ધાતુશિલ્પ : વિવિધ ધાતુઓમાંથી આકારો કંડારવાનું કલાકૌશલ્ય. ધાતુપ્રતિમા બનાવવાની કલા ભારતમાં ઘણા સમયથી પ્રચલિત હતી. સૌથી પ્રાચીન ભારતીય ધાતુપ્રતિમા હડપ્પા સંસ્કૃતિમાંથી નર્તિકાની મળી આવી છે. આ નર્તિકાનો નાજુક દેહ અને લાંબા હાથ-પગ તત્કાલીન નારીદેહના શરીરસૌષ્ઠવનો ખ્યાલ આપે છે. તેના જમણા હાથમાં બે કંકણ અને કડાં છે, જ્યારે ડાબા હાથમાં પચીસથી વધારે કંગન હાથના કાંડાથી શરૂ કરીને ખભા સુધી પહેરેલાં છે. તેના ગળામાં પહેરેલા હારને ત્રણ લોલક છે. માથાની વેણી પણ વ્યવસ્થિત ગૂંથેલી છે. આ સમયની સ્ત્રીઓની કેશગુંફન પદ્ધતિ તેમજ અલંકારશોખનો તે ખ્યાલ આપે છે. પરંતુ આ આકૃતિ નિર્વસ્ત્ર હોઈને તે સમયની વેશભૂષા જાણી શકાતી નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ કારીગરી પ્રભાવક અને મોહક છે.

લોથલ(ગુજરાત)માંથી આ સમયની તાંબાની બે નાનકડી આકૃતિઓ મળી આવી છે. તેમાંની એક કૂતરાની અને બીજી બતકની છે. તે ખૂબ ઉમદા ઘાટ ઘડવાની શક્તિના સબળ પુરાવા છે.

આકૃતિ 1 : હડપ્પામાંથી મળેલી નર્તકીની ધાતુપ્રતિમા

ત્યારપછી ઘણા સૈકા બાદ કુશાન સમયની ધાતુપ્રતિમાઓ તક્ષશિલામાંથી મળી આવી છે, પરંતુ આની કારીગીરી હૃદયંગમ નથી. ધાતુપ્રતિમા બનાવવાની કલા વધારે સુંદર રીતે વ્યક્ત થાય છે ગુપ્તોના આશ્રયે. સુલતાનગંજ(ભાગલપુર જિલ્લા)ની બુદ્ધની 2.25 મી. ઊંચી ધાતુપ્રતિમા બર્મિગહામ મ્યુઝિયમમાં અને  માનવકદની મીરપુરખાસની બ્રહ્માની મૂર્તિ કરાંચી મ્યુઝિયમમાં છે. મુખભાવોને કારણે આ બંને પ્રતિમાઓ ચિત્તાકર્ષક છે. પલ્લવ સમયની કુર્કીહાર(જિલ્લા ગયા)માંથી મળેલી ધાતુપ્રતિમાઓ તેના દેહસૌષ્ઠવ, મુગ્ધ મુખભાવ અને શ્રેષ્ઠ કોટિની કારીગીરીથી આગવી તરી આવે છે. નાલંદામાંથી પાલ સમયમાં મળેલાં ધાતુશિલ્પોની સંખ્યા ઘણી મોટી છે. તેમાંથી સ્પષ્ટ જણાય છે કે નાલંદાના કારીગરો સૂક્ષ્મ કારીગીરીમાં ઘણા કુશળ હતા.

ભારતીય ધાતુપ્રતિમામાં સર્વોત્તમ કહી શકાય તેવાં શિલ્પો દસમાથી તેરમા સૈકા દરમિયાન ચોળ રાજ્યકાળમાં તૈયાર થયાં હતાં. આ ખૂબ વજનદાર અને નક્કર પ્રતિમાઓનું સુશોભન પણ પ્રમાણસર છે. આ યુગનો સર્વોત્તમ નમૂનો નટરાજ શિવનો છે. આમાં શિવ-તાંડવનો તાલબદ્ધ લય ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આ સમયની બીજી ધ્યાન ખેંચે તેવી કોદંડધારી રામની ધાતુપ્રતિમા મદ્રાસ મ્યુઝિયમમાં છે. આ શિલ્પમાંની પડછંદ કાયા, લાલિત્યભરી દેહાવસ્થા અને મુખ ઉપરના વિજેતાના ભાવને કારણે તે ભારતીય ધાતુશિલ્પનો ભવ્ય નમૂનો લેખી શકાય.

