ધ્યાન (attention) : કોઈ એક પદાર્થ, વિષય કે અનુભવ વખતે થતી મનની એકાગ્રતા. કોઈ ઉદ્દીપક વસ્તુ, બનાવ, ક્રિયા કે વિચાર ઉપર સભાનતાને કેન્દ્રિત કરવાની ક્રિયા.

શરીરની બહારના કે અંદરના વાતાવરણમાંથી વિવિધ ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપર સતત અથડાતા રહે છે. પણ આપણને એ બધા ઉદ્દીપકોનું ભાન થતું નથી. ચોક્કસ સમયે એમાંથી કયો વિષય અનુભવવો છે તેની આપણે પસંદગી કરીએ છીએ અને એટલા સમય સુધી અન્ય વિષયોને મનમાંથી બાકાત કરીએ છીએ. આમ આપણે ધ્યાનક્રિયા દ્વારા પસંદ ન હોય એવા અવાજો, ર્દશ્યો કે અન્ય ઉદ્દીપકોના આક્રમણમાંથી બચી જઈએ છીએ. ધ્યાન જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં શક્ય બને છે. જાગ્રત અવસ્થા દરમિયાન પણ આપણે સતત ધ્યાન આપતા નથી, વચ્ચે વચ્ચે થોડી ક્ષણો માટે શૂન્યમનસ્ક પણ બનીએ છીએ.

સ્થૂળ વસ્તુઓ, પ્રસંગો કે પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપતી વખતે આપણે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. વિચાર ઉપર ધ્યાન આપવા માટે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ જરૂરી નથી.

ધ્યાન મહદંશે ઐચ્છિક અને થોડા દાખલામાં અનૈચ્છિક ક્રિયા છે. કયો વિષય ધ્યાનને પાત્ર છે તે વ્યક્તિ નક્કી કરે છે. ધ્યાનની પ્રક્રિયા સમજવા માટે ધ્યાનનો વિષય (જેના પર ધ્યાન અપાય છે તે વસ્તુ), ધ્યાન આપનાર વ્યક્તિ અને સંબંધિત પરિસ્થિતિને સમજવી જોઈએ.

ધ્યાન વિધાયક તેમજ નિષેધક ક્રિયા છે. ધ્યાનના વિષય ઉપર સભાનતા(consciousness)ને કેન્દ્રિત કરવાની ક્રિયા વિધાયક છે. અન્ય વિષયો ઉપરથી સભાનતાને ખસેડી લેવાની ક્રિયા નિષેધક છે.

ધ્યાનના વિષયો બે ક્ષેત્રોમાં વહેંચાયેલા હોય છે : કેન્દ્ર અને સીમા. ધ્યાનના કેન્દ્રમાં રહેલા વિષયનો આપણને સ્પષ્ટ અને તીવ્ર અનુભવ થાય છે. ધ્યાનની સીમામાં આવેલી વસ્તુનો અનુભવ અસ્પષ્ટ અને મંદ હોય છે. તેનું અસ્તિત્વ છે તેનો ખ્યાલ રહે છે પણ તેની વિગતોની જાણ થતી નથી. કેટલાક મનોવૈજ્ઞાનિકો ધ્યાનના સીમાપ્રદેશમાં રહેલી વસ્તુના અનુભવને પૂર્વધ્યાન (pre-attention) તરીકે ઓળખાવે છે. નવી ક્રિયા શીખવાની શરૂઆતમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. કૌશલ્ય પ્રાપ્ત થયા પછી એ ક્રિયા સ્વયંચાલિત બની ધ્યાનની સીમામાં રહે છે.

આમ, મગજ બે રીતે ધ્યાન આપી શકે છે : (1) તે સભાનતાના સમગ્ર ક્ષેત્ર ઉપર પાંખું (diffused) ધ્યાન આપે છે. આવું ધ્યાન વિગતોમાં જતું નથી. (2) સભાનતાના ક્ષેત્રમાં રહેલા કોઈ વિષય ઉપર તેની વિગતો સાથે ઊંડું ધ્યાન આપે છે. જરૂર પ્રમાણે મગજ, કૅમેરાના ઝૂમ લેન્સની જેમ, એક ક્ષણે સમગ્ર ક્ષેત્ર પર તો બીજી જ ક્ષણે પસંદ કરેલ વસ્તુની ઝીણી વિગત પર ધ્યાન આપે છે.

ધ્યાન અંગે બ્રૉડબેન્ટે સંમાર્જન સિદ્ધાંત (filter theory) આપ્યો છે. એના મત પ્રમાણે, જે ક્ષણે મનુષ્ય જે જોવા-જાણવા માગતો હોય તે ક્ષણે તેનું મગજ તેવા સંદેશાઓને જ પ્રવેશવા દે છે અને બાકીના સંદેશાઓને બહાર રોકી રાખે છે. મગજ એક માહિતીનું વિશ્લેષણ કરતું હોય ત્યારે ધ્યાન એક ગળણીની જેમ વર્તે છે અને બાકીની માહિતીને અટકાવે છે. તેનું કારણ શારીરિક છે. ધ્યાન સાથે સંબંધ ધરાવતા ચેતાકોષોનો નિરપેક્ષ અનિવાર્ય સમય (absolute refractory period) 1/10 થી 5/10 સેકંડનો હોય છે. એ દરમિયાન બીજું ઉદ્દીપક આવી ચડે તો પણ ચેતાકોષ એનાથી ઉત્તેજિત થતો નથી, પરિણામે તે ધ્યાનની બહાર રહે છે.

અસરકારક ધ્યાન એને કહેવાય જ્યારે ઇચ્છેલી વસ્તુ પર તરત ધ્યાન આપી શકાય અને વિક્ષેપો, અવરોધો આવવા છતાં લાંબા સમય સુધી ધ્યાનને ટકાવી શકાય. આજના યુગમાં ઘણા વ્યવસાયોમાં જરૂર પ્રમાણે  ધ્યાનને ઝડપથી વિસ્તૃત કે સંકુચિત કરવાની શક્તિ પણ મહત્વની બને છે.

ધ્યાન અંગે પ્રગટ, ઉન્મુખતાની ક્રિયાઓ (orientation response) : ધ્યાનની શરૂઆતમાં આપણે ધ્યાનના વિષય તરફ ઉન્મુખ બનીએ છીએ. એટલે કે શરીરને જરૂર પ્રમાણે ટટાર કરીએ કે વાળીએ છીએ, ડોકું નમાવીએ છીએ. વસ્તુને ધ્યાનથી જોવા સાંભળવા માટે તેના સંદર્ભમાં યોગ્ય દિશામાં અને યોગ્ય અંતરે જઈએ છીએ. આંખ, કાન વગેરેને માહિતી ઝીલવા માટે તૈયાર કરીએ છીએ. ટીકી ટીકીને જોઈએ છીએ, કાન સરવા કરીને સાંભળીને છીએ. ઉન્મુખતાની ક્રિયા ઉપરથી કહી શકાય કે વ્યક્તિ કઈ વસ્તુ પર ધ્યાન આપે છે.

ધ્યાનનું શારીરિક પાસું : ધ્યાન સમયે શરીરમાં અનેક શારીરિક ક્રિયાઓ થાય છે : (1) સ્વયંસંચાલિત ક્રિયાઓ, (2) ચેતાકીય વિદ્યુત ફેરફારો અને (3) રાસાયણિક ક્રિયાઓ.

સ્વયંસંચાલિત ક્રિયાઓ : ધ્યાન આપતી વખતે આંખની કીકી વિસ્તરે છે. હૃદય, મગજ અને સ્નાયુઓમાં લોહીનો જથ્થો વધે છે, નાડી ઝડપી બને છે, શ્વાસ-ઉચ્છવાસ ધીમા પડે છે. સ્નાયુમાં તણાવ વધે છે અને ત્વચામાંથી વિદ્યુતપ્રવાહ સરળતાથી વહે છે.

