ધામેક સ્તૂપ, સારનાથ

March, 2016

ધામેક સ્તૂપ, સારનાથ : સારનાથના સંકુલમાં અગ્નિખૂણે આવેલો ખંડિત છતાં જાજરમાન સ્તૂપ. 12.7 મી.ના આ દ્વિસ્તરીય સુર્દઢ સ્તૂપની બનાવટમાં નીચેના સ્તરમાં  પથ્થરનાં ચોસલાંનો તથા તેનાથી ઉપરના નાના વ્યાસવાળા સ્તરમાં પથ્થરનાં ચોસલાં સાથે ઈંટોનો ઉપયોગ થયો છે. આ નળાકાર સ્તૂપના નીચેના સ્તરમાં થોડી બહાર નીકળતી આઠ સપાટીઓ છે. તે પ્રત્યેકમાં ગોખ છે. આ ગોખમાં એક સમયે મૂર્તિઓ હતી. ગુપ્તયુગના આ સ્તૂપની નીચેના ભાગમાં ફરતે ફૂલપત્તીની ભાતની કોતરણી પણ છે. આ સ્તૂપનું ‘ધામેક’ નામ સંસ્કૃત શબ્દ ‘ધર્મેક્ષ’ પરથી આપ્યું હશે. ધામેક સ્તૂપની રચના ચોક્કસ ક્યારે થઈ હશે તે વિશે મતમતાંતરો પ્રવર્તે છે પરંતુ તેની ટોચથી 0.914 મી. નીચે મળી આવેલ શિલા પરના લખાણથી એમ મનાય કે તે છઠ્ઠી સદીથી પ્રાચીન નહિ હોય.

હેમંત વાળા