આકૃતિ 2 : નટરાજ (અગિયારમું શતક)

ભારે વજનદાર ધાતુશિલ્પો ઉપરાંત નાજુક અને નમણી દેવ-દેવીઓની કેટલીક આકર્ષક પ્રતિમાઓ દક્ષિણ ભારતમાંથી મળે છે; તેમાં શિવ, વિષ્ણુ તથા તેમની દેવીઓ-પાર્વતી અને લક્ષ્મીનાં ધાતુશિલ્પો કંડારાયેલાં છે. ચોળયુગના રાજકર્તાઓએ ધાતુશિલ્પના કારીગરોને ઉત્તેજન આપ્યું તેથી તેમની પણ ધાતુપ્રતિમા તૈયાર થયેલી છે. કેટલીક નક્કર પ્રતિમાઓમાં કેટલીક વાર આશરે 91 કિગ્રા. જેટલું વજન પણ મળી આવે છે.

તાંજોર જિલ્લાની ધાતુની બૌદ્ધ પ્રતિમાઓમાં સુંદરતા કંડારેલી છે. તેમાં બુદ્ધનો પવિત્ર ભાવ સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત બોધિસત્વોની પ્રતિમાઓ મળી આવી છે. તેમાં મૈત્રેય, અવલોકિતેશ્વરને હિંદુ દેવ-દેવતાઓની જેમ ચતુર્ભુજ કરવામાં આવેલા છે.

આકૃતિ 3 : કૃષ્ણદેવ રાય અને તેની રાણીઓ, સમૂહ-પ્રતિમા (તિરુપતિ)
(1509–1529)

દક્ષિણમાં જૈન મૂર્તિઓના કેટલાક સુંદર નમૂના ચેન્નાઈના દક્ષિણ અને ઉત્તર કાનડા, બેલેરી અને આર્કોટ જિલ્લામાંથી મળે છે. બંગાળના પહાડપુર અને સુંદરવનમાંથી પણ આવી ધાતુપ્રતિમા મળી આવી છે. શૈવ સાધુઓની ધાતુપ્રતિમાઓ પ્રબળ આધ્યાત્મિક ભાવ રજૂ કરે છે. વાસ્તવિકતા અને ચિત્રાત્મક આલેખનમાં ઉત્કૃષ્ટ લેખાતી ધાતુપ્રતિમામાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય (1509–29) અને તેમની બે રાણીઓનાં સમૂહશિલ્પો જગવિખ્યાત છે. દક્ષિણ ભારતની ધાતુ-પ્રતિમાઓનો સમૃદ્ધિકાળ ચોળયુગની સાથે સાથે પૂરો થયો.

દક્ષિણની સાથે સાથે બંગાળ અને બિહારમાં પાલશૈલીમાં શ્યામ પથ્થરની સાથોસાથ ધાતુશિલ્પની બૌદ્ધ મૂર્તિઓ, તારા તથા બોધિસત્વોની મૂર્તિઓ મળે છે.

ચોળકાળ (900 થી 1300) દરમિયાન, દરેક મંદિરમાંથી નીકળતી દેવ-યાત્રા સમયે ધર્મના પ્રચારાર્થે હાથમાં સહેલાઈથી લઈ શકાય તેવી નાની ધાતુપ્રતિમાનો પ્રસાર વધ્યો. કેટલીક વાર મંદિરને રાજાઓ કે શ્રીમંત નાગરિકો તરફથી પ્રસંગે પ્રસંગે ભેટ આપવામાં આવતી મૂર્તિઓ કે ધાતુની દીવીઓ પર તે ક્યારે, કયા નિમિત્તે, કોણે કોણે આપી એ તેમજ સંવત, તિથિ, વાર, માસ વગેરે જેવી વિગત તેમાં ઉત્કીર્ણ લેખ દ્વારા નોંધાતી. આથી આવી મૂર્તિઓ ઇતિહાસ માટે અગત્યનું સાધન થઈ પડે છે. મંદિરમાં દીવા પ્રગટાવવાના પુણ્યકાર્ય નિમિત્તે અનેક દીવીઓ તથા હાંડીઓનો પ્રચાર વધ્યો. વળી, મંદિરને ગાય, મયૂર વગેરે ધાતુપ્રતિમાઓ પણ ભેટ અપાતી. દીવીઓના ઘણા પ્રકાર અને કદ જોવા મળે છે. સામાન્ય રીતે ઊભેલી સ્ત્રીની આકૃતિમાં બે હાથ ભેગા કરેલા હોય છે. તેમાં તેલ મૂકવાનું પાત્ર રહી શકે. તાંજોરની દીપલક્ષ્મીની  દીવી જગમશહૂર છે. કેટલીક વાર દીવીમાં જીવનવૃક્ષ તેમજ ગરુડ, નાગ, નંદિ વગેરે જેવાં પૌરાણિક પક્ષી કે પશુઓ બનાવેલાં હોય છે. છત ઉપરથી લટકાવવાના દીવામાં લાંબી સાંકળ અને છેડે દીવીઓ કરેલી હોય છે.

