ધુળે : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. શહેરનું જૂનું નામ ધૂળિયા હતું. ભૌગોલિક સ્થાન : 20° 55´ ઉ. અ. અને 74° 50´ પૂ. રે.. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે ખાનદેશ જિલ્લાનો ભાગ હતો. 1960માં રાજ્યપુનર્રચના થઈ ત્યારે તેનો સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો. જિલ્લાનો કુલ વિસ્તાર 8,061 ચોકિમી. છે. તે 20° 38´થી  22° 03´ ઉ. અ. અને 73° 47´ થી 75° 11´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશના ધાર અને નિમાડ જિલ્લા, નૈર્ઋત્ય, પશ્ચિમ અને વાયવ્યમાં ગુજરાતના ભરૂચ, સૂરત અને ડાંગ જિલ્લાઓ, દક્ષિણે મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો  અને પૂર્વે તે જ રાજ્યનો જળગાંવ જિલ્લો આવેલો છે. જિલ્લાની કુલ લંબાઈ સ્થાનભેદે 100થી 130 કિમી. અને કુલ પહોળાઈ સ્થાનભેદે 52થી 122 કિમી. છે.

સમુદ્રથી દૂર હોવાથી તે વિષમ આબોહવા ધરાવે છે. મે માસમાં મહત્તમ તાપમાન 45° સે. થઈ જાય છે. ડિસેમ્બર-જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 12° સે. રહે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ વરસાદ 674 મિમી. પડે છે.

જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉત્તર અને દક્ષિણ તરફના કુલ વિસ્તારમાંથી મોટો ભાગ ડુંગરાળ તેમજ જંગલવાળો હોવાથી માત્ર 45% જમીન પર ખેતી થાય છે. ખેતી હેઠળની કુલ જમીનમાંથી લગભગ 70% જમીનમાં અનાજનું વાવેતર થાય છે. જુવાર અને બાજરી ખેતીની મુખ્ય પેદાશો છે, ઘઉં અને ડાંગર ગૌણ પેદાશો છે. આ ઉપરાંત શેરડી, કપાસ અને મગફળી તેમજ ક્યારેક કઠોળની પેદાશો પણ લેવાય છે.

સરકાર સંચાલિત અદ્યતન ડેરી, ધુળે

કુલ જંગલવિસ્તાર પૈકી આશરે 85% ભાગ અનામત જંગલોનો અને 15% ભાગ ખાનગી માલિકી હેઠળનાં જંગલોનો છે. અહીં સાગ અને વાંસ ઉપરાંત ઘણી જાતનાં લાકડાંની પેદાશો થાય છે. જંગલનિવાસી પ્રાણીઓમાં વાઘ, ચિત્તા, શિયાળ, તરસ, સાબર, નીલગાય, સસલાં અને છીંકારાનો સમાવેશ થાય છે.

જિલ્લામથક ધુળેમાં કાપડની મિલને બાદ કરતાં કોઈ મોટા ઉદ્યોગોનો વિકાસ થયેલો નથી. છતાં કપાસનાં જિનો, તેલ પીલવાની ઘાણીઓ, ઇમારતી લાકડાં વહેરવાના એકમો, શેરડીનો રસ કાઢતા ઘટકો, દાળ-મિલો, હાથસાળ-ઉદ્યોગ અને વાસણો બનાવવાના નાના નાના એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકસ્યા છે. જિલ્લામાંથી કપાસ, મગફળી, સુતરાઉ કાપડ, ખાદ્ય તેલ, ઇમારતી લાકડું તથા જંગલ-પેદાશો, સાડીઓ, કાગળ, દૂધ વગેરેની અન્યત્ર નિકાસ થાય છે.

પશ્ચિમ દિશાતરફી વહેણ ધરાવતી તાપી આ જિલ્લાની મુખ્ય નદી છે. જિલ્લામાં તેની લંબાઈ 86 કિમી. જેટલી છે. આ નદી દક્ષિણ તરફ શિંદખેડ અને નંદરબાર તાલુકાની અને ઉત્તર તરફ શિરપુર અને શહાદા તાલુકાની સરહદો બનાવે છે. આ સિવાય જિલ્લાની ઉત્તર તરફ સાતપુડા પર્વતમાંથી અને દક્ષિણ તરફ સહ્યાદ્રિ પર્વતમાંથી ઉદભવતી અન્ય ઘણી ઉપનદીઓ પણ છે. પાનઝરા નદી ધુળે પાસે થઈને વહે છે. બધી જ ઉપનદીઓ તાપીને મળે છે. અને તેમનાં પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે.

જિલ્લામાંથી પસાર થતી રેલવેની લંબાઈ 171.61 કિમી. છે. તે સિવાય મુંબઈ-આગ્રા, સૂરત-નાગપુર તથા અંક્લેશ્વર-ઇંદોર માર્ગો આ જિલ્લામાં થઈને પસાર થાય છે.

જિલ્લાના વહીવટની સગવડ માટે તેના દસ વિભાગ પાડેલા છે, જેમાં અક્રાણી મહાલ ઉપરાંત નવ તાલુકાઓનો સમાવેશ થાય છે. ધુળે અને નંદરબાર વહીવટી ઉપવિભાગો છે. આધારકાર્ડ મુજબ મેટ્રોપોલિટન શહેરની વસ્તી 4.20 લાખ જ્યારં જિલ્લાની વસ્તી 21,94,520 (2022) હતી. જે પૈકી 70%  લોકો સાક્ષર છે. અહીં ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ પૈકીની  તકનીકી શિક્ષણ પૂરું પાડે છે. તે ઉત્તર મહારાષ્ટ્ર યુનિવર્સિટી જળગાંવ સાથે સંલગ્ન છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે