ધુબરી : અસમ રાજ્યના 35 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. જેનો ઉચ્ચાર ડોબરી (Dobri) થાય છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : તે 26 22´ ઉ. અ.થી 25 28´ ઉ. અ. અને 89 42´ પૂ. રે.થી 90 12´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો આંતરરાજ્યના જિલ્લા આંતરદેશીય રાજ્ય અને આંતરરાષ્ટ્રીય દેશની સીમાથી ઘેરાયેલો છે. પૂર્વમાં અસમ રાજ્યના ગોલપારા અને બોગાઈગોઆન જિલ્લા અને મેઘાલય રાજ્યના ગારો હિલ્સ જિલ્લાની સીમા, ઉત્તરે કોકરાજહાર જિલ્લો, દક્ષિણે બાંગ્લાદેશ અને મેઘાલય રાજ્યની અને પશ્ચિમે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સીમા આવેલી છે. તે સમુદ્રની સપાટીથી સરેરાશ 30 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ જિલ્લો નદીઓના કાંપ-માટીના નિક્ષેપથી બન્યો હોવાથી પ્રમાણમાં સમતળ છે, પરંતુ ઈશાન દિશાએ કેટલીક નાની ટેકરીઓ આવેલી છે. જેમાં ટોકોરાબંધા, દૂધનાથ, ચંદરડીંગા, બોકુઆમારી, બોરોપહાર, ચક્રશીલા વગેરે છે. અહીંથી બ્રહ્મપુત્રા નદી પૂર્વથી પશ્ચિમે વહે છે. તેની શાખા નદીઓમાં ચમ્પાબાતિ, ગૌરાંગ, ગદાધાર, ગંગાધાર, ટીપકાઈ, સનોક્ષ, સિલાઈ, જીનજીરામ વગેરે પણ વહે છે. આ બધી જ નદીઓ બારમાસી છે.

અહીંની આબોહવા વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. ભેજવાળી ઉપઉષ્ણકટિબંધ અને વિશિષ્ટ મોસમી આબોહવા અનુભવાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી માસ એટલે કે શિયાળા દરમિયાન ગરમ તેમજ મધ્યાહન પછી અતિશય ગરમ રહે છે. જ્યારે વહેલી સવારે ઠંડી અને ખુશનુમા રહે છે. જ્યારે ઉનાળામાં માર્ચથી એપ્રિલ માસ ખરેખર ગરમ રહે છે. ભેજનું પ્રમાણ વધી જતાં સાંજે વરસાદ પડે છે. મેથી ઑક્ટોબર માસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અતિશય રહે છે. આ જિલ્લાનું સરેરાશ તાપમાન 27 સે. હોય છે. જ્યારે વાર્ષિક વરસાદ 2500 મિમી.થી 3000 મિમી. પડે છે.

આ જિલ્લામાં સરેરાશ ભેજનું પ્રમાણ 60%થી 80% ધરાવે છે. અહીંનાં જંગલોમાં સાગ, સાલ, સીસમ, ચંદન, કુસુમ, રોઝવૂડ, વાંસ, નેતર, ભારતીય ચેસ્ટનટ, કદમ, હોલ્લોચ તેમજ કેટલીક ઔષધિના છોડ પણ હોય છે.  અહીં પાનખર ઋતુ ન હોવાથી જંગલો સદાબહાર જોવા મળે છે. કેટલીક જગ્યાએ દલદલભૂમિ હોવાથી મૅંગ્રોવ વનસ્પતિ પણ જોવા મળે છે. આ જિલ્લામાં પ્રાણીસંપત્તિની વિવિધતા છે. અહીં વાઘ, દીપડો, જંગલી બિલાડી, મંગૂસ, પેંગોલીન, ઊડતી ખિસકોલી, ગૌર (જંગલી ભારતીય ભેંસ), એક શિંગી ગેંડા, હંગુલ, ચિત્તલ, વાનરો વગેરે છે. અસમ અને ભુતાનના સરહદીય વિસ્તારમાં જોવા મળતા ‘સુવર્ણ વાનરો’ તે જંગલની વિશિષ્ટતા છે. વિશ્વમાં ફક્ત આ વિસ્તારમાં જ ઉપલબ્ધ છે.

અર્થતંત્ર – પરિવહન : આ જિલ્લામાં લોકોની આવક ખેતી અને જંગલપેદાશો પર આધારિત છે. અહીં જમીન ફળદ્રૂપ હોવાથી ડાંગરની ખેતી શિયાળા અને ઉનાળામાં થાય છે. આ સિવાય શણ, રાઈ, શેરડી રોકડિયા પાક તરીકે લેવાય છે. આ સિવાય ઘઉં, મકાઈ, કઠોળની ખેતી થાય છે. જંગલપેદાશમાં ઇમારતી લાકડું, વાંસ, અને નેતર છે. મત્સ્ય, દૂધ, માંસ, ઈંડાંનું ઉત્પાદન પણ અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો ધરાવે છે. ડુંગરાળ પ્રદેશમાં ‘ચા’ની ખેતી પણ થાય છે. કેટલીક જગ્યાએ કપચી અને રેતીનું ખનનકાર્ય થાય છે.

આ જિલ્લામાં ભૂમિમાર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગો ઉપલબ્ધ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 17 પસાર થાય છે. જે પશ્ચિમ બંગાળ અને અસમનાં મોટાં શહેરોને સાંકળે છે. રાજ્યના અને તાલુકાના ધોરી માર્ગો આવેલા છે. અહીં રાજ્યપરિવહન અને ખાનગી બસો, ટૅક્સી વગેરેની સુવિધા છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલાં કૉલકાતા અને ઢાકાને સાંકળતો મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થતો હતો. હવે આ રેલમાર્ગને બ્રૉડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યો છે. 2010માં ધુબરી અને કામાખ્યાને સાંકળતો રેલમાર્ગનો પ્રારંભ થયો છે. ધુબરી રેલવેસ્ટેશનથી ધુબરી-સીલઘાટ, ધુબરી-સિલિગુરી અને ધુબરી-ફકીરાગ્રામ ટ્રેનો દોડી રહી છે. બ્રહ્મપુત્રા નદી પરનું ધુબરી આંતરજળમાર્ગનું મહત્ત્વનું નદીબંદર છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો વધુ કરે છે. બ્રિટિશરોના શાસનકાળમાં તે મહત્ત્વનું બંદર ગણાતું હતું. કોકરાજહાર જિલ્લામાં આવેલું રૂપશી હવાઈ મથક સૌથી નજીક છે. જે ધુબરીથી 15 કિમી. દૂર છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેનું મહત્ત્વ વધુ હતું. આજે આ હવાઈ મથકનો ઉપયોગ ભારતીય હવાઈ સેના કરે છે. હવે આ હવાઈ મથકને ‘ઉડાન’ હવાઈ સેવાનો લાભ મળતો થયો છે.

જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં આવેલી પાનબારી મસ્જિદ જે ભારતના ઉત્તર-પૂર્વ વિભાગમાં આવેલી સૌથી જૂની મસ્જિદ છે. ચક્રશીલા વન્યજીવ અભયારણ્ય, ગુરુદ્વારા શ્રી ગુરુ તેગબહાદુર સાહિબ, મહામયાધામ, ગાર્ડન અને પાંચપીર દરગાહ, શીખ ગુરુ નાનકદેવના માનમાં સ્થપાયેલ થારા સાહિબનું મહત્ત્વ વધુ છે. અહીં ધીર અને દીપાલી જળપ્લાવિત વિસ્તારો આવેલા છે, જેનો આંતરરાષ્ટ્રીય જળપ્લાવિત વિસ્તારોમાં સમાવેશ થયેલો છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 1,608 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 19,49,258 છે. સાક્ષરતાનું પ્રમાણ 59.36% છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 952 મહિલાઓ છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 4.49% અને 0.16% છે. અહીં મુસ્લિમોની વસ્તી 73.49%, જ્યારે હિન્દુઓની વસ્તી 26.07% છે. જ્યારે બોલાતી ભાષામાં અસમી 31.12%, અસમી જેવી બીજી ભાષા 31.12%, બંગાળી 5.65%, હિન્દી 2.15% છે. આ સિવાય ભાટિયા અને બોડો ભાષા પણ બોલાય છે.