આકૃતિ 4 : દીપલક્ષ્મી (તાંજોર)

પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના ગિરિરાજ આબુ ઉપરનાં દેલવાડાનાં જૈન મંદિરોમાં જે શૈલીથી આરસ પથ્થરમાંથી પ્રતિમાઓનું સર્જન થયું છે તે જ અનોખી શૈલીમાં ધાતુપ્રતિમાઓનું પશ્ચિમ ભારતમાં સર્જન થયું છે. એમાં જૈન તીર્થંકરોની પ્રતિમા નોંધપાત્ર છે. અચલગઢમાં પંચધાતુની જૈન તીર્થંકરની ભવ્યમૂર્તિ ચોમુખ છે. આબુના ગૌમુખમાં વસિષ્ઠાશ્રમમાં વસિષ્ઠ ઋષિના પ્રાચીન મંદિરની સામે પિત્તળની એક ઊભી મૂર્તિ ભાવાલેખનમાં ઉત્તમ છે. તેને કોઈ ઇન્દ્ર અને કોઈ આબુના પરમાર રાજા ધારાવર્ષની હોવાનું કહે છે. આ ઉપરાંત કૃષ્ણનાં લોકપ્રિય સ્વરૂપ વેણુગોપાલ, લાલન વગેરેની ધાતુપ્રતિમાઓ મળે છે.

પશ્ચિમ ભારતની ઈ. સ.ના છઠ્ઠા સૈકાની આસપાસની નોંધપાત્ર ધાતુપ્રતિમાઓમાં આકોટા(જિ. વડોદરા)ની જીવંત સ્વામીની તથા કચ્છ-ભુજમાંથી મળેલી ઊભેલા બુદ્ધની પ્રતિમા મુખ્ય છે. બુદ્ધની ભદ્રપીઠ ઉપર સાતમા સૈકાની બ્રાહ્મી લિપિમાં લેખ છે. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના મહુડી ગામે નદીકિનારાના ટેકરામાંથી મળી આવેલી ચાર જૈન ધાતુપ્રતિમાઓ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

ધાતુશિલ્પ લોકપ્રિય થવાને કારણે ઘરગથ્થુ ચીજો વધુ પ્રમાણમાં તૈયાર થયેલી છે. આ ચીજોમાં મંદિરમાં લટકાવવાના દીવા કે દીવીઓ છે. ગુજરાતની દીપલક્ષ્મી ભાવની મનોહરતા અને સુશોભનની કલાત્મકતા રજૂ કરે છે. સોપારી કાતરવાની સૂડીઓમાં ઘોડેસવાર, પક્ષીઓ વગેરેના આકાર ઉપરાંત સ્ત્રી-પુરુષોનાં ભોગાસનો વધારે લોકપ્રિય જણાય છે. હીંચકાની સાંકળોમાં પૂતળી, પશુ-પક્ષીઓ, ફૂલ, પાસાદાર મણકા વગેરે સ્થાન પામ્યાં છે અને પાનની પેટી પણ જુદા જુદા આકારોમાં તૈયાર કરવામાં આવતી. આ રીતે ચોળ-સમયથી ધાર્મિક સ્થાન પામેલી ધાતુશિલ્પની કલા ધીરે ધીરે ઘરગથ્થુ ચીજોમાં પ્રવેશ પામી અને માનવજીવન સાથે વણાઈ ગઈ.

પ્રિયબાળાબહેન શાહ