ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે.
ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું, અને (3) લાંબા ગાળાનું.
આ ત્રણે વચ્ચેના સમયગાળાના સંદર્ભમાં ભેદરેખા ઘણી પાતળી ને સાપેક્ષ હોય છે, તેમ છતાં એમ કહી શકાય કે જે ધિરાણ 6થી 9 મહિના માટે કરવામાં આવે તે ટૂંકા ગાળાનું ધિરાણ; જે 9 મહિનાથી બે વર્ષના ગાળા માટે કરવામાં આવે છે તે મધ્યમ ગાળાનું ધિરાણ અને જે બે વર્ષ કરતાં વધારે સમય માટે કરવામાં આવે છે તે ધિરાણ લાંબા ગાળાનું ધિરાણ કહી શકાય.
દેશનાં નાણા-બજારમાં ધિરાણના ક્ષેત્રમાં વ્યાપારી બૅંકોનો ફાળો મહત્વનો હોય છે. વ્યાપારી બૅંકો સમાજના બચત કરનાર લોકો પાસેથી થાપણોના રૂપમાં નાણાં પ્રાપ્ત કરતી હોય છે અને તેમાંથી જે ભંડોળ ભેગું થાય છે તેનો ઉપયોગ નફો કરવાના હેતુસર ઉત્પાદકોને આપતી હોય છે. આ કારણસર જ તેને વ્યાપારી બૅંક કહેવામાં આવે છે. વ્યાપારી બૅંકો ઉપરાંત ધિરાણ કરતી બીજી સંસ્થાઓ તે સહકારી મંડળીઓ, જેમનો ઉદ્દેશ ધિરાણ દ્વારા નફો કરવાનો હોતો નથી; પરંતુ જરૂરિયાતમંદ લોકોને ઓછા વ્યાજના દરે નાણાં ધીરી તેમની જરૂરિયાતો પૂરી કરવાનો હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં વ્યાપારી બકો કરતાં સહકારી મંડળીઓની ભૂમિકા સમાજ માટે વધુ લાભકારક હોય છે; કારણ કે તેમનો હેતુ નફો નહિ પરંતુ સસ્તા દરે પોતાના સભ્યોને ધિરાણ કરી પરસ્પર સહકાર કરવાનો હોય છે. તે ટૂંકા ગાળાનું અને મધ્યમ ગાળાનું ધિરાણ જ કરતી હોય છે. પરિણામે તેની ધીરધારની પ્રવૃત્તિમાં જોખમનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
ભારતમાં હાલના સમયમાં વ્યાપારી બૅંકો જે પ્રકારનું ધિરાણ કરે છે તેમાં નફાનું તત્વ વધારે ને વધારે થાય તે માટે તેઓ કાર લોન્સ (car loans), હોમ લોન્સ (ઘર ખરીદવા માટે ધિરાણનાં નાણાં પૂરાં પાડવાં) તથા શિક્ષણ માટેની લોનો (education loans) આપતી હોય છે. મોટા ભાગની વ્યાપારી બૅંકો પોતાના ગ્રાહકોને ટકાઉ વપરાશી વસ્તુઓ (consumer durables) ખરીદવા માટે પણ નાણાં ધીરતી હોય છે, જેના પર વ્યાજનો દર ઘણો ઊંચો આકારવામાં આવતો હોય છે.
વ્યવસાયલક્ષી ધિરાણ : પરંપરાગત રીતે ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો કરતાં ભારતમાં કૃષિધિરાણનું મહત્વ તુલનાત્મક રીતે વધારે હોવાથી તેના પર આપણે વિગતવાર વિચાર કરીશું.
ધિરાણ (કૃષિ) : ભારતના ખેડૂતોને કૃષિ માટે – ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ઢોર માટેનો ખોરાક વગેરેની ખરીદી માટે ઉછીનાં નાણાં લેવાની – ટૂંકા ગાળાના ધિરાણની જરૂર પડે છે. જમીનસુધારા માટે, બળદ ખરીદવા માટે અને કૂવો કરવા કે પાળા બાંધવા તેમજ ઓજારો ખરીદવા માટે પાંચેક વર્ષના મધ્યમ ગાળા માટે ધિરાણની આવશ્યકતા રહે છે. જમીનમાં કાયમી સુધારા કરવાના ઉદ્દેશથી કે જમીન ખરીદવા, ટ્રૅક્ટર ખરીદવા કે જૂનું દેવું ભરપાઈ કરવા તેને દસથી વીસ વર્ષના લાંબા ગાળા માટેના ધિરાણની પણ જરૂર પડે છે. આ ધિરાણ તે જમીનની ઉત્પાદકતા વધારીને ચૂકવી શકે છે.
અખિલ ભારત ગ્રામધિરાણ તપાસ સમિતિ : દેશમાં કૃષિધિરાણનું વર્તમાન માળખું ઘણે અંશે અખિલ ભારત ગ્રામધિરાણ તપાસસમિતિની ભલામણો પર આધારિત છે. એ સમિતિની રચના રિઝર્વ બૅંકે કરી હતી.
ખેતીપ્રધાન દેશની મધ્યસ્થ બૅંક હોવાને નાતે રિઝર્વ બૅંકના બંધારણમાં પહેલેથી જ કૃષિધિરાણના સંદર્ભમાં કેટલીક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1951માં એ. ડી. ગોરવાલાના અધ્યક્ષ-પદે ‘અખિલ ભારત ગ્રામધિરાણ તપાસ સમિતિ’ નિમાઈ હતી. એ સમિતિનાં તારણો આ મુજબ હતાં : (i) ખેડૂતો તેમના ધિરાણના 90 ટકા નાણાબજારના અસંગઠિત વિભાગમાંથી જ પ્રાપ્ત કરતા હતા. (ii) સરકાર, સહકારી મંડળીઓ અને વેપારી બૅંકોનો ફાળો માત્ર 7.3 % જેટલો હતો. (iii) ખેડૂત શાહુકારો અને ધંધાદારી શાહુકારો મળીને 70 % ધિરાણ પૂરું પાડતા હતા. તેઓ ખેડૂતો પાસેથી ઊંચો વ્યાજનો દર લેતા અને નીચા ભાવે તેમની ખેતપેદાશો ખરીદી લેતા હતા. (iv) ખેડૂતો 53 % જેટલાં ધિરાણોનો અનુત્પાદક હેતુઓ માટે ઉપયોગ કરતા હતા.
ખેતીક્ષેત્રે ધિરાણની પ્રવૃત્તિને વધુ હેતુલક્ષી અને અસરકારક બનાવવા ગોરવાલા સમિતિએ ભાર મૂક્યો હતો. કૃષિધિરાણક્ષેત્રે જે સંસ્થાકીય માળખું ગોઠવાયું છે તે મહદંશે અખિલ ભારત ગ્રામધિરાણ તપાસ સમિતિની ‘ગ્રામધિરાણની સુગ્રથિત યોજના’ પર આધારિત છે. તેની મુખ્ય ભલામણો આ મુજબ હતી : (i) સ્થાપિત હિતો સામે સહકારી મંડળીઓ ટકી શકે તે માટે સહકારી પ્રવૃત્તિમાં દરેક સ્તરે રાજ્યની ભાગીદારી હોવી જોઈએ. (ii) માલના સંગ્રહ માટે મધ્યસ્થ કોઠાર કૉર્પોરેશન, અખિલ ભારતીય કોઠાર કૉર્પોરેશન, રાજ્ય કોઠાર કૉર્પોરેશન, નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ઍન્ડ વૅરહાઉસિંગ બોર્ડ વગેરે સંસ્થાઓની રચના કરવાનું સમિતિએ સૂચવ્યું હતું. રાજ્યોને તે માટે લાંબા ગાળાની લોન આપવા ‘નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ફંડ’ની રચના કરવાનું સૂચવ્યું હતું. (iii) સંનિષ્ઠ અને નિષ્ણાત કાર્યકારો તૈયાર કરવા માટે સહકારી તાલીમ ઉપર તેણે ભાર મૂક્યો હતો. (iv) સહકારી બૅકિંગ અને ગ્રામવિકાસને લગતાં કાર્યો કરવા ગ્રામીણ વિસ્તારમાં સસ્તા દરે સમયસર સવલતો પૂરી પાડવા માટે રાજ્યની માલિકીની સ્ટેટ બૅક ઑવ્ ઇન્ડિયાની રચના કરવાનું તેણે સૂચવ્યું હતું.
