ધામ, વિનોદકુમાર (જ. 22 જૂન 1950, પુણે) : ઇન્ડો-યુએસ બેન્ચર્સના સ્થાપક અને પેન્ટિયમના જનક.
ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક, સંશોધક અને ઉદ્યોગસાહસિક વિનોદકુમાર ધામે પોતાની શોધ દ્વારા કમ્પ્યૂટર ટૅક્નૉલૉજીને નવી દિશા આપી છે. આધુનિક પ્રોસેસર ટૅક્નૉલૉજીનો પાયો નાખવામાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમણે દુનિયાભરમાં કમ્પ્યૂટરને સુલભ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમણે સમગ્ર જીવન સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ અને સંશોધનમાં વિતાવ્યું છે.

વિનોદકુમાર ધામ
તેમનો પરિવાર ભારતના ભાગલા પડવાથી પાકિસ્તાનના પંજાબના રાવલપિંડીથી ભારત આવ્યો હતો. વિનોદકુમારે 1971માં દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ(હવે દિલ્હી પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પછી દિલ્હીમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરતી એક કંપનીમાં જોડાયા. ત્યાં ચાર વર્ષ કામ કરી 1975માં નોકરી છોડી અને ભૌતિકશાસ્ત્ર(સોલિડ સ્ટેટ)માં એમએસની ડિગ્રી માટે યુએસ ગયા. 1977માં સિનસિનાટી વિશ્વવિદ્યાલયમાંથી સેમિ કંડકટરમાં સોલિડ સ્ટેટ સાયન્સમાં માસ્ટર ઑવ્ સાયન્સની પદવી મેળવી. એમએસ થયા પછી તેઓ ઓહિયોની એનસીઆર કૉર્પોરેશનમાં જોડાયા. ત્યારબાદ તેઓ 1979માં ઇન્ટેલ કૉર્પોરેશનમાં જોડાયા. તેઓ અદ્યતન નૉન વૉલેટાઇલ મેમરી સેલ વિકસાવવામાં સહ-સંશોધક હતા. તેમણે ઇન્ટેલના 386, 486 અને પેન્ટિયમ પ્રોસેસરના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એમના આ ફાળાને કારણે તેમને ‘પેન્ટિયમના જનક’ કહેવામાં આવે છે. તેઓ ઇન્ટેલની પ્રથમ ફ્લેશ મેમરી ટૅક્નૉલૉજી(ETOX)ના સહસંશોધકોમાંના એક છે. તેઓ ઇન્ટેલના માઇક્રો પ્રોસેસર ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ હતા. 16 વર્ષ કામ કર્યા પછી 1995માં ઇન્ટેલ છોડ્યું અને નેક્સજેનમાં જોડાયા. તેમાં ‘પેન્ટિયમ કિલર’ પ્રોસેસર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એએમડી કંપનીના કમ્પ્યૂટેશન પ્રોડક્ટસ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. તેમણે એપ્રિલ, 1998માં સિલિકોન સ્પાઇસ નામે સ્ટાર્ટઅપનું નેતૃત્વ કર્યું.
તેમણે 2006માં NEA-ઇન્ડો યુએસ વેન્ચર્સ પાર્ટનર્સની સ્થાપના કરી. તેઓ તેના મૅનેજિંગ ડિરેક્ટર છે. તેઓ અનેક કંપનીઓના બોર્ડ સભ્યો અને તકનીકી સલાહકાર રહ્યા છે. તેઓ મોબાઇલ ટૅક્નૉલૉજી, ઇન્ટરનેટ, શિક્ષણ અને આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. તેઓ 2001માં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન(AIF)ના ટ્રસ્ટી બન્યા. તેઓ ડિજિટલ ઇક્વલાઇઝર(DE) પ્રોગ્રામના અધ્યક્ષ બન્યા. ભારતમાં વિદ્યાર્થીઓમાં સેમિકન્ડક્ટર કૌશલ્ય માટે 2025માં દિલ્હી ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી ખાતે વિનોદ ધામ સેન્ટર ઑવ્ એક્સેલન્સ ફોર સેમિકંડક્ટર્સ ઍન્ડ માઇક્રો ઇલેક્ટ્રૉનિક્સની શરૂઆત કરી, તેઓ ભારત સરકારના સલાહકાર રહ્યા છે. તેઓ ઇન્ડિયા સેમિકંડક્ટર મિશનના શરૂઆતથી સલાહકાર રહ્યા છે. તેઓ ડિઝાઇન લિંક પ્રોગ્રામ સાથે પણ જોડાયેલા છે. દિલ્હી ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીએ તેમને માનદ પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારતમાં ડીપટેક સ્ટાર્ટઅપ સાથે કાર્યરત છે. 2000માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા તેમનો એશિયન અમેરિકાનો અને પૅસિફિક આઇલૅન્ડર્સ માટે રાષ્ટ્રપતિના સલાહકાર કમિશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 1993માં યુએસ કમ્પ્યૂટર ઉદ્યોગના ટોપ 25 એક્ઝિક્યુટિવમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1999માં દાયકાના ટોચના સો પ્રભાવશાળી એશિયન અમેરિકનોમાં તેમનો સમાવેશ થયો હતો. 2010માં તેમના DE કાર્ય માટે વિઝનરી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ઇન્ડિયા એબ્રોડ દ્વારા 50 સૌથી પ્રભાવશાળી ભારતીય અમેરિકનોમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતું. 2025માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા છે. ભારતીય અમેરિકન તરીકે અમેરિકાના કમ્પ્યૂટર ઉદ્યોગમાં એમણે કરેલ પ્રદાન બદલ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન, વૉશિંગ્ટન ડી.સી. દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
અનિલ રાવલ