ધુબરી જિલ્લાનું અસારીકાન્ડી ગામ જે ટેરાકોટા કલા માટે ખૂબ જાણીતું છે. ગામનાં આશરે 80% કુટુંબો આ વારસાગત કલા સાથે સંકળાયેલાં છે. આ વિસ્તારની માટી અને કલાને આધારે સ્થાપત્ય, ગૃહઉપયોગી વસ્તુઓ અહીં બને છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેણે આગવી ઓળખ ઊભી કરી છે.

અહીં ઉચ્ચશિક્ષણની 15 કૉલેજો આવેલી છે. જેમાં સૌથી જૂની કૉલેજ બી. એન. કૉલેજ છે. આ સિવાય સપ્તરામ કૉલેજ, બીલાસીપારા કૉલેજ, રત્નપીઠ કૉલેજ મહત્ત્વની છે. પ્રાયમરી, માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાઓ આવેલી છે. જે રાજ્ય સરકાર સાથે સંકળાયેલી છે. ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો આવેલાં છે. કમ્પ્યૂટર ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલાં છે.

આ જિલ્લાના વિકાસ અર્થે તેને સાત તાલુકામાં વિભાજિત કરેલ છે. મુખ્ય શહેરોમાં ધુબરી, ગૌરીપુર, બીલાસપારા, ગોલાકગંજ, તમારાહાટ, સપ્તગ્રામ, ચાપર, એગોમની, હટસીંગીમારી અને મનકાચાર છે.

ધુબરી (શહેર) : અસમ રાજ્યના ધુબરી જિલ્લાનું બ્રહ્મપુત્રા નદીને કિનારે વસેલું શહેર.

તે 26 1´ ઉ. અ. અને 89 5´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રની સપાટીથી આશરે 34 મીટરની ઊંચાઈએ આવેલું છે. જે ત્રણે બાજુથી નદીઓથી ઘેરાયેલું છે. અહીંની આબોહવા ભેજવાળી અને ઉષ્ણકટિબંધીય મોસમી પ્રકારની કહી શકાય. ઉનાળાનું તાપમાન 29 થી 35 સે. અને શિયાળાનું તાપમાન 18થી 24 સે. રહે છે. વરસાદ 2000 મિમી. જેટલો પડે છે.

અહીં જંગલ આધારિત અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. વાંસ અને નેતરકામના, લાકડાં વહેરવાના, પ્યાયવૂડ, રાચરચીલાં, દીવાસળી બનાવવાના ઉદ્યોગો આવેલા છે. નાના પાયાના ઉદ્યોગોમાં વપરાશી અને હસ્તકલાની ચીજવસ્તુઓ, ટેરાકોટાની કલાત્મક વસ્તુઓ, ખાદ્યપ્રક્રમણના એકમો આવેલા છે. કૃષિપેદાશો અને માછલીના વેપારનું પણ કેન્દ્ર છે.

આ શહેર જળમાર્ગ, રેલમાર્ગ અને હવાઈ માર્ગની સગવડને કારણે વધુ વ્યસ્ત છે. બ્રહ્મપુત્રા નદી અહીંથી પસાર થાય છે. તેને લક્ષમાં રાખીને ભરતમાલા અને સાગરમાલા પ્રકલ્પ ઊભા કરાયા છે. બ્રિટિશરોના સમયમાં આ નદી બંદરનો વેપાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો રહ્યો હતો. આજે મેઘાલય રાજ્ય અને બાંગ્લાદેશ સાથે આ બંદરેથી વેપાર-વણજ થાય છે. ધુબરી એ રેલમાર્ગનું મહત્ત્વનું જંકશન છે. ધુબરીથી કામખ્યા અને ગોહાતીને સાંકળતો રેલમાર્ગ કાર્યરત છે. ન્યૂ બોનગાઈગોન અને સિલિગુરી વચ્ચે દોડતી સ્પેશિયલ ડેમૂ ટ્રેન જે ધુબરી થઈને દોડે છે. ધુબરી અને સિલઘાટ વચ્ચે દોડતી ટ્રેન ‘રાજ્યરાણી’ એક્સપ્રેસ નામે ઓળખાતી હતી. કોકરાજહાર જિલ્લામાં આવેલું રુપસી હવાઈ મથક ધુબરીથી 15 કિમી. દૂર છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે આ હવાઈ મથક 52 જેટ પ્લેનની ક્ષમતા ધરાવતું હતું. આજે તો વ્યાપારિક કંપનીઓ અને ભારતીય હવાઈ દળનાં વિમાનો આ હવાઈ મથકનો ઉપયોગ કરે છે. કૉલકાતા અને ગોહાતી જોડે અહીં વિમાનની સેવા ઉપલબ્ધ છે.

આ શહેરની આસપાસના વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદીને કારણે અનેક કુદરતી સૌંદર્ય જોવા મળે છે. સમગ્ર વિસ્તારો જંગલથી છવાયેલા છે. શીખ સંપ્રદાય અને મુસ્લિમ સંપ્રદાયનાં સ્થાપત્યો સિવાય મહામાયાધામ અને શક્તિપીઠ સ્નાનઘાટ, મતીયાબાગ હવામહેલ, શત્રશાલધામ, ધુબરીથી 50 કિમી. દૂર આવેલું ‘ફ્લોરિકન ગાર્ડન’ અને રાષ્ટ્રીય ઉદ્યાન, પગલાથાન (Pagalathan) ટેમ્પલ, નેતાજી ધુબુની પાર્ક, રાજીવ ગાંધી ચિલ્ડ્રન પાર્ક, વિક્ટોરિયા મેમોરિયલ પાર્ક વગેરે જોવાલાયક છે.

આ શહેરનો ભૂમિ અને જળ વિસ્તાર અનુક્રમે 32 ચો.કિમી. અને 4.9 ચો.કિમી. છે. જ્યારે વસ્તી 63,338 છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 89.34% અને સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ 953 છે. આ શહેરની સ્થાપના ઈ. સ. 1883માં થઈ હતી. અહીં બંગાળી હિન્દુઓની વસ્તી 64.76%, મુસ્લિમ વસ્તી 33.48% અને ક્રિશ્ચિયનોની વસ્તી 0.21% છે. આ શહેરમાં મહત્તમ બંગાળી ભાષા (59%) બોલાય છે, જ્યારે અસમી (19.00%), રાભા (11.00%), ગારો (20.00%) ભાષાનો પણ ઉપયોગ થાય છે. શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જ્યારે ઉચ્ચશિક્ષણ માટે ભોલાનાથ કૉલેજ, ધુબરી લૉ કૉલેજ, ધુબરી ગર્લ્સ કૉલેજ, ધુબરી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, પ્રમાથેશ બારૂ કૉલેજ (ગૌરીપુર), ચીલારાઈ કૉલેજ, જમિયા મીલિયા ઇસ્લામ યુનિવર્સિટી, ઓપન ઍન્ડ ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર છે.

આ શહેર વ્યાપારની દૃષ્ટિએ ખૂબ વ્યસ્ત રહે છે. અસમ રાજ્યનું મહત્ત્વનું નદીબંદર છે. અહીં શણનો વેપાર સૌથી વધુ જોવા મળે છે. આ શહેર ‘Land of Rivers’ તરીકે ઓળખાય છે. રાજા કુચ રાજબોંગશીનું શાસન 1874 સુધી હતું. 1874માં બ્રિટિશરોએ ‘અસમ વેલી પ્રોવિન્સ’ તરીકે નવો વિભાગ ઊભો કર્યો જેમાં ગોપાલપરા જિલ્લો અને ધુબરી જિલ્લાનો સમાવેશ કર્યો. 1879માં તેનું મુખ્ય મથક ગોપાલપરાથી ધુબરી લઈ જવામાં આવ્યું. ત્યારબાદ ધુબરીને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું જે ધુબરી, ગોપાલપરા અને કોકરાજહાર. વર્ષ 1983માં ગોપાલપરા જિલ્લાને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. જેમાં ધુબરીનો આજે વિસ્તાર 2,838 ચો.કિમી. છે.

આ શહેર બાંગ્લાદેશ સાથે બ્રહ્મપુત્રા નદીની જળસીમા ધરાવતું હોવાથી તેનું વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વ વધુ છે.

બીજલ પરમાર

નીતિન કોઠારી