સમિતિની ભલામણ અનુસાર 1955માં ઇમ્પીરિયલ બૅંકનું સ્વરૂપ બદલી જાહેર ક્ષેત્રની બૅંક તરીકે ‘સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા’ નામથી તેની પુનર્રચના કરવામાં આવી, 1956માં ‘ધ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ઍન્ડ વૅરહાઉસિંગ બોર્ડ’ની રચના કરવામાં આવી. 1957માં ‘સેન્ટ્રલ વૅરહાઉસિંગ કૉર્પોરેશન’ની સ્થાપના થઈ અને અગિયાર ‘સ્ટેટ વૅરહાઉસિંગ કૉર્પોરેશન’ રચાયાં, પુણે ખાતે રિઝર્વ બૅકે સહકારી તાલીમ આપવા કૉલેજની સ્થાપના કરી, દેશના અન્ય ભાગોમાં પાંચ ટ્રેનિંગ સ્કૂલો પણ શરૂ કરવામાં આવી.
કૃષિક્ષેત્ર માટે ધિરાણના સ્રોતો : ખેડૂતોને બે સ્રોતોમાંથી ધિરાણ મળે છે; એક અસંગઠિત ક્ષેત્ર અને બીજું સંગઠિત ક્ષેત્ર. અસંગઠિત ક્ષેત્રમાં વેપારીઓ, ખેડૂત શાહુકારો, ધંધાકીય શાહુકારો, સગાંસંબંધીઓ વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે સરકાર, વેપારી બૅકો અને સહકારી મંડળીઓનો સમાવેશ સંગઠિત ક્ષેત્રમાં થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સંગઠિત ક્ષેત્રોનો ધિરાણમાં સાપેક્ષ રીતે ફાળો ક્રમશ: વધ્યો છે.
અસંગઠિત ક્ષેત્ર : કુલ ધિરાણમાં શાહુકારોનો ફાળો ઈ. સ. 1951માં 71.6 % જેટલો હતો, 1981માં તે 16.9 % થયો હતો. તેઓ ખેડૂતોને ઉત્પાદક અને અનુત્પાદક – એમ બંને હેતુઓ માટે ધિરાણ આપે છે. ખેડૂતો એમની પાસેથી ધિરાણ સરળતાથી મેળવી શકે છે અને તેમાં ગુપ્તતા પણ રહે છે; પરંતુ ઊંચું વ્યાજ અને હિસાબોમાં ગોલમાલ દ્વારા ખેડૂતોનું શોષણ થાય છે. શોષણ અટકાવવા કાયદાકીય પગલાં ભરવામાં આવ્યાં છે; દા. ત., શાહુકારોએ પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવવું પડે છે. લાઇસન્સ મેળવવું પડે છે, હિસાબો ઑડિટ કરાવવા પડે છે અને ધિરાણ આપ્યાની તેમજ પરત આવ્યાની રસીદો આપવી પડે છે. તેઓ નિયત વ્યાજથી વધુ વ્યાજ લઈ શકતા નથી. સરકારે ખેડૂતોનાં જૂનાં દેવાં માંડી વાળવા માટે વખતોવખત પંચો નીમ્યાં છે. ઋણરાહતના કાયદાઓ પસાર કરી ખેડૂતોને દેવામાં રાહત અપાવી છે. વીસસૂત્રી કાર્યક્રમ હેઠળ ખેડૂતોને કેટલાંક રાજ્યોમાં શાહુકારોનાં દેવાંમાંથી કાયદેસરની મુક્તિ મળી હતી.
સંગઠિત ક્ષેત્ર : સંગઠિત ક્ષેત્રે સરકાર ખેડૂતોને જે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપે છે તેને તગાવી તરીકે ઓળખવામાં આવે છે. ખેતીક્ષેત્રે થતા કુલ ધિરાણમાં તેનું અલ્પ પ્રમાણ છે. સરકારી તંત્રની વહીવટી મર્યાદાઓને કારણે અને વસૂલાત-સમયે કડક પગલાં લેવાતાં હોવાને કારણે તે લોકપ્રિય બની શકી નથી. તેથી જ અખિલ ભારતીય ગ્રામધિરાણ તપાસ-સમિતિએ પૂર, દુષ્કાળ કે અન્ય કુદરતી આફતોને પહોંચી વળવાના હેતુઓ માટે સરકારે તગાવી અને તેની સમકક્ષ લોનો આપવા ભલામણ કરી હતી.
