ધોળકિયા, દિલીપ (જ. 15 ઑક્ટોબર 1921, જૂનાગઢ; અ. 2 જાન્યુઆરી 2011, મુંબઈ) : સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીતનિર્દેશક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં લીધું, જ્યાં રંગભૂમિ તથા ચલચિત્ર-જગતનાં ભાવિ કલાકાર અભિનેત્રી દીના ગાંધી (પાઠક) તેમનાં સહાધ્યાયી હતાં. પિતાનું નામ ભોગીલાલ. તેઓ વ્યવસાયે ઇજનેર હતા. માતાનું નામ મુક્તાબહેન. બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી 1942માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક પદવી બીજા વર્ગમાં પ્રાપ્ત કરી. સાત વર્ષના હતા ત્યારથી તેમના દાદા મણિશંકરભાઈ સાથે રોજ સવાર-સાંજ જૂનાગઢ ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં ભજન ગાવા જતા ત્યારથી કંઠ્ય સંગીત પ્રત્યે રુચિ પેદા થઈ; પરંતુ પિતાની પ્રેરણાથી પખવાજ તથા વાંસળી વગાડવાનું શીખ્યા. વાંસળી પિતાનું પ્રિય વાજિંત્ર હતું. નાનપણમાં દિલીપભાઈનો અવાજ કર્કશ હતો, છતાં એક વાર તેમણે મૂળ મન્ના ડેએ ગાયેલું ન્યૂ થિયેટર્સ નિર્મિત ‘પૂરણભગત’ ચલચિત્રનું ગીત એક જાહેર સભામાં રજૂ કર્યું, જેના માટે તેમની પ્રશંસા તો થઈ જ, ઉપરાંત ઇનામમાં બે રૂપિયા તથા જર્મન સિલ્વરનું બનેલું એક સ્મૃતિચિહન (Paalakh) પણ મળ્યું. ઉંમર વધવાની સાથે તેમના કંઠમાં ફેરફાર થવા લાગ્યો જેને લીધે 14–15 વર્ષ સુધી કંઠ્ય સંગીતને વિરામ આપવો પડ્યો હતો.
1942માં જૂનાગઢથી મુંબઈ કાયમી વસવાટના હેતુથી સ્થળાંતર કર્યું અને ગૃહખાતામાં નોકરીમાં જોડાયા. સમયાંતરે પ્રેસ ઍડવાઇઝરી બૉર્ડના કાર્યાલયમાં ભાષાંતરકારના પદ પર તથા ત્યારબાદ પરિવહન-વિભાગમાં સુપરવાઇઝરના પદ પર સ્થાનાંતર થયું. સમય જતાં એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં ઑડિટરના પદ પર તેમની નિમણૂક થઈ, ત્યાં સુધી સંગીત સાથે સંકળાયેલા કેટલાક કલાકારોનો પરિચય થયો; જેમાંના વાયોલિનવાદક બિપિન દેસાઈ, સ્વરકાર અજિત મર્ચન્ટ, ગિજુભાઈ વ્યાસ, સાયગલના અઠંગ રસિયા રોહિત પારેખ વગેરે ઉલ્લેખનીય છે. તે જ અરસામાં તેમણે ભિંડી બજાર ઘરાનાના અમાનઅલીખાંસાહેબના શિષ્ય પાંડુરંગ આંબેરકર પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર પણ આંબેરકરનાં જ શિષ્યા છે. 1944માં આકાશવાણીના અનિયમિત (casual) કલાકાર તરીકે તેમની પસંદગી થઈ, પરંતુ તે પૂર્વે થોડોક સમય મુંબઈમાં તે અરસામાં જાણીતી બનેલી એક સંગીતમંડળીમાં ગાયક તરીકે ભાગ લેતા. આ મંડળીમાંથી જ અવિનાશ વ્યાસ, નિનુ મજમુદાર, આશા પારેખ જેવા કલાકારો પાક્યા હતા.
લગભગ એ જ અરસામાં ચલચિત્ર-જગતના જાણીતા સ્વરકાર ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલના સંગીતસંચાલન હેઠળ તૈયાર થઈ રહેલ ચલચિત્ર ‘કિસ્મતવાલા’માં પાર્શ્વગાયક તરીકે ત્રણ ગીતો ગાવાની તક દિલીપભાઈને મળી. ત્યારબાદ 1945ના અંતમાં સંગીતનિર્દેશક રામચંદ્ર પાલ દ્વારા નિર્દેશિત ‘લાજ’ ચલચિત્રનાં ગીતો પણ દિલીપભાઈએ ગાયાં હતાં. તેમના ગાયનથી રામચંદ્ર પાલ એટલા બધા પ્રભાવિત થયેલા કે તેમણે દિલીપભાઈને તેમની સાથે પાર્શ્વગાયક તરીકે કાયમી ધોરણે જોડાવાની દરખાસ્ત મૂકી, જે દિલીપભાઈએ સ્વીકારી લીધી અને સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું; પરંતુ ભારતીય ઉપખંડમાં 1946, 1947 દરમિયાન જે રાષ્ટ્રીય ઊથલપાથલ થઈ તેને કારણે ચલચિત્ર-ઉદ્યોગ પર પણ તેની વિપરીત અસર થઈ. તેને કારણે થોડાક સમય માટે દિલીપભાઈને બેકાર રહેવું પડ્યું હતું. સદનસીબે તે જ અરસામાં અજિત મર્ચન્ટ એક ગુજરાતી ચલચિત્ર ‘દીવાદાંડી’ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યા હતા, જેમાં તેમના મદદનીશ સંગીતનિર્દેશક તરીકે દિલીપભાઈને જોડાવાનું આમંત્રણ મળ્યું. તે પૂર્વે ‘કરિયાવર’ નામની ગુજરાતી ફિલ્મનાં, ઉમાકાંત દેસાઈના ‘શેણી વિજાનંદ’ ચલચિત્રનાં, ‘શામળશાનો વિવાહ’ તથા ‘વીણાવેલી’ ચલચિત્રનાં કેટલાંક ગીતો તેમણે ગાયાં હતાં. 1948માં ‘દીવાદાંડી’ ચલચિત્રમાંનું ખૂબ લોકપ્રિય બનેલું ગીત ‘તારી આંખનો અફીણી’નું રેકર્ડિંગ થયેલું, જેની રેકર્ડ 1950માં બહાર પડી હતી. 1951ના અરસામાં વિષ્ણુ સિનેટોન દ્વારા નિર્મિત ‘ભક્ત પુંડલિક’નું એક ગીત પાર્શ્વગાયક તરીકે દિલીપભાઈએ ગાયું હતું, જેના પગલે તેમને સંગીતનિયોજક ચિત્રગુપ્તના મદદનીશ સ્વરકાર તરીકે કામ કરવાની તક મળી. ત્યારબાદ એસ. એન. ત્રિપાઠીના મદદનીશ સ્વરનિયોજક તરીકે પણ તેમણે કામ કર્યું હતું.
1956–57થી દિલીપભાઈએ સ્વતંત્ર રીતે સંગીતનિયોજન કરવાની શરૂઆત કરી, જેમાં કેટલાંક હિંદી ચલચિત્રો (‘બગદાદ કી રાતે’, ‘સોગંધ’, ‘તીન ઉસ્તાદ’, ‘પ્રાઇવેટ સેક્રેટરી’ ‘દગાબાજ’, ‘વીર ઘટોત્કચ’, ‘માતા વૈષ્ણોદેવી’) પણ હતાં; જેમનાં ગીતો લતા મંગેશકર, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, ઉષા મંગેશકર, મહંમદ રફી, મન્ના ડે, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા દિગ્ગજ ગાયકોએ ગાયાં હતાં.
દિલીપ ધોળકિયાએ જે બાર ગુજરાતી ચલચિત્રોનું સ્વરનિયોજન કર્યું છે તેમાં ‘દીવાદાંડી’ ઉપરાંત ‘સત્યવાન સાવિત્રી’, ‘સ્નેહબંધન’ (જેની ‘મોટા ઘરની દીકરી’ તરીકે રજૂઆત થઈ હતી.), ‘કંકુ’, ‘મેના ગુર્જરી’, ‘સતનાં પારખાં’, ‘જાલમસંગ જાડેજા’, ‘ડાકુરાણી ગંગા’, ‘માડીના જાયા’, ‘જયા પાર્વતીનું વ્રત’, ‘સાજન સોનલદે’ તથા ‘ભગવાન સ્વામીનારાયણ’ જેવાં ચલચિત્રોનો સમાવેશ થાય છે. [‘કંકુ’ ચલચિત્રને સર્વોત્કૃષ્ટ પટકથાનું પારિતોષિક તથા તેની નાયિકાને સર્વોત્કૃષ્ટ અભિનયનું પારિતોષિક એનાયત થયાં હતાં.]
તેમણે ચિત્રગુપ્ત, એસ. એન. ત્રિપાઠી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ તથા હૃદયનાથ મંગેશકર જેવા દિગ્ગજ સ્વરનિયોજકો સાથે સ્વરનિયોજન કર્યું છે.
તેમણે જે ગીતોનું સ્વરનિયોજન કર્યું છે તેમાંથી કેટલાંક ગીતોના સ્વર (ટ્યૂન) કાયમ માટે યાદગાર બન્યા છે; દા. ત., લતા મંગેશકરે ગાયેલાં ‘પ્રાઇવેટ સેક્રેટરી’ હિંદી ચલચિત્રનાં બે ગીતો ‘જા જા રે ચંદા જા રે’ અને ‘મિલે નયન ગયા ચૈન’; મન્ના ડેએ ગાયેલું તે જ ચલચિત્રનું ગીત ‘જા રે બેઇમાન…..’; ગુજરાતી ચલચિત્રો ‘સત્યવાન સાવિત્રી’, ‘કંકુ’ અને ‘મેના ગુર્જરી’નાં બધાં જ ગીતો; ‘સ્નેહબંધન’ ચલચિત્રની મહંમદ રફીએ ગાયેલ ગઝલ ‘મિલનના દીપક સાવ બુઝાઈ ગયા છે’ (ગીતકાર ‘બેફામ’); ભૂપેન્દ્રસિંગે ગાયેલ ‘જાલમ સંગ જાડેજા’નું ‘બેફામે’ લખેલ ગીત ‘એકલા આવ્યા મનવા……’; બેફામે તે જ ચલચિત્ર માટે લખેલું ગીત ‘ઊભી શેરી ને ઊભી બજાર……’ (જે આશા ભોસલે, ઉષા મંગેશકર અને અન્ય ગાયકોએ સમૂહમાં ગાયેલું) જેવાં નોંધપાત્ર છે. તે ઉપરાંત સુગમ સંગીત અને ભક્તિસંગીતના વર્ગમાં ગણાતાં કેટલાંક ગીતોના સ્વરનિયોજનના સંકલનમાં તેમણે હૃદયનાથ મંગેશકરને મદદ કરી હતી; જેમાં ‘મીરા ભજન’ ભાગ-1, ‘ભગવદગીતા’ (સંસ્કૃત), ‘જ્ઞાનેશ્વરી ગીતા’ (મરાઠી) અને મિર્ઝા ગાલિબની કેટલીક ગઝલોનો સમાવેશ થાય છે. વળી સ્વામી પ્રેમાનંદની કેટલીક રચનાઓનું પણ તેમણે સ્વરનિયોજન કર્યું છે; દા. ત., ‘પ્રેમ સખી ગાવત હરિ ગુણ’. તે તેમણે આશા ભોસલે અને મન્ના ડે સાથે ગાયેલું છે.
ઇંગ્લૅન્ડમાં યોજવામાં આવેલ ભારત મહોત્સવ (1985) પ્રસંગે તેમણે સંગીત-આયોજનમાં સક્રિય ભાગ લીધો હતો. આ મહોત્સવમાં વિખ્યાત સંગીતકારો જેવા કે શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશી, સંતૂરવાદક શિવકુમાર શર્મા, તબલાવાદક ઝાકિર હુસેન, સિતારવાદક નિખિલ બૅનર્જી, ગાયકો મન્ના ડે, અનૂપ જલોટા અને પુરુષોત્તમ ઉપાધ્યાયે ભાગ લીધો હતો.
તેમણે ગાયેલાં ઘણાં ગીતોની રેકર્ડો તથા કૅસેટો પણ બહાર પડી છે. આકાશવાણી અને દૂરદર્શન પર તેમના જીવંત કાર્યક્રમો અવારનવાર થતા રહે છે. સલિલ મહેતા દ્વારા નિર્મિત દૂરદર્શન શ્રેણી ‘સરસ્વતીચંદ્ર’ના તુષાર શુક્લે રચેલાં બધાં જ (21) ગીતોનું સ્વરનિયોજન દિલીપ ધોળકિયાએ કર્યું છે.
તેમને મળેલા ઍવૉર્ડ અને પુરસ્કારોમાં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર તથા સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવેલ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ગુજરાતી ચલચિત્ર-પરીક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ તેમણે કાર્ય કરેલું છે. 1988માં તેમણે વ્યાવસાયિક ચલચિત્ર-સંગીતક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે