ધિલ્લોં, જર્નેલસિંઘ

March, 2016

ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં થઈ ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. 1957માં દિલ્હીમાં આયોજિત ડી. સી. એમ. ફૂટબૉલ પ્રતિયોગિતામાં એમણે ભાગ લીધો. આ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ દેખાવને આધારે કૉલકાતાની ફૂટબૉલ માટે જાણીતી મોહન બાગાન ક્લબે તેમની પસંદગી કરી. 1958માં બી.એ. ની પરીક્ષા પાસ કરી 1959માં તેઓ મોહન બાગાન કલબમાં જોડાયા અને ત્યારથી તેઓ ભારતીય ફૂટબૉલ ટીમનું એક અભિન્ન અંગ બની ગયા. 1961થી 1967 દરમિયાન તેમણે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. 1961માં તેઓ મોહન બાગાનની ટીમ સાથે પૂર્વ આફ્રિકા રમવા માટે ગયા. 1962માં જકાર્તામાં આયોજિત એશિયાઈ રમતોત્સવમાં ભારતે ફૂટબૉલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો, તેમાં એમનો મહત્વનો ફાળો હતો. 1961થી 1967 સુધી સતત આંતરરાષ્ટ્રીય સ્તરે મર્ડેકા કપમાં જર્નેલસિંઘે ભાગ લીધો, જેમાં 1963માં અને 1965માં ભારતે ત્રીજું સ્થાન અને 1964માં બીજું સ્થાન મેળવ્યું. 1964માં ઇઝરાયલમાં આયોજિત એશિયાઈ ફૂટબૉલ કપસ્પર્ધામાં ભાગ લીધો જેમાં ભારતે બીજું સ્થાન મેળવ્યું. ફૂટબૉલમાં તેમના શ્રેષ્ઠ દેખાવ બદલ 1964માં ભારત સરકાર દ્વારા રમતગમત-ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રભુદયાલ શર્મા