દેશમાં વેપારી બૅંકો તેમના આરંભથી શરૂ કરીને 1969માં તેમનામાંથી 14 મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યાં સુધી ખેતીના ક્ષેત્રને ધિરાણ આપવાથી બૅંકો મહદંશે દૂર રહી હતી. વેપારી બૅંકો મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં જ કામ કરતી હતી. વળી ખેડૂતો પાસે ધિરાણની સામે તારણમાં મૂકવા યોગ્ય જામીનગીરીઓ પણ ન હતી. આમ અનેક કારણોસર બૅંકો કૃષિક્ષેત્રને અલ્પ ધિરાણ આપતી હતી. આ ખામીને દૂર કરવા 1967માં તેમના ઉપર સામાજિક અંકુશો દાખલ કરવામાં આવ્યા હતા. તેને પરિણામે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓ 1962માં 159 હતી તે વધીને 1969માં 1346 થઈ હતી. 19મી જુલાઈ, 1969માં 14 મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1972થી વ્યાજના વિભિન્ન દરની યોજના અમલમાં મૂકી નબળા ઋણકર્તાઓને વ્યાજના નીચા દરે ધિરાણ આપવાનું શરૂ કરવામાં આવ્યું. તેનો લાભ 22 લાખ ઋણકર્તાઓએ લીધો હતો. જૂન, 1989 સુધીમાં બૅંકોની કુલ શાખાઓ 51,385 થઈ હતી તેમાંથી 30,177 અર્થાત્ 57.7 % શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં હતી. આમ, વેપારી બૅંકોનો કૃષિ તરફનો ઝોક વધતાં કૃષિક્ષેત્રે ધિરાણ વધ્યું છે. જૂન, 1969માં તેમણે કૃષિક્ષેત્રે કરેલું ધિરાણ માત્ર રૂ. 54 કરોડ હતું તે વધીને જૂન, 1989માં રૂ. 30,548 કરોડ થયું હતું. વેપારી બૅંકોએ આપેલાં ધિરાણોની મહદંશે સમયસર પરત ચુકવણી થતી નથી તે એક સમસ્યા છે. વેપારી બૅંકોએ આપેલાં ધિરાણોમાં લગભગ 42 % ધિરાણો. 1994માં મુદત વીતી ગઈ હોવા છતાં તેમની ચુકવણી થઈ ન હતી.
સહકારી ધિરાણ મંડળીઓનો ફાળો પણ કૃષિધિરાણમાં વધી રહ્યો છે. તેમનો ઉદ્દેશ કૃષિક્ષેત્રે સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવાનો છે. કૃષિક્ષેત્રે ધિરાણ કરતી મંડળીઓ અને બૅંકોમાં પ્રાથમિક (ખેતીવિષયક) ધિરાણ મંડળીઓ, કો-ઑપરેટિવ સેન્ટ્રલ બૅંકો (જે મધ્યસ્થ જિલ્લા સહકારી બૅંકો તરીકે ઓળખાય છે.), રાજ્ય સહકારી બૅંકો અને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડતી જમીન ગીરો બૅંકો(જે જમીન વિકાસ બૅંકો તરીકે ઓળખાય છે)નો સમાવેશ થાય છે. આ સર્વેમાં રાજ્ય સહકારી બૅક ‘શિખર બૅંક’ તરીકે ઓળખાય છે.
પ્રાથમિક મંડળીઓ તેમના સભ્યોને ઉત્પાદક હેતુ માટે તેમજ કેટલીક વાર શાહુકારોનું દેવું ભરપાઈ કરવા માટે ધિરાણ કરે છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંકો પ્રાથમિક સહકારી બૅંકોને ખેતીના હેતુ માટે ધિરાણ કરે છે. રાજ્ય સહકારી બૅંકો રિઝર્વ બૅંક અને કો-ઑપરેટિવ બૅંકો વચ્ચે કડી સમાન છે.
સહકારી મંડળીઓની મર્યાદાઓ પણ છતી થઈ છે. તેમાં પૈસાદાર ખેડૂતો ધિરાણનો મોટો ભાગ મેળવી લેતા હોય છે. ધિરાણનો ઉપયોગ બિનઉત્પાદક હેતુઓ માટે થતો હોય છે. વળી સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતાં ધિરાણોની મુદત વીતી જાય પછી પણ પરત ચુકવણી થતી નથી તે સહકારી ધિરાણની એક મોટી સમસ્યા છે. પરિણામે તેમની ધિરાણ આપવાની શક્તિમાં ઘટાડો થાય છે.
આમ છતાં, સહકારી સંસ્થાઓ અને બૅંકોએ આપેલાં ધિરાણો 1994–95માં રૂ. 21,113 કરોડ હતાં. 1995–96 માટેનો લક્ષ્યાંક રૂ. 26,450 કરોડનો હતો. આ પૈકી ટૂંકા ગાળાનાં સંગઠિત ક્ષેત્રનાં ધિરાણોમાં સહકારી સંસ્થાઓનો હિસ્સો 67 % હતો, વેપારી બૅંકોનો હિસ્સો 28 % હતો અને પ્રાદેશિક ગ્રામીણ બૅંકોનો હિસ્સો માત્ર 5 % હતો.
મધ્યમ અને લાંબા ગાળાનાં ધિરાણોમાં સહકારી સંસ્થાઓનો હિસ્સો 36 % હતો, વેપારી બૅંકોનો હિસ્સો 57 % હતો જ્યારે પ્રાદેશિક ગ્રામીણ બૅંકોનો હિસ્સો 7 % હતો. ટૂંકા ગાળાના ધિરાણ માટે પ્રાથમિક સહકારી મંડળીઓની સંખ્યા 88,000 છે અને લાંબા ગાળાનું ધિરાણ આપતી પ્રાથમિક સહકારી મંડળીઓ 2,258 છે.
સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા : કૃષિધિરાણક્ષેત્રે સ્ટેટ બૅંક ગ્રામીણ ક્ષેત્રે ધિરાણ કરતી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થાય છે. સહકારી વેચાણ અને પ્રક્રિયા મંડળીઓને તે ધિરાણ પૂરું પાડે છે. તેમજ ગોદામોની યોજનાને મદદરૂપ થાય છે. અમુક પસંદગીના વિસ્તારોમાં ‘રૂરલ પાઇલટ સેન્ટર’ યોજના શરૂ કરી છે. ‘ગ્રામ દત્તક અભિગમ’ શરૂ કરીને દત્તક લીધેલા ગામના બધા જ ખેડૂતો પગભર થઈ શકે તેવા ખેડૂતોને તેમની પાસેની જમીનને ધ્યાનમાં લીધા વિના, મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા : રિઝર્વ બૅક કૃષિક્ષેત્રને સ્ટેટ બૅંક અને રાજ્ય સહકારી બૅંકો દ્વારા પરોક્ષ રીતે ધિરાણ પહોંચાડે છે. ખેતીવિષયક બિલોના પુનર્વટાવ દ્વારા, સરકારી જામીનગીરીઓ સામે, ગોદામોમાં સંગૃહીત માલની રસીદ સામે બૅંકદર કરતાં બે ટકા ઓછા દરે તે ટૂંકા ગાળાનું ધિરાણ કરે છે. 1953 પછી જમીનનું નવસાધ્યીકરણ, પાળાનું બાંધકામ, નાની સિંચાઈની જાળવણી, મશીનરીની ખરીદી વગેરે માટે એકથી પાંચ વર્ષની મુદત માટે મધ્યમ ગાળાનું ધિરાણ બૅંકરેટથી દોઢ ટકા ઓછા દરે કરે છે. વળી નાના અને મધ્યમ ખેડૂતોને રાજ્ય સહકારી બૅંક મારફતે સહકારી ખાંડના કારખાનાની શૅર-મૂડી ખરીદવા માટે પણ મદદ આપવાનું તેણે શરૂ કર્યું છે. લાંબા ગાળાનું ધિરાણ કરવાના ઉદ્દેશથી જમીનવિકાસ બૅંકોનાં ડિબેન્ચરો તે ખરીદે છે. આ માટે 1955માં ‘નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ લૉગ ટર્મ ઑપરેશન ફંડ’ની રચના કરવામાં આવી હતી. વળી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓને સમયે રાજ્ય સહકારી બૅંકોના ટૂંકા ગાળાના ધિરાણને મધ્યમ ગાળાનાં ધિરાણોમાં રૂપાન્તરિત કરવામાં મદદરૂપ થવા નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ (સ્ટેબિલાઇઝેશન) ફંડની રચના કરવામાં આવી હતી.
