ધ્રુપદ : ઉત્તર હિંદુસ્તાની ગાયકીનો પ્રાચીન પ્રકાર. શાસ્ત્રીય સંગીતના વિકાસનો ઇતિહાસ તપાસતાં ગાયનનું આદ્ય સ્વરૂપ ધ્રુવપદ મળે છે. પંડિત ભાવભટ્ટના ‘અનુપસંગીતરત્નાકર’માં વ્યાખ્યાનની રીતનું તેનું વર્ણન મળે છે. ગીર્વાણ ભાષા, સાહિત્યનો ઉચ્ચ પ્રકાર અને સમાજજીવનના ઉન્નત અનુભવો પર રચાયેલું કાવ્ય તે ધ્રુવપદ. આ કાવ્યો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલાં હતાં પણ તે સંશોધનકારોને મળ્યાં નથી. આજે જેને ધ્રુપદ તરીકે ઓળખવામાં આવે છે અને જેનાં ઇતિહાસ અને પરંપરા શોધી શકાયાં છે તે, મુઘલ સમ્રાટ અકબરના સમયમાં લખાયેલી અને પેઢી દરપેઢી ઉપલબ્ધ બનેલી શાસ્ત્રીય સ્વરૂપની ધ્રુપદ બંદિશો છે. આ બંદિશોના રચયિતાઓમાં સ્વામી હરિદાસ, સ્વામી ડાગુર અને તેમના શિષ્યોનો સમાવેશ થાય છે, જેમણે અનેક ધ્રુપદ રચ્યાં અને ગાયાં હતાં. સમ્રાટ અકબરના દરબારમાં ગવાતું શાસ્ત્રીય ગાયન ધ્રુપદ હતું અને તેના પ્રમુખ ગાયક મિયાં તાનસેન હતા. તાનસેનના વંશજોમાં વજીરખાન તથા મહંમદઅલીખાન રામપુર રિયાસતમાં આ સદીની શરૂઆત સુધી હતા અને તેમની તથા રાવજી બુઆ જેવા પંડિતો મારફતે સેનિયા ઘરાણાના અસંખ્ય ધ્રુપદો ઉપલબ્ધ બન્યાં હતાં. તાનસેન ઉપરાંત નાયક બૈજુ, નાયક ગોપાલ, ચિંતામણ મિશ્ર જેવા પંડિતોએ પણ ધ્રુપદ ગાનને સમૃદ્ધ કર્યું હતું.
ગઈ સદીમાં ધ્રુપદ એ શાસ્ત્રીય ગાયનનું પ્રમુખ અંગ ગણાયું હતું પણ વખત જતાં ગાયનના સ્વરૂપ તરીકે ખ્યાલ ઉત્તરોત્તર લોકપ્રિય બનતો ગયો. ધ્રુપદ ગાયકોના ગાવાની પદ્ધતિ ઉપરથી જેનો શાસ્ત્રીય પર્યાય બાનીવાણી છે તેમને ચાર ગાયકીના વિભાગોમાં મૂકવામાં આવે છે. આ ચાર બાનીઓ તે ખંડાર, નોહાર, ડાગુર અને ગોબુરહારે. આ વર્ગીકરણ પાછળનો ઇતિહાસ સ્પષ્ટ નથી.
આ સદીનું ધ્રુપદનું ગાયન બે વિભાગમાં રજૂ થતું હતું. પ્રથમ રાગનો આલાપ જેમાં મીંડ, ગમક જેવાં બઢત અંગોના ઉપયોગથી ગાયક રાગનો વિસ્તૃત પરિચય કરાવે. આલાપ અંગ આહલાદક, ધીરગંભીર સ્વરોના ઉત્કૃષ્ટ લગાવથી ભરપૂર અને અંતમાં દ્રુત ગતિમાં રજૂ કરાતી નોમતોમથી સમૃદ્ધ બન્યું અને એમાં ડાગુર પરિવારના ઉસ્તાદો અલ્લાબંદેખાન, ઝયાકરુદ્દીનખાન, અલ્લાબંદેખાનના પુત્રો નસીરુદ્દીનખાન તથા રહીમુદ્દીનખાનનો ખૂબ જ મહત્વનો ફાળો ગણાયો. ધ્રુપદ ગાયનનો બીજો વિભાગ તે બંદિશ જે ચૌતાલ સુલતાલ, ગજઝંપા, તીવ્રા કે બ્રહ્મતાલ જેવા તાલોમાં ગવાય છે. આ બંદિશોનો પ્રધાન રસ મોટા ભાગે શૃંગાર, વીર અથવા શાંત રહ્યો છે. ધ્રુપદની બંદિશના શબ્દો સાહિત્યની ર્દષ્ટિએ શુદ્ધ વર્ણનાત્મક અને અર્થપ્રધાન હોય છે. ઘણાંખરાં ધ્રુપદો ઈશ્વરસ્તુતિની કક્ષાનાં રહ્યાં અને મંદિરો અને હવેલીઓમાં રજૂ થતાં, જેમાંથી હવેલી-સંગીત, ગાયનના એક પ્રકાર તરીકે, નોખો વિકાસ પામ્યું. ધ્રુપદની બંદિશનાં બઢત અંગોનો ઉપયોગ ધમારના ગાયનમાં પણ થયો. પરંતુ ધમારની બંદિશ બહુધા હોરી પ્રકારની હોઈ તેમાં રંગત આણવા બોલતાનો અને તાલ સાથેની રમઝટનો ઉમેરો થયો. એક જમાનામાં રાગના આલાપ પછી ધ્રુપદની બંદિશ ગવાતી તેની દુગણ અને ચોગણ કરવામાં આવતી અને ગાયન સમાપ્ત થતું. ધમાર ગાયનની અસર થતાં ધ્રુપદ ગાયનમાં પણ લયકારી બોલતાનો દાખલ થઈ એવો એક અભિપ્રાય છે. પરંતુ મુખ્યત્વે રજૂ થતી, વ્યાપ્ત કલાઓમાં આવી સ્પષ્ટ લક્ષ્મણરેખાઓ દોરી શકાતી નથી. કદાચ ખ્યાલનાં વધુ વિસ્તૃત બઢત અંગોનો પણ આ વિકાસમાં ફાળો હોય.
ધ્રુપદ બંદિશના ચાર વિભાગો હોય છે – સ્થાયી, અંતરા, સંચારી અને આભોગ. પ્રાચીન ધ્રુપદોમાં આ ચાર વિભાગો જોવા મળે છે, જોકે ઘણાં ધ્રુપદો સ્થાયી તથા અંતરા સાથે પણ જોવા મળે છે. ધ્રુપદ પ્રકારની કેટલીક બંદિશો ઝપતાલમાં સાંભળવા મળે છે અને તે સાદરા તરીકે ઓળખાય છે. ધ્રુપદના ગાયનમાં તાન કદી પણ લેવાતી નથી. માત્ર બંદિશના શબ્દો જ બઢત અંગ તરીકે વપરાય છે. વખત જતાં અનેક ખ્યાલગાયકોએ પણ આ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે અને ખ્યાલની બઢતમાં બંદિશના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા ગાળાની ઐતિહાસિક ર્દષ્ટિએ જોઈએ તો શાસ્ત્રીય ગાયનના આલાપ અંગ ઉપર ધ્રુપદ ગાયનની સ્થિર અસર થઈ છે એમ કહી શકાય. કેટલીક ખ્યાલ બંદિશનું સાહિત્ય હજુ પણ ધ્રુપદની યાદ તાજી કરે તેવું હોય છે. આધુનિક જમાનામાં ડાગર પરિવારે ધ્રુપદ અંગની ગાયકીના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.
હ્રષિકેશ પાઠક