ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક બન્યો. તે ઇસોરાના વિખ્યાત કૈલાસ મંદિરના બાંધનાર તરીકે પ્રસિદ્ધ થયો. કૃષ્ણ પહેલાના મૃત્યુ પછી તેનો પુત્ર ગોવિંદ બીજો ગાદીનશીન થયો (સને 773), પરંતુ તે વિલાસી અને અયોગ્ય શાસક નીવડતાં તેના નાના ભાઈ ધ્રુવે તેને હરાવીને ગાદી હસ્તગત કરી (સને 780).

ધ્રુવ પરાક્રમી અને વિજેતા હતો. તેને પોતાના દખ્ખણના રાજ્યથી સંતોષ ન થતાં તેણે દક્ષિણ ભારત તેમજ ઉત્તર ભારતનાં રાજ્યો જીતવાની યોજના કરી. આ માટે તેણે વિશાળ શિસ્તબદ્ધ સૈન્ય તૈયાર કર્યું. તેણે મૈસૂર પ્રદેશના ગંગ રાજા શ્રીપુરુષ મત્તરાસને હરાવીને તેના યુવરાજ શિવમારને બંદી બનાવ્યો તથા મૈસૂર પ્રદેશને પોતાના રાજ્યમાં જોડી દીધો. ધ્રુવે કાંચીના પલ્લવ રાજા દંતિવર્મનને પોતાનું સાર્વભૌમત્વ સ્વીકારવાની ફરજ પાડી અને દખ્ખણના વેન્ગીના શાસક વિષ્ણુવર્ધન ચોથાને હરાવીને તાબેદાર બનાવ્યો.

આ સમયે ઉત્તર ભારતમાં કનોજમાં ગુર્જર-પ્રતિહાર રાજવી વત્સરાજનું તથા બંગાળમાં પાલ શાસક ધર્મપાલનું શાસન હતું. ગુર્જરો, પાલો તથા રાષ્ટ્રકૂટો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરતો. તેથી તેઓ એકબીજાનો પ્રદેશ જીતી લેવા અવારનવાર યુદ્ધો ખેલતા.

ધ્રુવે નર્મદા નદીને કિનારે વિશાળ લશ્કર ગોઠવ્યું અને પોતાના બે શક્તિશાળી પુત્રો ગોવિંદ ત્રીજો અને ઇન્દ્રને તેના આધિપત્યમાં મૂક્યા. ધ્રુવે નર્મદા ઓળંગીને ઝાંસી પાસે કનોજના રાજવી વત્સરાજને પરાજય આપ્યો, જેથી વત્સરાજને રાજસ્થાન નાસી જવું પડ્યું. ત્યારબાદ ગંગા-યમુનાના પ્રદેશમાં બંગાળના પાલ રાજા ધર્મપાલને પણ હાર આપી. ધર્મપાલ યુદ્ધભૂમિમાંથી નાસી ગયો. આમ ધ્રુવે રાષ્ટ્રકૂટ સત્તાને માત્ર દખ્ખણ તેમજ દક્ષિણમાં જ નહિ, પરંતુ ઉત્તર ભારતમાં પણ ફેલાવી. આઠમી સદીને અંતે (સને 790) રાષ્ટ્રકૂટ સત્તા ભારતમાં સર્વોપરી બની. ધ્રુવે આ પહેલાં ‘નિરુપમ કાલિવલ્લભ’, ‘શ્રીવલ્લભ, ‘ધારાવર્ષ’ જેવા ખિતાબો ધારણ કર્યા હતા.

ધ્રુવ પોતાના ઉપર્યુક્ત વિજયોને વ્યવસ્થિત તેમજ સ્થાયી કરવા માટે વધારે વખત જીવ્યો નહિ અને સને 793માં તેનું અવસાન થયું. જોકે તેણે રાષ્ટ્રકૂટ સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી તોપણ ગુર્જરો, પાલ તથા રાષ્ટ્રકૂટોના આશરે ત્રણ સદીઓ સુધીના પરસ્પરના સંઘર્ષોને લીધે ભારતમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાનો માર્ગ મોકળો થયો.

રમણલાલ ક. ધારૈયા