1લી જુલાઈ, 1963માં ‘ધી ઍગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ કૉર્પોરેશન’ની સ્થાપના કરવામાં આવી હતી. 1975થી તેનું નામ ‘ઍગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન’ કરવામાં આવ્યું, જે ડેરી-ફાર્મિંગ, પોલ્ટ્રી-ફાર્મિંગ વગેરેના વિકાસ માટે તેમજ ખેતીનું યંત્રીકરણ કરવા માટે ઓજારો ખરીદવા, જમીનના નવસાધ્યીકરણ તથા સિંચાઈની પ્રાપ્ય સવલતોનો પૂર્ણ ઉપયોગ કરવાની સગવડો ઊભી કરવા માટે નાણાં ધીરે છે. કૉર્પોરેશન ખૂબ નીચા વ્યાજના દરે રૂ. 50 લાખ સુધીનું ધિરાણ 25 વર્ષ માટે અને અપવાદરૂપ કિસ્સાઓમાં 40 વર્ષ માટે આપે છે.
1969માં આર. જી. સરૈયાના અધ્યક્ષપદે બૅકિંગ કમિશન નિમાયું હતું. તેણે પ્રાદેશિક ગ્રામબૅંકોની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું. 1975માં શ્રી એમ. નરસિંહમ્ના અધ્યક્ષપદે નીમેલા વર્કિંગ ગ્રૂપની ભલામણથી તેનો અમલ થયો. ગ્રામ અર્થતંત્રના વિકાસ માટેના એજન્ટ તરીકે પ્રાદેશિક ગ્રામબૅંકોની સ્થાપનાનો ઉદ્દેશ ભૌગોલિક અને ભિન્ન ભિન્ન સામાજિક આર્થિક પરિસ્થિતિ ધરાવતી ગ્રામીણ પ્રજાની ધિરાણ અંગેની વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષવાનો, નાના અને સીમાંત ખેડૂતો, ભૂમિહીન ખેડૂતો અને નાના કારીગરો વગેરેની ધિરાણની તથા અન્ય જરૂરિયાતો સંતોષવાનો હતો. કેટલીક મર્યાદાઓ છતાં ગ્રામબૅંકો ધિરાણપ્રવાહના જથ્થા અને ગુણવત્તામાં તથા ગ્રામીણ પ્રજામાં બૅકિંગની ટેવો કેળવવામાં સારો ફાળો આપી શકી છે. સમગ્ર દેશમાં 365 જેટલા જિલ્લાઓમાં તે કામગીરી બજાવે છે અને 92 % ધિરાણ નબળા વર્ગોને આપે છે. તેમની 90 % શાખાઓ બિનબૅંક વિસ્તારોમાં છે, તેથી તે ખોટ કરે તે સ્વાભાવિક છે.
કૃષિ અને ગ્રામવિકાસ માટેની રાષ્ટ્રીય બૅંક ‘નાબાર્ડ National Bank for Agricultural and Rural Development (NABARD)’: વિવિધ સ્તરે થતાં ધિરાણના સંકલન માટે રિઝર્વ બૅંકના આશ્રયે એક નવી સંસ્થાની જરૂર છે તેવી શિવરામનના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિની ભલામણથી 12મી જુલાઈ, 1982થી કૃષિ અને ગ્રામવિકાસ માટેની રાષ્ટ્રીય બૅંક અસ્તિત્વમાં આવી. ગ્રામધિરાણની જવાબદારી રિઝર્વ બૅંક અને ઍગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની હતી તે જવાબદારી ‘નાબાર્ડ’ને સોંપવામાં આવી છે. તેણે રિઝર્વ બૅંકનાં નિયંત્રણો અને નિર્દેશનોને ધ્યાનમાં રાખીને કામગીરી બજાવવાની હોય છે.
‘નાબાર્ડ’ ને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં ખેતી, ખેતીને આનુષંગિક પ્રવૃત્તિઓ, ગ્રામકારીગરો અને ઉદ્યોગો, ગ્રામવિકાસ પ્રવૃત્તિઓ માટે ધિરાણ સંબંધી આયોજન, તે સંબંધી તાલીમ, સંશોધન અને સલાહનું કાર્ય, સહકારી સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામબૅંકોને પુનર્ધિરાણ તથા તેમનું ઇન્સ્પેક્શન, મુદતી ધિરાણ સામે વેપારી બૅંકોને પુનર્ધિરાણ વગેરેનો સમાવેશ થાય છે. એ અર્થમાં નાબાર્ડ તે ક્ષેત્રમાં શિખર સંસ્થા છે.
આ ઉપરાંત કૃષિક્ષેત્રે સંસ્થાકીય ધિરાણના વિસ્તરણ માટે તાજેતરનાં વર્ષો દરમિયાન (2004–2013) ભારત સરકારે કેટલાંક નોંધપાત્ર પગલાં લીધાં છે જેમાં નાના અને સીમાંત ખેડૂતોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે : (1) વર્ષ 2004માં એક ખાસ ધિરાણ પૅકેજની જાહેરાત કરવામાં આવી. તેમાં તે પછીનાં ત્રણ વર્ષોમાં કૃષિધિરાણ બમણું કરવાની નેમ રાખવામાં આવી હતી. વર્ષ 2012-13માં કૃષિ ધિરાણના કદનું લક્ષ્યાંક રૂ. 5,75,000 કરોડ તથા વર્ષ 2013-14 માટેનું લક્ષ્યાંક રૂ. 7,00,000 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તેની સામે માર્ચ, 2013ના અંત સુધી રૂ. 6,07,375 કરોડ ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું. (2) કૃષિધિરાણની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની સલાહ સરકારે બૅંકોને આપી હતી. (3) સંયુક્ત જવાબદારી ધરાવતા જૂથો (Joint Liability Groups) તથા ટેનન્ટ ફાર્મર્સ જૂથો(Tenent Farmers Groups)ની ધિરાણ જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવાની સલાહ પણ બૅંકોને આપવામાં આવી હતી. (4) બૅંકોને એવી પણ સલાહ આપવામાં આવી કે રૂ. 25,000 સુધીના કૃષિધિરાણ માટે તારણની ગુણવત્તા પર તથા તેના અંતિમ ઉપયોગ પર વિશેષ ભાર મૂકવો નહિ અને તે મુજબ જનરલ ક્રૅડિટ કાર્ડ ખેડૂતોને આપવાં (5) કોલૅટરલ ફી ફાર્મ લોનની મર્યાદા રૂ. 50,000ને બદલે રૂ. 1,00,000 લાખ રાખવી.
ઉપર દર્શાવેલ પગલાંઓ ઉપરાંત વર્ષ 1998-99માં કિસાનો માટે ‘કિસાન ક્રૅડિટ કાર્ડ્સ’ની યોજના દાખલ કરવામાં આવી(KCC) જેના દ્વારા ખેડૂતો સમયસર અને પ્રમાણમાં કૃષિધિરાણ પ્રાપ્ત કરી શકે.
વર્ષ 2006–07થી જરૂરિયાતમંદ ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું કૃષિ ધિરાણ 7 ટકા વ્યાજના દરે પૂરું પાડવામાં આવે છે, જે ખેડૂતો તેમણે લીધેલ લોનની રકમની ભરપાઈ સમયસર કરશે તેમને વ્યાજના દરમાં વિશેષ રાહત આપવામાં આવશે.
વર્ષ 1999–2000થી નૅશનલ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્યોરન્સ સ્કીમ (NAIS) નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની હેઠળ કૃષિક્ષેત્રને સ્વરૂપગત રીતે સહન કરવા પડતા જોખમો સામે વીમાનું કવચ આપવામાં આવ્યું (NAIS); દા. ત., દુકાળ, પૂર, આગ, રોગરાઈ, જીવાત (pasts) ઇત્યાદિ. હાલ વીમાની આ યોજનાનો અમલ દેશનાં 24 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યો છે. વર્ષ 1999–2000થી 2012–2013 દરમિયાન 2075 લાખ ખેડૂતોને આ યોજના હસ્તક આવરી લેવામાં આવ્યા છે.
ઉપર દર્શાવેલ વિગતો સાબિત કરે છે કે ખેતધિરાણક્ષેત્રે દેશમાં નોંધપાત્ર પ્રગતિ સાધવામાં આવી છે.
મદનમોહન વૈષ્ણવ