ધૂમકેતુ : સામાન્ય પરિભાષામાં ‘પૂંછડિયા તારા’ તરીકે ઓળખાતો ખગોલીય પદાર્થ. આ પદાર્થના મસ્તકના ભાગે તારા જેવું ચમકતું બિંદુ અને તેમાંથી પૂંછડી અથવા તો સાવરણી આકારે આછું પ્રકાશિત વાદળ ઉદભવતું હોય તેવું ર્દશ્ય રચાતું હોવાથી તેને ‘પૂંછડિયો તારો’ કહે છે. આ પ્રકારના પદાર્થો સૂર્યમાળાના જ સદસ્યો છે અને તે બરફીલા ખડકોના સ્વરૂપના હોય છે.
આ પદાર્થો, સૂર્યથી ખૂબ દૂર આવેલા વિસ્તારોમાં હોવાથી, સૂર્યની ગરમી ન મળવાના કારણે તેમનો બરફ ઘન સ્વરૂપે જળવાઈ રહે છે, પરંતુ જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે બરફનું બાષ્પીભવન થવાથી, તેમાંથી વાયુઓ તથા ધૂળના રજકણો છૂટા પડે છે અને સૂર્યના ચુંબકીય ક્ષેત્ર તેમજ તેના વિકિરણના દબાણને કારણે, સૂર્યથી વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. વાયુઓના અણુઓનું બાષ્પીકરણ થતાં તે ચુંબકીય ક્ષેત્ર દ્વારા ધકેલાતા હોય છે; જ્યારે ધૂળના રજકણો, વિકિરણના દબાણ વડે ધકેલાય છે, જેને કારણે બે ભિન્ન પ્રકારની પૂંછડીઓ સર્જાય છે : (i) અયન-પૂંછડી અને (ii) રજકણોની પૂંછડી. અયન પૂંછડીનો પ્રકાશ ઉત્તેજિત અણુઓ દ્વારા ઉદભવતા વિકિરણના ઉત્સર્જનને કારણે હોય છે; જ્યારે રજકણોની પૂંછડીનો પ્રકાશ સૂર્યપ્રકાશના વિખેરણ(scattering)ને કારણે છે. આશરે દસ વર્ષના ગાળામાં એક અતિપ્રકાશિત ધૂમકેતુ દેખાય છે. ધૂમકેતુઓ બે પ્રકારના છે :

1976માં શોધાયેલો ધૂમકેતુ ‘કૉમેટ વેસ્ટ’
(i) નિયતકાલીન : જેવો કે હેલીનો ધૂમકેતુ (જે દર 76 વર્ષે પુનરાગમન કરે છે.) અને (ii) અનિયતકાલીન ધૂમકેતુ જેનો પુનરાગમનસમય હજારો વર્ષોનો હોઈ શકે. વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન દેખાયેલ ‘કોહુતેક’, ‘હયાકુતાકે’, ‘એલ-બોપ’ વગેરે અનિયતકાલીન પ્રકારના તેજસ્વી ધૂમકેતુઓ હતા.
દીપક ભદ્રશંકર વૈદ્ય