ધારક દીવાલ : બોજ વહન કરતી દીવાલ. માલસામાન, યંત્રસામગ્રી, છાપરું કે સ્લૅબ, બીમ, લાદી તેમજ અન્ય નિર્જીવ કે જીવંત બોજને પોતાના ઉપર ધારણ કરીને મકાનના પાયા દ્વારા તેને જમીન ઉપર પહોંચાડવાનું કાર્ય  ધારક દીવાલ કરે છે. જે દીવાલને પોતાના વજન સિવાયનો અન્ય મહત્વનો બોજ ધારણ કરવાનો નથી હોતો તેવી દીવાલને પડદી દીવાલ કહેવામાં આવે છે.

ધારક દીવાલના મુખ્યત્વે બે પ્રકાર છે : (1) શિરોલંબ (vertical) બોજ ધારણ કરતી દીવાલ, (2) સમક્ષિતિજ (horizontal) બોજ ધારણ કરતી દીવાલ. ધારક દીવાલોનું ચણતર જમીન ઉપર સુર્દઢ પાયો રચીને કરવામાં આવે છે.

શિરોલંબ બોજ ધારણ કરતી દીવાલો તેમજ સમક્ષિતિજ બોજ ધારણ કરતી દીવાલોમાં માટીની પકવેલી ઈંટો, પથ્થરો, રેતી-ચૂનાની ઈંટ, પોલાં તથા ઘન કૉક્રીટના બ્લૉક, પોલી ઈંટો, કૉંક્રીટ કે પ્રબલિત કૉંક્રીટનો ઉપયોગ થઈ શકે છે.

દીવાલ ઉપર બોજ સમાન રીતે પથરાયેલો હોય તો દીવાલની ક્ષમતામાં વધારો થાય છે. તિર્યક અથવા ઉત્કેન્દ્રી (eccentric) બોજ દીવાલને નબળી બનાવે છે.

ધારક દીવાલોની ઊંચાઈ જેમ વધારે તેમ તેની જાડાઈ વધારવી પડે છે. ઊંચાઈ : જાડાઈ ગુણોત્તર જેમ વધુ તેમ દીવાલની બોજ ધારણ કરવાની શક્તિમાં ઘટાડો થતો જાય. દીવાલની ઊંચાઈ 3 મી. હોય અને ઈંટના ચણતરમાં 1 : 6 સિમેન્ટ-રેતીનું પ્રમાણ વાપર્યું હોય તો 1 ઈંટ જાડી (230 મિમી.) દીવાલ ચણવામાં આવે છે, જ્યારે 3 મી. અને 4.5 મી. વચ્ચેની ઊંચાઈ માટે 1½ ઈંટ(350 મિમી.)ની દીવાલ યોગ્ય ગણાય છે. સામાન્ય વપરાશમાં લેવાતી આવી ઈંટનું માપ 9 ઇંચ x 4½ ઇંચ x 2½ ઇંચ અથવા 20 સેમી. x 10 સેમી. x 5 સેમી. હોય છે.

વિવિધ ઊંચાઈ પ્રમાણેની ધારક દીવાલની આવાસી મકાનો માટેની જાડાઈ સારણી 1માં દર્શાવેલ છે.

સારણી 1

પ્લિંથ ઉપર

દીવાલની ઊંચાઈ

દીવાલની

લંબાઈ

દીવાલની જાડાઈ

(1:6 સિમેન્ટ-રેતીના માલ માટે)

3 મી. સુધી કોઈ પણ 1 ઈંટ જાડાઈ
3 મી.થી 4.5 સુધી કોઈ પણ નીચેથી 2.5 મી. સુધી 1.5 ઈંટ અને

ત્યારબાદ ઉપર 1.0 ઈંટ

4.5 મી.થી 7.5 મી.

સુધી

9 મી.

સુધી

નીચેથી 3 મી. સુધી 1.5 ઈંટ

ત્યારબાદ ઉપર 1.0 ઈંટ

4.5 મી.થી 7.5 મી.

