ધૂળમાંની પગલીઓ : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકનાં શૈશવ અને કૈશોર્યના દિવસોનું આમાં આલેખન થયું છે. શિશુકાળ અને કિશોરકાળનાં સ્મરણોનાં રિપ્લે દ્વારા લેખક જાણે પ્રસન્નતા અને માધુર્યથી ભર્યા ભર્યા એ દિવસો સ્મૃતિ સજીવ કરીને ફરી જીવી લેવા માગે છે. શૈશવ જાણે લેખક માટે નોળવેલ સમું છે. એને વારંવાર સૂંઘી લેખક જીવનને લોહીલુહાણ કરી મૂકતી કારમી વાસ્તવિકતાઓ સામે ટકી શકવાની શ્રદ્ધા મેળવે છે.
પોતાના જન્મસમયનાં કાલોલનાં સંસ્મરણોથી લેખક આ શૈશવકથાનો આરંભ કરે છે. એકાદ લસરકામાં જ લેખક કાલોલની વાત સમેટી લે છે. પણ આ લસરકો એક કલાકારનો લસરકો છે એવો અનુભવ અવશ્ય થાય છે. કાલોલથી તરત જ આપણે દાહોદની હદમાં પ્રવેશીએ છીએ. દાહોદના ભીલો સાથે લેખક સમરસતાનો અનુભવ કરે છે. ગાયોનાં ધણ અને પનિહારીઓનાં વૃંદ લેખકની સ્મૃતિમાં અકબંધ સચવાયાં છે, સાથે કેટલાંક પાત્રો પણ.
દાહોદના તાજિયાના વર્ણનથી શૈશવની પ્રવૃત્તિઓના આલેખનનો આરંભ થાય છે. જનજીવનમાં કોમી સંવાદિતા કેવી વણાઈ ગઈ હતી એની ઝાંખી પણ થાય છે; પણ તરત જ કૅમેરા હાલોલના ર્દશ્ય પર ગોઠવાય છે. અપ્રિય શાળાજીવનની વાતો લેખકે વિગતે કરી છે. કંજરીમાં આવ્યા પછી એ જ વાતનો દોર આગળ લંબાય છે. શાળા ક્યારેય લેખકની પ્રીતિનું ભાજન બની શકી નથી.
કિશોરકાળના ઉત્સવોનો કેફ હજુ લેખકનાં મનમાં ઘૂંટાયેલો છે. આ ઉત્સવોનાં વર્ણનો અત્યંત આસ્વાદ્ય બન્યાં છે. નવરાત્રિમાં ભજવાતાં નાટકો અને વેશોનાં વર્ણનો એ સમયના વાતાવરણને જીવતું કરી દે છે. દશેરાના ઉત્સવની ઉજવણીમાં સ્થાનિક રંગો સરસ રીતે ઊઘડી આવ્યા છે. શરદપૂનમની રાત અહીં સરસ રીતે ખીલી છે. શરદપૂનમ પછી આવતી દિવાળીના દીવા પણ અહીં ઝગમગી ઊઠ્યા છે. પછી આવે છે હોળી. હોળી તો આબાલવૃદ્ધ સૌ માટેનો આનંદોત્સવ; પરંતુ બાળકો તો અણુઅણુએ આ ઉત્સવ માણે. હોળી સમયનાં તોફાનોનું વર્ણન આજના ધીરગંભીર લેખકનો જુદો જ પરિચય આપણને કરાવે છે.
ઉત્સવોના હૃદયંગમ વર્ણન પછી આવતું ઋતુવર્ણન પણ એટલું જ આહલાદક છે. આપણી જ્ઞાનેન્દ્રિયો જાણે બધિર થઈ ગઈ હોય એમ આપણને ઋતુ ઋતુના સૌંદર્યનો જાણે સ્પર્શ જ થતો નથી. અહીં આપણને ઋતુ ઋતુનું સૌંદર્ય ભરપટ્ટે માણવાનું મળે છે. એક જન્મજાત કવિના હૃદયમાં ઋતુઓના અકબંધ સચવાયેલા સૌંદર્યની સુગંધ અહીં ચોમેર મઘમઘે છે. પ્રત્યેક ઋતુનું રૂપ અહીં અદભુત રીતે નીખરી આવ્યું છે.
