ધિંગરા (ઢિંગરા), મદનલાલ (જ. 1887, અમૃતસર; અ. 17 ઑક્ટોબર 1909, લંડન) : ભારતના એક અગ્રણી ક્રાંતિકારી દેશભક્ત. પંજાબના ધનિક અને સન્માનનીય કુટુંબમાં જન્મ. પિતા ડૉકટર તથા મોટા ભાઈ વકીલ હતા. 1906માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી સંસ્થામાં દાખલ થયા. ખુદીરામ બોઝ (1889–1908) જેવા ક્રાંતિકારીઓનાં સાહસિક કૃત્યોથી પ્રભાવિત થયા.
ઇંગ્લૅન્ડમાં ભારતની આઝાદીની લડત ચલાવતા શ્યામજી કૃષ્ણ વર્મા (1857–1939), લાલા હરદયાલ (1884–1939) તથા વીર સાવરકર(1883–1966)ના વ્યક્તિગત સંપર્કમાં આવ્યા. ઇન્ડિયન હોમરૂલ સોસાયટી જેવી ભારતની આઝાદીની ઝુંબેશ ચલાવતી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં તે રસ લેતા થયા. સશસ્ત્ર ક્રાંતિનો પહેલો પાઠ વીર સાવરકર પાસેથી શીખ્યા અને તેમની મદદથી રિવૉલ્વર તથા પિસ્તોલ ખરીદી નિશાનબાજીની તાલીમ લીધી. બધા બ્રિટિશ અમલદારો ભારતની આઝાદીના શત્રુઓ છે તેવો વિચાર મનમાં ર્દઢ થતાં બ્રિટિશ અમલદારોમાંથી કોઈકને નિશાન બનાવવાનો નિશ્ચિય કર્યો. 1 જુલાઈ, 1909ના રોજ ઇમ્પીરિયલ ઇન્સ્ટિટ્યૂટના જહાંગીર હાઉસમાં યોજાયેલ એક સભામાં તે વખતના સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયાના સલાહકાર સર કર્ઝન વાયલી હાજર રહ્યા હતા તેનો લાભ લઈ મદનલાલે તેમની પર ગોળી છોડી જેમાં વાયલી સાથે એક ભારતીય ડૉક્ટર કાવસ લાલકાકા પણ ઝડપાયા. આ બંનેના ખૂનના આરોપસર લંડનની ઓલ્ડ બેલી સેશન્સ કોર્ટમાં તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ન્યાયાધીશે ફાંસીની સજાનો ચુકાદો આપ્યો ત્યારે તેણે જણાવ્યું, ‘મારા દેશ માટે, મારું જીવન ન્યોછાવર કરવાનું માન મને મળ્યું, તેનું મને ગૌરવ છે. સંપત્તિ અને બુદ્ધિપ્રતિભામાં ગરીબ હોવા છતાં માતૃભૂમિ માટે સમર્પણ કરવા મારી પાસે મારા જીવન સિવાય બીજું કંઈ નથી. તેથી તેની વેદી ઉપર મારું જીવન સમર્પણ કરું છું.’ અને 17 ઑગસ્ટ, 1909ના રોજ મદનલાલને પેન્ટોનવિલ કારાવાસમાં ફાંસીને માંચડે ચઢાવવામાં આવ્યા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે