગોનો લાભ લઈ તેમણે લોકો, સમાજ, રૂઢિ, ઇતિહાસ, નોંધપાત્ર સ્થળો આદિનું રસપૂર્વક નિરીક્ષણ કરી તે વિશે ઊંડી સમજ મેળવી. દેશના અન્ય પ્રદેશોનો પ્રવાસ પણ કર્યો. નારાયણ હેમચંદ્રનાં પુસ્તકો, ટાગોરની ‘સાધના’ અને બાઇબલે એમના પર ઊંડો પ્રભાવ પાડ્યો. સુધારક કુટુંબના ઉમદા સંસ્કારો પણ તેમના પર પડ્યા હતા.
તેમનું કાર્યક્ષેત્ર સામાજિક સુધારણા હતું. તે અમદાવાદ પ્રાર્થના સમાજના અગ્રણી કાર્યકર્તા રહ્યા હતા. ગુજરાત સંસાર સુધારા સમાજના અગ્રણી કાર્યકર હતા. ગુજરાત સ્ત્રીકેળવણી મંડળ તથા મહીપતરામ રૂપરામ અનાથાશ્રમના મંત્રીપદે રહ્યા. તેમણે 1935માં યુરોપનો પ્રવાસ કર્યો.
વિધવાઓ પ્રત્યેની તેમની ઊંડી સહાનુભૂતિએ તેમને વિધવાવિવાહ માટે સક્રિય થવા પ્રેર્યા.
સામાજિક પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા તેમણે ‘જ્યોતિર્ધર’ નામે સામયિક પત્ર શરૂ કર્યું અને વર્ષો સુધી તેનું સંપાદન સંભાળ્યું. તેમણે ચરિત્રો લખ્યાં તથા સામાજિક વિષયો ઉપર પણ પુસ્તકો લખ્યાં. તેમાંનાં કેટલાંક સમકાલીન સમાજનું સુંદર ચિત્ર ઉપસાવે છે. ‘રાજા રામમોહન રાય’ (1905), ‘ઈસુ ખ્રિસ્તનું જીવન’ (1910), ‘પ્રજ્ઞાપારમિતા સૂત્રમ્’ (1916), શ્રી કર્વેના મરાઠી લેખોનું ભાષાંતર ‘હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલાં મારાં વીસ વર્ષ’ (1931), ‘બ્રાહ્મધર્મ’ (1931) તેમનાં મુખ્ય પુસ્તકો છે ‘લગ્ન : છૂટાછેડા : વારસો’માં એમણે પ્રસ્તુત કાયદાઓની ઉદાહરણો સાથે ચર્ચા કરી. ભોળાનાથનાં ભજનો ઉપરથી તેમણે ‘ઈશ્વર પ્રાર્થનામાળા’નું સંપાદન કર્યું. સ્ટોનના ‘મૅરેજ મૅન્યુઅલ’નું ‘લગ્નસંહિતા’ નામે ભાષાંતર કર્યું. રમણભાઈ નીલકંઠના તંત્રીપદે ચાલતા પ્રાર્થનાસમાજના મુખપત્ર ‘જ્ઞાનસુધા’નું સંચાલન તેમણે કેટલોક વખત કર્યું હતું. તેમાં પ્રાર્થનાસમાજમાં અપાતાં વ્યાખ્યાનો અને ધર્મ-ચર્ચા વગેરેને લગતાં લખાણો તેઓ આપતા.
બંસીધર શુક્લ