ધ્રુવનો તારો (North Star) : ઉત્તર ધ્રુવ ઉપર બરાબર મથાળે આવેલો સ્થિર અને ર્દશ્ય તારો. તેને ધ્રુવતારો (Polaris) પણ કહે છે. ધ્રુવતારાની પાસે આવેલ આ ધ્રુવબિંદુ આકાશના બધા જ્યોતિઓનું ચકરાવા-કેન્દ્ર (center of rotation) છે. ધ્રુવ મત્સ્ય તારકમંડળ(ursa minor constellation)નો સૌથી વધારે તેજસ્વી તારો છે. ધ્રુવતારો ભૌગોલિક ધ્રુવ છે જ્યાં બધાં જ ધ્રુવવૃત્ત (meridians) મળે છે. તે કોઈ પણ  સંજોગોમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ નથી. ચુંબકીય ઉત્તર ધ્રુવ કૅનેડાના ટાપુ-સમૂહ (Canadian Archipelago)ની વચ્ચે આવેલ છે. ઉત્તર ધ્રુવનું સ્થાન આર્ક્ટિક સમુદ્રની નજીક રહેલ છે.

પૃથ્વીના ભ્રમણાક્ષ(axis of rotation)ને ઉત્તરમાં લંબાવતાં તેની  સાથે એક અંશના કોણની અંદર ધ્રુવના તારાનું સ્થાન રહેલ છે. ધ્રુવનો તારો પૃથ્વીના ભ્રમણાક્ષ પાસે હોઈ તે સ્થિર હોવાનો ભાસ થાય છે. તેને કારણે આ તારો નાવિકો માટે માર્ગદર્શક બની રહે છે. ધ્રુવનો તારો બીજા વર્ગનો તારો છે. તે પૃથ્વીથી લગભગ 400 પ્રકાશવર્ષ દૂર છે. ધ્રુવતારો ધ્રુવબિંદુની પાસે હોઈ નરી આંખે સ્થિર હોવાનો ભાસ થાય છે. હકીકતમાં તે પણ અસ્થિર છે. ધ્રુવબિંદુની આસપાસ સવા અંશની ત્રિજ્યાવાળા વર્તુળમાં લગભગ 200 તારા આવેલા છે. તે બધા ઘણા ઝાંખા હોઈ ધ્રુવતારાને વિશિષ્ટ પદ મળ્યું છે.

ધ્રુવનો તારો અને તેની આસપાસ ફેરફુદરડી ફરતા અન્ય તારા.

ધ્રુવના તારાનું તેજ સૂર્યના તેજ કરતાં 2,500ગણું વધારે છે. તે એકલ તારો નથી. એનો સાથી 9મા વર્ગનો નીલશ્વેત તારો છે.

ધ્રુવતારો હંમેશ માટે ઉત્તરનો તારો નથી, કારણ કે પૃથ્વીનો અક્ષ હરહંમેશાં ધ્રુવ-તારાની દિશામાં રહેતો નથી. પૃથ્વીનો ભ્રમણાક્ષ વર્તુળાકારે પુરસ્સરણ (precession) કરે છે. ભ્રમણાક્ષના બંને છેડા આકાશમાં કાલ્પનિક વર્તુળ-પથ રચે છે. આ અક્ષને એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે લગભગ 26,000 વર્ષ લાગે છે. આ રીતે પુરસ્સરણ વર્તુળ ઉપર કે અક્ષની નજીકનો દરેક તારો અમુક સમય માટે ઉત્તરના ધ્રુવતારા તરીકે વર્તે છે. પૃથ્વીનો અક્ષ લગભગ 12,000 વર્ષ માટે ઉત્તરમાં વીણા તારકમંડળ(lyra constellation)ના અભિજિત્ (Vega) તરફ રહે છે. કાલિય (Draco) તારકમંડળનો Thuban તારો 22,000 વર્ષ માટે ઉત્તર ધ્રુવ બને છે. દર 26,000 વર્ષે ચક્રનું પુનરાવર્તન થાય છે. વર્તુળની આસપાસની મુસાફરી પૂરી થાય ત્યારે ધ્રુવતારો ફરીથી ઉત્તર ધ્રુવનો તારો બને છે.

સપ્તર્ષિના આગળના બે તારામાંથી પસાર થતી સુરેખા ધ્રુવતારાને મળે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશના તારા ઊગતા કે આથમતા નથી કારણ કે આ બધા તારા પૃથ્વીનો ભ્રમણાક્ષ, આકાશમાં જે બિંદુને તાકે છે તે બિંદુ(ધ્રુવબિંદુ)ની આસપાસ ગોળ ગોળ ફરે છે. ઉત્તર ધ્રુવના પ્રદેશમાં આ બિંદુની પાસે ધ્રુવ તારો આવેલો છે. આથી તે સ્થિર દેખાય છે. અન્ય તારા તેની આસપાસ ફેરફુદરડી ફરે છે.

પ્રહલાદ છ. પટેલ