ધારી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. નગરનું સ્થાન 21° 20´ ઉ. અ. અને  71° 01´ પૂ. રે. છે. તથા તાલુકાનું સ્થાન આશરે 21° થી 21° 30´ ઉ. અ. અને 71° થી 71° 05´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 1092 ચોકિમી. છે. તાલુકામાં ધારી અને ચલાળા એ નગરો છે, તેમજ 84 ગામો છે. ધારીની ઉત્તરે અમરેલી તાલુકો, દક્ષિણે ખાંભા તાલુકો, પૂર્વ તરફ ભાવનગર જિલ્લો અને પશ્ચિમે જૂનાગઢ જિલ્લો આવેલા છે.

ધારી તાલુકાનો મોટો ભાગ ડુંગરાળ છે. ગીરની સાકરલા, રોજમાળ વગેરે ડુંગરમાળા તથા 14.4 કિમી. લાંબી ‘ઝર’ તરીકે ઓળખાતી નીચા ડુંગરોની હારમાળા અહીં પથરાયેલી છે. ખીણોનો પ્રદેશ સપાટ અને ફળદ્રૂપ છે. અહીંની જમીન ડેક્કન ટ્રૅપ ખડકોના ખવાણને કારણે કાળી અને મધ્યમ કાળી બનેલી છે. તાલુકાની મુખ્ય નદી શેત્રુંજી છે. ગીરના ઢૂંઢા ડુંગરમાંથી નીકળી ઉત્તર તરફ ધારી પાસે થઈને તે ભાવનગર જિલ્લામાં પ્રવેશે છે. બીજી નદી સાતલ્લી છે.

આ તાલુકો સમુદ્રથી દૂર છે. તેથી ઉનાળા દરમિયાનનું સૌથી વધુ તાપમાન 43.6° સે. અને સૌથી ઓછું તાપમાન 22.1° સે. રહે છે. જ્યારે શિયાળા દરમિયાનનું સૌથી  વધુ તાપમાન 33° સે. અને સૌથી ઓછું તાપમાન 7°થી 6° સે. રહે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 500 મિમી. છે; પરંતુ ધારી તાલુકામાં 88–89ના વર્ષમાં 680 મિમી. વરસાદ પડેલો. વરસાદના દિવસોની સંખ્યા 44 જેટલી રહે છે.

શેત્રુંજી નદી પરનો ખોડિયાર બંધ, ધારી

અમરેલી જિલ્લામાં આવેલાં 250 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલાં જંગલો પૈકી 116.62 ચોકિમી. વિસ્તારનાં જંગલો ધારી તાલુકામાં છે. રસ્તા ઉપર અને નહેરોના કાંઠે વૃક્ષોનું વાવેતર થાય છે, જેમાં બાવળ,  ગોરડ, ખેર, કેરડો, ટીમરુ, ખાખરો, લીમડો, આંબલી, ધવ, અરડૂસો, સેમલ વગેરે વૃક્ષો મુખ્ય છે. જંગલી પશુઓમાં સિંહ, દીપડો, જરખ, નાર, શિયાળ, ભુંડ, સાંભર, ચીતળ, કાળિયાર, સસલાં વગેરે તેમજ પક્ષીઓમાં સારસ, સમડી, સુગરી, બગલો, બાજ, ઘુવડ, ચીબરી, હોલો, મોર, કાબર, પારેવાં, કાળો કોશી, લેલાં, કોયલ વગેરે જોવા મળે છે. આ તાલુકામાં ગીર ઓલાદની ગાય અને બળદ તેમજ જાફરાબાદી ભેંસો છે. ઘેટાંઉછેર કેન્દ્ર અને ઊન વિતરણ કેન્દ્ર પણ આવેલાં છે.

ખાણ-ઉદ્યોગમાં ચૂનાખડકો, રેતી, ઇમારતી પથ્થરો, મૂરમ વગેરેનો સમાવેશ થાય છે. આ તાલુકામાં 1,09,195 હેક્ટર જમીન છે. 77,668 હેક્ટરમાં વાવેતર થાય છે. ખાદ્ય પાકો 16,804 હેક્ટરમાં વવાય છે. તેનું પ્રમાણ 22.29 % છે. જુવાર, બાજરો, ઘઉં અને કઠોળ મુખ્ય પાકો છે.  51041 હેક્ટર (75.74 %) જમીનમાં અન્ય પાકો મગફળી (વિશેષ) કપાસ, તલ વગેરે વવાય છે. શેરડી, કેળાં અને કેરીનાં ફળો થાય છે. 5.31 % વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. 92.77 % વિસ્તારમાં કૂવા દ્વારા સિંચાઈ થાય છે. ધારીથી ચારેક કિમી. દૂર ખોડિયાર માતાના સ્થળ નજીક શેત્રુંજી નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાનાં શહેરો ધારી અને ચલાળામાં તેલની મિલો છે તથા ખેતીનાં ઓજારોનું સમારકામ કરાય છે. ચલાળામાં હાથસાળ કાપડ તૈયાર થાય છે. 1991માં તાલુકાની 1,44,232 વસ્તી હતી, જ્યારે ધારીની વસ્તી 22,460 અને  ચલાળાની વસ્તી 16,192 હતી. તાલુકાની શહેરી વસ્તી 38,652 અને ગ્રામીણ વસ્તી 1,05,580 હતી. આ બંને શહેરો વેપારનાં કેન્દ્રો છે.

તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. અહીં ગ્રંથાલયો, વાચનાલયો અને પ્રૌઢશિક્ષણકેન્દ્રો આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર