ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ)

April, 2023

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ) : શિલ્પોમાં ધાતુનો પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાળથી મળે છે પણ ત્યારબાદ એના નમૂના ઈ. સ. પૂર્વે 1લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે.

ધાતુશિલ્પો બનાવવાની પદ્ધતિનું ‘માનસાર’, ‘અભિલશિતાર્થ-ચિંતામણિ’ અને ‘માનસોલ્લાસ’ જેવા ગ્રંથોમાં વર્ણન મળે છે. આ પદ્ધતિને ‘મધુચ્છિષ્ટવિદ્યા’ (lost-wax) કહેવામાં આવે છે. આમાં મધુચ્છિષ્ટ(મીણ)માં અભિપ્રેત શિલ્પ હાથથી ઘડવામાં આવતું. ત્યાર પછી તેના પર માટીનું જાડું પડ ચડાવી એને દેવતા પર પકવવામાં આવતું. આથી માટી પાકી જતી અને તેની અંદરનું મીણ પીગળીને નીકળી જતાં અંદર મીણના શિલ્પના ઘાટનું પોલાણ બનતું. એમાં ગરમ ધાતુ રેડીને ઠારતાં અંદર ધાતુશિલ્પ તૈયાર થતું. માટીનાં બીબાં કે સાંચાને તોડીને શિલ્પ બહાર કાઢી લેવાતું અને જરૂરિયાત મુજબ ઘસીને ધાર્યો ઘાટ અને ઓપ અપાતો. આવા પ્રકારનાં ઢાળેલાં ધાતુશિલ્પોનું વજન ઘટાડવા માટે મીણની વચ્ચે એક અણઘડ લોંદો રાખવામાં આવતો. આથી સાંચો પકવતી વખતે મીણ પીગળી જાય ત્યારે આ લોંદો પાકીને સાંચામાં યથાવત રહી જતો. સાંચામાં ધાતુને ઢાળતાં આ પક્વ લોંદા જેટલી જગ્યા કોરી રહેતી. આ રીતે ધાતુ પણ ઓછી જોઈતી અને શિલ્પનું વજન પણ ઘટતું. આમ ભારતીય ધાતુશિલ્પોમાં છેક પ્રાચીન કાળથી ‘ઘન’(નક્કર) અને ‘સુશિર’ (પોલાં) એવા બે પ્રકારો નજરે પડે છે. આ કામ નિપુણ કલાકારો અને કારીગરો દ્વારા થતું. દક્ષિણ ભારતમાં તેઓ સ્થપથી તરીકે ઓળખાતા. તેઓ 1 ફૂટથી 5 ફૂટ ઊંચી ઉત્સવ મૂર્તિઓ કરવામાં નિપુણ હતા. ખાનગી ઘરોમાં ઉપાસના માટે અનેક પ્રકારની નાની-નાની ધાતુમૂર્તિઓ બનતી.

પ્રવીણચંદ્ર પરીખ