સુધી

9 મી.થી

વધુ

બે માળ માટે 1.5 ઈંટ પૂરી ઊંચાઈ

ઉપર અથવા એક માળ માટે

3.5 મી. ઊંચાઈ સુધી 2 ઈંટ અને

બાકીની ઊંચાઈ ઉપર 1.5 ઈંટ

7.5 મી.થી 9 મી.

સુધી

7.5 મી.

સુધી

પહેલા અને બીજા માળ સુધી 1.5 ઈંટ

અને પછીથી ઉપર 1.0 ઈંટ જાડાઈ

9 મી.થી 12 મી.

સુધી

10.5 મી.

સુધી

પહેલા માળે 2 ઈંટ, બીજા અને ત્રીજા

ત્રીજા માટે 1.5 ઈંટ, પછીથી

1 ઈંટ જાડાઈ

12 મી.થી 15 મી.

સુધી

7.5 મી.

સુધી

નીચેથી એક માળ સુધી 2 ઈંટ બીજા

અને ત્રીજા માળે 1.5 ઈંટ અને

બાકીની ઊંચાઈ માટે 1 ઈંટ જાડાઈ

15 મી.થી 18 મી.

સુધી

10.5 મી.

સુધી

નીચેથી પહેલા માળ સુધી 2.5 ઈંટ,

બીજા અને ત્રીજા માળે 2.0 ઈંટ અને

બાકીની ઊંચાઈ માટે 1.5 ઈંટ જાડાઈ

18 મી.થી 21 મી.

સુધી

12.0 મી.

સુધી

નીચેથી પહેલા અને બીજા માળ સુધી

માળ સુધી 2.5 ઈંટ, સૌથી ઉપરના

માળ સિવાયના અન્ય માળે 2.0 ઈંટ

અને સૌથી ઉપરના માળે 1 ઈંટ જાડાઈ

ઈંટની ધારક દીવાલ માટેની ન્યૂનતમ જાડાઈ સારણી 2માં દર્શાવેલ છે.

સારણી 2 : ઈંટની દીવાલની ઉચિત ન્યૂનતમ જાડાઈ (મિમી.)

માળની સંખ્યા માળ
1 2 3 4
1 200  –
2 200 200
3 200 200 200
4 300 200 200 200

ચાર માળથી વધુ ઊંચાં મકાન મોંઘાં પડે છે, કારણ કે દીવાલની જાડાઈ વધતાં, તેટલી ઊંચાઈ માટે માળખાગત બાંધકામ (framed-structure) સસ્તું પડે છે. જાહેર સંસ્થાઓ, કારખાનાં તથા ઔદ્યોગિક મકાનોની ઈંટોની દીવાલોની જાડાઈ નીચે સારણી 3માં દર્શાવેલ છે :

સારણી 3

દીવાલની ઊંચાઈ લંબાઈ દીવાલની જાડાઈ

(સિમેન્ટ-રેતીના

ચણતર માટે)

4.5 મી. સુધી કોઈ પણ 1.5 ઈંટ
4.5 મી.થી 7.5 મી. કોઈ પણ 1.5 ઈંટ
7.5 મી.થી 9.0 મી. 14 મી. સુધી 1.5 ઈંટ
14 મી.થી વધુ 2.0 ઈંટ
9 મી.થી 12 મી. 9 મી. સુધી 1.5 ઈંટ
9 મી.થી 14 મી. 2.0 ઈંટ
14 મી.થી 18 મી. 2.5 ઈંટ
18 મી.થી વધુ 2.5 ઈંટ
12 મી.થી 15 મી. 9 મી. સુધી 2.0 ઈંટ
9 મી.થી 18 મી. સુધી 2.5 ઈંટ
18 મી.થી વધુ 3.0 ઈંટ
15 મી.થી 18મી. 9 મી. સુધી 2.5 ઈંટ
9 મી.થી 14 મી. 3.0 ઈંટ

પાંચ માળથી આઠ માળના મકાનને બહુમાળી મકાન તથા આઠ માળથી વધુ ઊંચા મકાનને ગગનચુંબી (high rise) મકાન કહેવાય છે.

પ્રત્યેક માળના ગાળામાં દીવાલની જાડાઈ સામાન્ય રીતે એકસરખી રાખવામાં આવે છે. માળ બદલાતાં જાડાઈમાં જરૂરી ફેરફાર કરાય છે. બહારની બાજુની દીવાલમાં સામાન્ય રીતે બહાર તરફની સપાટી સમતલ રાખીને અંદરની બાજુએ ખાંચો પાડીને દીવાલની જાડાઈમાં ફેરફાર કરવામાં આવે છે. અંદરની દીવાલમાં ખાંચાઓ બંને તરફ સરખા અથવા જરૂરિયાત પ્રમાણે રાખી જાડાઈમાં ફેરફાર કરવાનું સામાન્ય ગણાય છે.

ધારક દીવાલની શિરોલંબ બોજધારક ક્ષમતા (load carrying capacity) ઈંટ કે પથ્થરની ગુણવત્તા, તેની દાબધારક શક્તિ (compressive strength), સિમેન્ટ-રેતી કે સિમેન્ટ-ચૂનો-રેતીનું પ્રમાણ તેમજ દીવાલની અસરકારક (effective) ઊંચાઈ-જાડાઈના ગુણોત્તર ઉપર અવલંબિત છે.

ભારતમાં ઈંટની ધારક શક્તિ વિવિધ સ્થળોએ માટી પ્રમાણે જુદી જુદી હોય છે. 10 ન્યૂ/ચોમિમી. દાબશક્તિ ધરાવતી ઈંટો ઓછી શક્તિવાળી ગણાય છે. જ્યારે 20થી 35 ન્યૂ/ચોમિમી. દાબશક્તિ ધરાવતી ઈંટો મધ્યમ શક્તિની ગણાય છે અને 50 ન્યૂ/ચોમિમી. દાબશક્તિ ધરાવતી ઈંટો ઉચ્ચશક્તિની ઈંટો ગણાય છે.

દીવાલની ધારકશક્તિ, ચણતરનો માલ તથા ઈંટની દાબશક્તિ વચ્ચેનો સંબંધ સારણી 4માં દર્શાવેલ છે :

સારણી 4 : દીવાલની ધારકશક્તિ (28 દિવસ પછી) (ન્યૂ. ચોમિમી.માં)

ચણતરનો માલ

સિમેન્ટ-ચૂનો :

રેતીનું પ્રમાણ

ઈંટની ન્યૂનતમ ધારકશક્તિ

(ન્યૂ/ચોમિમી.માં)

    – 3.5 5.0 7.5 10.0 12.5
1 : 0 : 6 0.35 0.44 0.59 0.81 0.94
1 : 0 : 7 0.25 0.41 0.56 0.75 0.87
1 : 0 : 8 0.25 0.36 0.53 0.67 0.76
1 : 1 : 6 0.35 0.50 0.74 0.96 1.06
1 : 2 : 9 0.35 0.44 0.59 0.81 0.94

ઊંચાઈ : જાડાઈના ગુણોત્તરને તનુતા-ગુણોત્તર (slenderness ratio) કહે છે અને સારણી 4માં દર્શાવેલ આંકડાઓમાં દીવાલની શક્તિ 6 તનુતા-ગુણોત્તર સુધી લાગુ પડે છે. તનુતા-ગુણોત્તર તથા બોજની કેન્દ્રથી ઉત્કેન્દ્રતા (eccentricity) વધે તેમ દીવાલની શક્તિમાં ઘટાડો થાય છે. (જુઓ સારણી 5.)

સારણી 5 : તનુતાગુણોત્તર અને બોજવિમુખતા પ્રમાણે દીવાલની ધારકશક્તિનો ઘટાવગુણક (reduction factor)

તનુતા-ગુણોત્તર

ઘટાવ-ગુણોત્તર

બોજવિમુખતા : જાડાઈ-ગુણોત્તર

0 1/24 1/12 1/6 1/4 1/3
6 1.0 1.0 1.0 1.0 1.0 1.0
8 0.95 0.95 0.94 0.93 0.92 0.91
10 0.89 0.88 0.87 0.85 0.83 0.81
12 0.84 0.83 0.81 0.78 0.75 0.72
14 0.78 0.76 0.74 0.70 0.66 0.66
16 0.73 0.71 0.68 0.63 0.58 0.53
18 0.67 0.64 0.61 0.55 0.49 0.43
20 0.62 0.59 0.55 0.48 0.41 0.34

કૉંક્રીટ કે પ્રબલિત કૉંક્રીટ(reinforced concrete)ની ધારક દીવાલો પણ હોય છે. આ પ્રકારની દીવાલોની ધારકશક્તિ કૉંક્રીટ તથા પ્રબલન-સળિયા ઉપર આધારિત હોય છે અને ઘણો મોટો બોજ ધારણ કરવા તેનો ઉપયોગ સુગમ પડે છે. પ્રબલિત કૉંક્રીટના સ્તંભ(columns)ની ધારકશક્તિની ગણતરી માટે વપરાતી રીતો આ પ્રકારની દીવાલ માટે પણ વપરાય છે. પ્રબલિત કૉંક્રીટની ધારક દીવાલોની જાડાઈ 100 મિમી.થી ઓછી રાખવામાં આવતી નથી તેમજ તેમાં બે સળિયા વચ્ચેનું ન્યૂનતમ અંતર 450 મિમી. રખાય છે. સળિયાનું ન્યૂનતમ ક્ષેત્રફળ દીવાલના આડછેદના ક્ષેત્રફળના 0.12 % (સાદા સળિયા માટે) તથા 0.15 % (વિરૂપિત સળિયા) રાખવામાં આવે છે.

સમક્ષિતિજ બોજ ધારણ કરતી દીવાલોમાં બે પ્રકાર છે : (અ) દીવાલથી લંબ દિશામાં આવતા બોજ માટેની દીવાલ અને (બ) દીવાલને સમતલ આવતા બોજ માટેની દીવાલ

ધરતીકંપથી દીવાલની લંબદિશામાં બોજ આવી શકે છે. માટીના દબાણને રોકવા માટે ઊભી કરવામાં આવતી દીવાલને પ્રતિધારક દીવાલ (retaining wall) કહે છે. આ પ્રકારની દીવાલો માટે ઈંટ કે પથ્થરની દીવાલ કરતાં પ્રબલિત કૉંક્રીટની દીવાલો વધુ સક્ષમ ગણાય છે. પ્રબલિત કૉંક્રીટની પ્રતિધારક દીવાલ, બાહુધરણ (cantilever) અથવા પ્રતિસંતુલન પ્રકાર(counterfort type)ની હોય છે. દીવાલની ઊંચાઈ 6 મી.થી ઓછી હોય તો બાહુધરણ પ્રકારની પ્રબલિત કૉંક્રીટની દીવાલ યોગ્ય ગણાય છે.

સમતલ બોજ વહન કરતી દીવાલને કર્તન-દીવાલ (shear wall) કહે છે. ગગનચુંબી માળખાગત બાંધકામમાં કર્તન-દીવાલ હોય છે.

બે પડ વચ્ચે જગ્યા રાખી રચવામાં આવતી દીવાલોને પોલી દીવાલ કહેવાય છે. આ પ્રકારની દીવાલોનાં બે પડોને જોડવા લોખંડની પટ્ટીઓ કે સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પોલાણમાં ઘણી વખત જલાભેદ્ય પદાર્થ (water proofing material) ઠાંસીને ભરી દેવામાં આવે છે. પોલી દીવાલો ઉષ્મા-પ્રતિરોધક (thermal resistive) હોય છે તે તેની વિશિષ્ટતા છે.

સૂર્યકાન્ત વૈષ્ણવ