ધારિયા, મોહન માણિકચંદ (જ. 14 ફેબ્રુઆરી 1925, નાતે, જિ. રાયગઢ; અ. 14 ઑક્ટોબર 2013) : સ્વાતંત્ર્યસૈનિક, કેન્દ્ર-સરકારના માજી પ્રધાન, જાહેર કાર્યકર. જંજીરા રાજ્યનો કબજો બળજબરીથી લઈને 1948માં ભારતીય સંઘમાં તેનું વિલીનીકરણ કરનાર કામચલાઉ સરકારમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે 1962થી 1967 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે, 1964 થી 1971 સુધી રાજ્યસભાના તથા 1971થી 1979 સુધી લોકસભાના સભ્ય તરીકે કામ કર્યું. આ દરમિયાન 1971થી 1975 સુધી તેઓ ભારત સરકારના આયોજન, બાંધકામ, વસવાટ અને શહેરી વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અને 1977થી 1979 સુધી ભારત સરકારના વ્યાપાર, નાગરિક પુરવઠો તથા સહકાર ખાતાના પ્રધાન રહ્યા હતા. ભારત સ્વતંત્ર થયા પછીના રાજકીય સંઘર્ષોમાં ભાગ લઈને તેમણે 8 વાર કારાવાસ ભોગવ્યો હતો. તેઓ દેશના ‘યંગટર્ક’ તરીકે જાણીતા બનેલા ઉદ્દામ જૂથના એક સભ્ય હતા. દેશમાં અસાધારણ સ્થિતિ (કટોકટી) જાહેર થઈ ત્યારે તેમને મીસા હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. ઈ. સ. 1990-91 દરમિયાન તેઓ આયોજનપંચના ઉપાધ્યક્ષ હતા. તેમણે યુવાશક્તિ, બ્લડ-ડોનર્સ ઍસોસિયેશન, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ (પિમ્પરી) તથા ફૉરેસ્ટ ઍન્ડ યુકેલિપ્ટસ ગ્રોઅર્સ કો-ઑપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે અને ડેક્કન એજ્યુકેશન સોસાયટી, શિક્ષણ પ્રસારક મંડળી, ઇન્ડિયન લૉ સોસાયટી, ચિત્રકલા નિકેતન વગેરે સંસ્થાઓના સભ્ય તરીકે સેવાઓ આપી છે. તેમણે વ્યાપાર ખાતાના પ્રધાન તરીકે મનિલામાં મળેલ યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રસમૂહના દેશોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મરાઠીમાં પ્રગટ થતાં ‘લોકપ્રતિનિધિ’ અને ‘વનરાજ’ સામયિકોના સંપાદક તરીકે તેમણે કામ કર્યું છે. તેમણે ‘યહી જિંદગી’ ‘એફૉરેસ્ટેશન ઇન ઇન્ડિયા,’ ‘ફ્યૂમ્સ ઍન્ડ ફાયર’ વગેરે ગ્રંથો લખ્યા છે. તેઓ જુદી જુદી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર હતા. તેઓ ‘પદ્મવિભૂષણ’, ડી.લિટ્, યશવંતરાવ ચવાણ ઍવૉર્ડ, રાજીવ ગાંધી પર્યાવરણ રત્ન ઍવૉર્ડ, જીવન ગૌરવ ઍવૉર્ડ અને ડેવલપમેન્ટ જ્વેલ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.
નવનીત દવે