ચેતાકીય વિદ્યુત ફેરફારો : ધ્યાન-સમયે મોટા મગજનાં નીચેનાં વિશિષ્ટ સ્થાનોમાં ચેતાપ્રવાહો નોંધાય છે: (1) જે પ્રકારના સંવેદન ઉપર ધ્યાન આપીએ (દા. ત., ર્દશ્ય) તેના સંદેશા ઝીલનારા મગજના વિશિષ્ટ વિસ્તાર(દા.ત., પશ્ચખંડનું ર્દષ્ટિક્ષેત્ર)માં ચેતાક્રિયાઓ થાય છે. (2) એ સંવેદનવિસ્તારની બાજુમાં આવેલા સંબંધિત સાહચર્ય-વિસ્તારોમાં પણ ચેતાપ્રવાહો વહે છે. (3) મગજથડ અને થૅલેમસમાંથી પુન:પ્રસારિત  થયેલા ચેતા-સંદેશાઓને લીધે મગજના અગ્રખંડ અને લલાટખંડમાં પણ ચેતાક્રિયાઓ થાય છે.

જ્યારે આપણે કોઈ નવા ઉદ્દીપક પ્રત્યે સચેત બનીએ ત્યારે મગજના જાળરૂપ પ્રવૃત્તિતંત્રમાં પણ ચેતાક્રિયા થાય છે. જ્યારે ઉદ્દીપકની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે થૅલેમસમાં ચેતાક્રિયા થાય છે. ઉપરાંત હાઈપોથૅલેમસ અને હિપોકૅમ્પસમાં પણ ચેતાક્રિયાઓ નોંધાય છે.

વળી ધ્યાન દરમિયાન મોટા મગજની છાલમાંથી સમગ્રપણે ઊપજતાં ચેતાકંપનો(મગજનાં મોજાં)માં પણ ફેરફાર થાય છે. કોઈ વસ્તુ પર પ્રયત્નપૂર્વક સક્રિય ધ્યાન આપતી વખતે 1/10 સેંકડની નિયમિત ગતિવાળાં આલ્ફા મોજાં અવરોધાય છે અને ઝડપી તેમજ કંઈક અનિયમિત થીટા મોજાં વ્યાપક બને છે. જૈવપ્રતિનિવેશ (bio-feed-back) વડે અપાતી તાલીમમાં વ્યક્તિને ઇઇજી યંત્રના મૉનિટર દ્વારા મગજમાંથી થીટા કંપનો ઉપજાવવાનું અને ટકાવી રાખવાનું શીખવવામાં આવે છે. તેથી એ વ્યક્તિ ધ્યાનને વધુ કેન્દ્રિત કરી શકે છે. સક્રિય ધ્યાન વખતે મસ્તિષ્ક છાલની ચેતાક્રિયાનું વોલ્ટેજ (દબાણ) વધારે હોય છે. જેમ જેમ વ્યક્તિ બેધ્યાન બનતી જાય તેમ તેમ વોલ્ટેજમાં ઘટાડો થાય છે.

ધ્યાન દરમિયાન મસ્તિષ્કછાલના ઋણ વિદ્યુતભારમાં જે ધીમો ફેરફાર થાય છે તે CNV તરીકે ઓળખાય છે. એ ધ્યાનનો સૌથી સ્પષ્ટ શારીરિક સંકેત છે. આ ઋણ વિદ્યુતભાર મગજના વિવિધ ભાગોને, જ્ઞાનેન્દ્રિયોમાંથી આવતા સંદેશાઓ પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે.

રાસાયણિક ક્રિયાઓ : જે વસ્તુ તરફ ધ્યાન હોય તેના સંવેદનપ્રકાર સાથે સંબંધિત મગજછાલના વિસ્તારમાં લોહીનો પ્રવાહ વધે છે અને ચયાપચયની ગતિ પણ વધે છે. જાળરૂપ પ્રવૃત્તિતંત્ર, આંગિક તંત્ર અને હાઇપોથૅલેમસમાં નોરેડ્રીનીનની પ્રક્રિયા થાય છે. થૅલેમસમાં એસેટિલકોલાઇનની પ્રક્રિયા થાય છે, જ્યારે મસ્તિષ્ક-છાલના કોષોમાંથી ગ્લુટેમિક ઍસિડ અને ઍસ્પાર્ટિક ઍસિડ મુક્ત બને છે.