શૈશવની પ્રવૃત્તિઓ અને ઉત્સવોનાં વર્ણનની સાથે અહીં આલેખાયેલાં પાત્રો પણ ભાવકના હૃદયમાં પોતાનું કાયમી આસન જમાવી દે છે.
શૈશવની સ્મૃતિઓ દાહોદની હદમાં પ્રવેશે છે ત્યારથી આ પાત્રોની ઝલક દેખાવા માંડે છે. ડૉકની ઝાલર ઝુલાવતી અને ઘંટડી રણકાવતી ગોમતીગાયનો માલિક છગન (લેખકે વર્ણન તો ગોમતીગાયનું કર્યું છે, પણ આવી ગાયનો માલિક છગન કેવો હોય એનું ચિત્ર આપમેળે આપણાં ચિત્તમાં અંકિત થઈ જાય છે), પડછંદ અને જાજરમાન નર્મદાકાકી, ટીખળી રાધા રમતુડી, – એકાદ-બે લસરકાથી આલેખાયેલાં આ પાત્રો પણ એકદમ જીવંત લાગે છે. ‘રમતુડી’ જેવા એક વિશેષણ માત્રથી લેખક રાધાના વ્યક્તિત્વની છટાઓ પ્રગટ કરી આપે છે. માતાપિતાનાં કે મોટા ભાઈ અને બહેનનાં પાત્રોના આલેખનમાં પણ લેખકે લસરકાઓથી જ કામ લીધું છે. પિતાનું પાત્ર કંઈક વિગતે આલેખાયું છે. ઠાકોરજી પણ અહીં લેખકના મિત્ર તરીકે જ રજૂ થયા છે. ઘરનાં સૌને મન – ખાસ કરીને પરમ વૈષ્ણવ એવા પિતાજીને મન ઠાકોરજી કર્તુમ્-અકર્તુમ્ અન્યથા કર્તુમ્ સમર્થ: એવા પરમાત્મા છે. પણ લેખકના તો એ બાલસખા છે. ‘મિત્ર સાથે થાય એવી ધિંગામસ્તી’ ઠાકોરજી સાથે પણ થઈ શકે છે. દાહોદનાં બીજાં પાત્રોમાં એક વૈદકાકા છે. વૈદકાકાના અભ્યંતરને લેખકે બહુ થોડા શબ્દોમાં સ્પષ્ટ કરી આપ્યું છે.
આ પછી સ્થળ બદલાય છે. લેખકનું કુટુંબ દાહોદથી હાલોલ આવે છે. હાલોલના મિત્રો શાંતિ અને ઘનશ્યામ અલપઝલપ દેખા દે છે, પણ હાલોલની પ્રાથમિક શાળાના મહેતાજીનું ચિત્ર આબેહૂબ ઝિલાયું છે. પછી આવે છે કંજરી, કંજરીના શાળાજીવનની વિગતોમાં શાળાના શિક્ષકો પણ ઝિલાતા રહ્યા છે. કંજરીના મિત્રોમાં – ખાસ કરીને જેમની સાથે નાટકો કર્યાં હતાં તે મિત્રોની વાત લેખકે રસભરી રીતે કરી છે. મિત્રોનાં ચિત્રોમાં ચંદુ કંસારાનું પાત્રચિત્રણ ખાસ ધ્યાન ખેંચે છે. માબાપ વગરના આ ગરીબ છોકરાનું જીવન કેવું ધૂળધાણી થઈ ગયું તેનું બહુ થોડા શબ્દોમાં પણ અસરકારક આલેખન થયું છે. દારૂના વ્યસનમાં ડૂબેલો ચંદુ નાટકના સ્ત્રીપાત્રમાં કેવો ખીલી ઊઠતો એનું સ્નેહ અને સહાનુભૂતિ ભરેલું આલેખન લેખકે કર્યું છે. ચંદુ વિશે વાત કરતાં લેખકનું હૃદય આટલે વરસેય કેટલું બધું દ્રવે છે !
આ પુસ્તકમાં આલેખાયેલાં બધાં જ પાત્રોમાં શિરમોર સમું પાત્ર છે ગૌરીનું. ગૌરીનું પાત્ર માળાના મેરુના સ્થાને છે. જીવનરસથી ભરીભરી ગૌરીનું પાત્ર વાચકના ચિત્તમાં કાયમ માટે અંકિત થઈ જાય તેવું છે. ગૌરી એટલે લેખકની બાલસખી. લેખક માટે ગૌરીના હૃદયમાં અનહદ ભાવ. વિધાતાની કોઈ અકળ લીલાથી ગૌરીનું જીવન પાંગરે એ પહેલાં સંકેલાઈ ગયું. ગૌરીના મૃત્યુથી લેખકના હૃદયમાં વિષાદની જે ઘેરી છાયા પડી એ એમના અસ્તિત્વનો અવિનાભાવી હિસ્સો બની રહી. લેખકની સમગ્ર ચેતનામાં, લેખકના અસ્તિત્વના કણકણમાં, લેખકના લોહીના બિંદુ બિંદુમાં ગૌરી વ્યાપી ગઈ છે. લેખકના લોહીના લયમાં ગૌરીનું સૂક્ષ્મ અસ્તિત્વ ભળી ગયું છે. ગૌરી વિશે લખતાં લેખકનું હૃદય ભરપૂર દ્રવે છે, પણ આલેખનમાં ક્યાંય લાગણીવેડા નથી. હૃદયનો શોક અહીં શ્લોકત્વના સૌંદર્યમાં પરિવર્તિત થયો છે.
‘ધૂળમાંની પગલીઓ’ની ભાષા એની મોંઘી મિરાત છે. સર્જનાત્મકતાને ઘણો ઓછો અવકાશ રહેતો હોવાને કારણે આત્મકથાનક સર્જનાત્મક સાહિત્યપ્રકાર નથી ગણાતું. પણ અહીં સર્જનાત્મક ભાષાનો કલાત્મક વિનિયોગ થવાને કારણે કૃતિ રમણીય રૂપવતી બની છે. વિગતો અહીં ઝાઝી નથી. વિગતોમાં એવી કશી અપૂર્વતા પણ નથી પણ આ વિગતો પ્રાસાદિક અને મધુર ભાષાના પારસસ્પર્શે સજીવન થઈ ઊઠી છે. આ કૃતિને હાસ્યનો પુટ આપીને સર્જકે પોતાની બાજી જીતી લીધી છે. હાસ્ય એમને માટે સહજ છે. કવિ તરીકે સુખ્યાત આ સર્જકે હાસ્યના પ્રદેશમાં પણ પૂરા અધિકારથી પોતાનું આસન જમાવ્યું છે. સર્જકમાં રહેલો હાસ્યકાર અહીં પૂરો ખૂલ્યો ને ખીલ્યો છે. હાસ્યનિષ્પત્તિ માટે અહીં સંસ્કૃત શબ્દાવલિનો પૂરા સામર્થ્યથી ઉપયોગ થયો છે. આ કારણે વાચકને પરિષ્કૃત હાસ્યનો નિર્મળ આનંદ સતત મળતો રહે છે. કૃતિનું આખું પોત હાસ્યના સબળ તાણાવાણાથી ગૂંથાયું છે, પણ ગૌરીના મૃત્યુ પછીની વિરહ વેદનાનું અત્યંત સંયમિત રીતે પણ પૂરી સઘનતાથી સર્જકે જે નિરૂપણ કર્યું છે તેનાથી સ્મિત અને આંસુ એકબીજાંમાં ભળી જાય છે અને ભાવક પક્ષે કલાના અદભુત સૌંદર્યનો ઉઘાડ થયેલો અનુભવાય છે.
રતિલાલ બોરીસાગર