ધાર : મધ્યપ્રદેશનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 8,153 ચોકિમી. તથા કુલ વસ્તી 21,84,672 (2011) છે. વસ્તીમાં આશરે 94 % હિંદુ, આશરે 5 % મુસલમાન, 0.98 % જૈન, 0.06 % શીખ, 0.06 % ખ્રિસ્તી તથા 0.01 % અન્યનો સમાવેશ થાય છે.

અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાંથી કેટલાક નગર-વિસ્તારમાં તથા બાકીના ગ્રામવિસ્તારમાં વસે છે. જિલ્લામાં વાર્ષિક સરેરાશ વરસાદ આશરે 850 મિમી. પડે છે. જિલ્લાની આબોહવા સૂકી પરંતુ સ્વાસ્થ્યપ્રદ છે. ગ્રામવિસ્તારના મોટાભાગના લોકો ખેતી કરે છે. ઘઉં, સોયાબીન અને ચણા મુખ્ય પેદાશો છે. જિલ્લામાં ધાર શહેર ખેતીની પેદાશોનું મહત્વનું બજાર છે. જિલ્લામાં કૉલેજો તથા ટેકનિકલ  સ્કૂલ છે. ધારથી 38 કિમી.ને અંતરે સુપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ માંડવગઢ છે, ત્યાંના રૂપમતી મહેલ પરથી નર્મદા નદીનાં દર્શન થાય છે.

જિલ્લાનું વહીવટી મથક ધાર (સ્થાન : 22° 36´ ઉ. અ. અને 75° 18´ પૂ. રે.) આશરે એક લાખની વસ્તીવાળું એકમાત્ર શહેર છે. તે વિંધ્યાચળ પર્વતની ઉત્તર કિનારી પર સમુદ્રસપાટીથી 582 મી. ઊંચાઈ પર વસેલું છે. ભૂતકાળમાં તે ધારાનગરી નામથી ઓળખાતું હતું. ટેકરીઓથી ઘેરાયેલા આ નગરની આજુબાજુમાં વિવિધ પ્રકારની વનસ્પતિ થાય છે. અહીં ત્રણ સરોવરો છે, જે તેના નૈસર્ગિક સૌંદર્યમાં વધારો કરે છે.

શહેરની બહાર 1405માં દિલાવરખાન ઘોરીએ હિંદુ મંદિરોનાં પાષાણોથી બનાવેલી લાટ મસ્જિદ છે, જેના ઉત્તર તથા પૂર્વ તરફના દરવાજા પર બે ફારસી શિલાલેખો છે. નગરના ઉત્તર તરફના ટેકરા પર ચૌદમી સદીમાં મહમ્મદ તઘલખે બાંધેલો સુંદર દુર્ગ છે. આ દુર્ગમાં જ બાજીરાવ બીજાનો જન્મ થયો હતો. તે ઉપરાંત પર્યટકો માટે ભોજશાળા, ધારેશ્વરનું મંદિર, નગરની બહાર ઊંચી ટેકરી પરનું કાલિકા માતાનું મંદિર, નિત્યાનંદ આશ્રમ અને અખંડ આશ્રમ છે. શહેરની નજીકમાં પ્રસિદ્ધ બાઘ ગુફાઓ આવેલી છે, ત્યાંનું કોતરકામ જાણીતું છે. ધાર શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાઓનું અનુસ્નાતક સુધીનું શિક્ષણકાર્ય કરતું મહાવિદ્યાલય તથા ટેકનિકલ સ્કૂલ છે. ઉપરાંત, શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપતું અલાયદું વિદ્યાલય પણ છે.

અગિયારમી સદીમાં આ શહેર પર પરમારવંશી રાજા ભોજનું શાસન હતું. ચૌદમી સદીમાં તે મુસલમાન શાસકોના કબજામાં હતું. 1730–1948 દરમિયાન તેના પર મરાઠા શાસકોની સત્તા હતી. આઝાદી પછી  1948માં દેશી રિયાસતોના મધ્યભારતમાં રિયાસતી સંઘની સ્થાપના થઈ ત્યારે ધાર રિયાસત પણ તેમાં સામેલ થયેલ. વિખ્યાત શિલ્પકાર આર. કે. ફડકેએ ધારને તેમની કર્મભૂમિ બનાવી હતી, જ્યાં તેમનાં શિલ્પોનું સંગ્રહાલય પણ આવેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે