ધીર, સંતોકસિંહ

March, 2016

ધીર, સંતોકસિંહ (જ. 2 ડિસેમ્બર 1920, બસ્સી પઠાના, પંજાબ; અ. 8 ફેબ્રુઆરી 2010 ચંડીગઢ, પંજાબ) : પંજાબી કવિ, ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, પ્રવાસલેખક અને નિબંધકાર. લેખનને વ્યવસાય તરીકે એમણે અપનાવ્યો હતો. તે પૂર્વે થોડો સમય ‘પ્રીતલહરી’ સામયિકમાં કામ કર્યું હતું. એમના ટૂંકી વાર્તાના નવ સંગ્રહો, ચાર નવલકથાઓ, અગિયાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં. ‘બૃહસ્પતિ’ એમની આત્મકથા છે.

લોકસાહિત્યનાં બે સંપાદનો ઉપરાંત યાત્રા-વૃત્તાંત, નિબંધસંગ્રહ અને ‘કબીરવચનાવલી’નો પંજાબી અનુવાદ પણ પ્રસિદ્ધ થયાં છે. એમની ત્રણ કૃતિઓ ‘સાંઝી દીવાર’, ‘એક સાધારણ આદમી’ અને ‘મંગો’ ટેલિફિલ્મનું નિમિત્ત બની છે. પંજાબ આર્ટ કાઉન્સિલ પુરસ્કાર, સોવિયત લૅન્ડ નહેરુ પુરસ્કાર અને પંજાબી અકાદમી, (લંડન) પુરસ્કાર એમને એનાયત થયા છે. 1991માં એમને શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ મળ્યો હતો. ગુરુનાનક દેવ યુનિવર્સિટી અને પંજાબી સાહિત્યસભા, દિલ્હીએ એમને ફેલોશિપ એનાયત કરી હતી.

સંતોકસિંહ ધીર

‘પક્ખી’ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1996નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હુલ્લડખોર દિવસોમાં ફસાઈ પડેલ લોકોના જીવન સાથે સંબંધિત વિવિધ રાજકીય પક્ષોની સાઠમારીનું ચિત્રણ આ વાર્તાઓમાં થયું છે. દંગાફસાદ વ્યક્તિઓને સંજોગોને અધીન બનાવી કેવી વેરવિખેર કરી મૂકે છે તેનું સંયત નિરૂપણ કરતાં અહીં લેખક માનવતાના ભવિષ્ય માટે ઊંડી ચિંતાની લાગણી વ્યક્ત કરે છે. તદ્દન સીધી અને સરળ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ પંજાબી ભાષાની ગરિમાને અભિવ્યક્ત કરે છે. પંજાબી ભાષાએ ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં ભારતીય સાહિત્યમાં કેવું નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. તેનું આ કૃતિ સુંદર ઉદાહરણ છે.

વિ. પ્ર. ત્રિવેદી