ધ્યાન માટે હૃદય અને ફેફસાંમાં પ્રાણવાયુ પૂરતો હોવો જોઈએ તેમજ લોહીમાં શર્કરાનો જથ્થો પૂરતો હોવો જરૂરી છે. ચા, કૉફી અને કોકો જેવાં પીણાંમાં રહેલા કૅફીન અને ઍમ્ફેટેમીન પ્રકારનાં દ્રવ્યોના સેવનથી સજાગતા અને ધ્યાન વધે છે પણ સાથે ચિત્તની વિચ્છિન્નતા પણ વધે  છે. વધુ માત્રામાં મદ્યાર્કનું સેવન કરવાથી ધ્યાન ટકાવવું મુશ્કેલ બને છે.

ધ્યાનનાં નિર્ધારકો : ધ્યાન આપવા અને ટકાવવાનો આધાર નિર્ધારકો ઉપર રહેલો છે. નિર્ધારકોમાં બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક અવસ્થાનો સમાવેશ થાય છે.

બાહ્ય પરિસ્થિતિ :  ઉજ્જ્વળ પ્રકાશિત અને મોટા કદની વસ્તુઓ, બુલંદ સ્વરો, તીવ્ર ગંધ, સખત પીડા તેમજ રંગીન અને નવીન વસ્તુઓ તરફ સહજ રીતે ધ્યાન જાય છે. પાસે પાસે આવેલી પણ પરસ્પરવિરોધી ગુણવાળી વસ્તુઓ (દા. ત., લાંબા જોડે ટૂંકો માણસ, સફેદ ખમીસ સાથે કાળું પૅન્ટ) પણ તરત ધ્યાન ખેંચે છે. પરિવર્તન પામતી અને ગતિશીલ વસ્તુઓ તરફ પણ ધ્યાન જાય છે. કોઈ ચાલુ ઉદ્દીપક અચાનક બંધ પડે તો તે તરફ પણ ધ્યાન ખેંચાય છે. મંદ ઉદ્દીપકો, નાની વસ્તુઓ, પાર્શ્વભૂમિકા સાથે સમાન દેખાઈને ભળી જતી વસ્તુઓ, સ્થિર વસ્તુઓ અને રાબેતા મુજબના અનુભવો તરફ સહેલાઈથી ધ્યાન જતું નથી.

આંતરિક અવસ્થા : જો આપણને કોઈ વસ્તુ, બનાવ કે વિચારમાં રસ હોય, અથવા તે આપણી પ્રેરણાને સંતોષે તો આપણે તેમાં ધ્યાન આપીએ છીએ. કોઈ બનાવ ટૂંકમાં બનશે એવી અપેક્ષા હોય (દા. ત., ખગ્રાસ સૂર્યગ્રહણ) ત્યારે પણ આપણે ત્યાં ધ્યાન આપીએ છીએ. ગુનાશોધકો કે સૂક્ષ્મજંતુવિજ્ઞાનીઓ પોતાના વિશિષ્ટ જ્ઞાન અને તાલીમને કારણે પરિસ્થિતિની વિગતો ઉપર ઝીણવટથી ધ્યાન આપતા હોય છે. બીજી વ્યક્તિની વાણી, પ્રત્યાયન તેમજ સામાજિક ઘટનાઓ પણ આપણું ધ્યાન ખેંચે છે.

ધ્યાનનું વિચલન : મન ચંચળ છે; ક્ષણે ક્ષણે નવી નવી ઉત્તેજનાથી ચલિત થાય છે. સંશોધનો મુજબ આપણે એક વિગત ઉપર 1/10 સેંકડથી 1/4 સેંકડ સુધી ધ્યાન ટકાવીએ છીએ. (સરેરાશ એક ચતુર્થાંશ સેકંડ સુધી). ત્યાર પછી ધ્યાન વિચલિત થઈ બીજી વસ્તુ પર જાય છે. ધ્યાનવિચલનની સાથે સાથે આંખના ડોળામાં હલનચલન થતું હોય છે. જ્યારે ઉદ્દીપક બહુ જ મંદ હોય, જ્યારે આપણે કોઈ સંદિગ્ધ (બે રીતે જોઈ શકાય એવી) આકૃતિ તરફ જોઈએ અથવા જ્યારે એકવિધ કાર્ય સતત અટક્યા વિના કરતા હોઈએ ત્યારે ધ્યાન વિચલિત થાય છે.

સ્થિર ધ્યાન : રોજિંદાં કાર્યો સક્ષમ રીતે કરવા માટે તેમાં ધ્યાન સ્થિર રાખવું જરૂરી છે. એ માટે પોતાની ધ્યાન ટકાવવાની શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ, ર્દઢ નિશ્ચય સાથે રોજ નિયમિત એક વસ્તુ પર ધ્યાન સ્થિર કરવાનો મહાવરો કરવો જોઈએ અને કાર્ય કરવા માટે વિક્ષેપો વિનાનું સ્થળ અને સમય પસંદ કરવાં જોઈએ. આસન, પ્રાણાયામ જેવી યૌગિક ક્રિયાઓ ધ્યાનને એક વિષય પર લાંબો સમય ટકાવવામાં ઉપયોગી બને છે.

ધ્યાનનો વિસ્તાર : એકાદ ક્ષણ સુધી જોઈને એક પ્રકારની વધારેમાં વધારે જેટલી વિગતોને ધ્યાનમાં સમાવી શકાય તેને ધ્યાનવિસ્તાર કહે છે. સરેરાશ પુખ્ત વયનો માણસ એક જ ક્ષણે જેટલી વસ્તુઓને ધ્યાનમાં સમાવી લઈને સાચો અંદાજ આપી શકે તેની માહિતી નીચે પ્રમાણે છે :

8 ટપકાં        2 અસંબદ્ધ શબ્દો

7 અક્ષરો       4 સંબદ્ધ શબ્દો

7 આંકડા       4 ભૌમિતિક આકૃતિઓ

મહાવરો કરવાથી અને વસ્તુઓનાં નાનાં જૂથો પાડીને જોવાથી ધ્યાન-વિસ્તારમાં વધારો થઈ શકે છે.

ધ્યાનવિસ્તાર માપવા માટે ટેચિસ્ટોસ્કોપ યંત્ર વપરાય છે.

ધ્યાનનું વિભાજન : એક સાથે ચાલતી બે કે વધારે ક્રિયાઓ વચ્ચે ધ્યાનને વહેંચી શકાય કે નહિ એ વિશે વિવિધ મતો છે.

સૈદ્ધાંતિક રીતે, ચેતનાના કેન્દ્રમાં એક સમયે એક જ વસ્તુ હોઈ શકે, તેથી ધ્યાનવિભાજન શક્ય નથી. પણ વ્યવહારમાં, એકીસાથે ચાલતી અનેક ક્રિયાઓ વચ્ચે ધ્યાનની વહેંચણી થતી હોય એવું લાગે છે; દા. ત., વાહન ચલાવતાં સંગીત સાંભળવું કે જમતાં જમતાં રાજકારણ ચર્ચવું. આની સમજ નીચે પ્રમાણે વિવિધ રીતે આપી શકાય.

(1) બે ક્રિયાઓ એકબીજી સાથે સુસંગત છે. તેથી એને એકબીજીમાં જોડી દઈને સાથે કરી શકાય. વ્યક્તિ સંયુક્ત ક્રિયા પર સમગ્ર રીતે ધ્યાન આપે છે.

(2) બેમાંની એક (અથવા બંને) ક્રિયાઓ સ્વયંચાલિત રીતે થઈ શકતી હોવાથી એક જ ક્રિયામાં ધ્યાન આપવું પડે છે. તેથી ધ્યાનવિભાજન થતું નથી.

(3) વ્યક્તિ બંને ક્રિયા પર વારાફરતી ધ્યાન આપે છે. તે ખૂબ ઝડપથી ધ્યાનને પહેલીથી બીજી અને બીજીથી પહેલી ક્રિયા પર ખસેડે છે. આમ, આ ધ્યાનવિચલન છે – ધ્યાનવિભાજન નથી.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે