ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે.
તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ અને આંધ્રપ્રદેશ જેવાં અનેક રાજ્યોમાં 1,200 મી.ની ઊંચાઈ સુધીના પ્રદેશોમાં થાય છે.
તે 33 મી. સુધીની ઊંચાઈ અને 2.4 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. તેનું થડ નીચેના ભાગેથી ઊંડી ઊભી ખાંચવાળું હોય છે. છાલ આછી પીળી કે ગુલાબી-બદામી હોય છે. તેના ઉપર આછા લીલા કે લીલાશ પડતાં પીળાં ધાબાં આવેલાં હોય છે. તેની ચપતરીઓ પાતળી અને ગોળાકાર હોય છે તથા તે ખરી પડતાં છીછરાં ધાબાં રહી જાય છે. છાલમાં દૂરથી આછા લીલા-પીળા રંગનાં ધાબાં તેની રાખોડી રંગની પૃષ્ઠભૂમિમાં આગવી ભાત પાડી વૃક્ષ પારખવામાં મદદરૂપ બને છે. પર્ણો સાદાં, ઉપવલયી સંમુખ, અખંડિત 5–7 સેમી. લાંબાં અને બંને બાજુએ છેડેથી ગોળ હોય છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં પીળાં અને ટૂંકા દંડ ઉપર ગોળ મુંડક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પીળાશ પડતાં કે રતાશ પડતાં બદામી, નાનાં ચળકતાં, સપક્ષ અને એક-બીજમય હોય છે. બીજ ફાચર આકારનું હોય છે. ફળ પાકવાનો સમય ઑક્ટોબરથી જાન્યુઆરી સુધીનો હોય છે.
તે અત્યંત ભેજવાળા કે અત્યંત શુષ્ક પ્રદેશોને ટાળે છે. જંગલોમાં તે શુદ્ધ સ્વરૂપે જૂથોમાં કે સેમ્લા (Bauhinia semla), ચારોળી (Buchnania lanzan), તણછ (Ougeinia oojeinensis), સાદડ (Terminalia alata), કદમની જાત (Wendlandia exserta) અને ચિલ (Pinus roxburghii) સાથે મિશ્ર સ્વરૂપે જોવા મળે છે.
બીજની અંકુરણક્ષમતા ઘણી ઓછી હોય છે. સામાન્ય રીતે વૃક્ષ ખૂબ જ ઓછાં, બિલકુલ ફળદ્રૂપ ન હોય તેવાં બીજ ધારણ કરે છે. સતત દુષ્કાળની પરિસ્થિતિમાં બીજની ફળદ્રૂપતા વધે છે. એક કિલોગ્રામ બીજમાં 1.18 લાખથી 1.36 લાખ બીજ હોય છે. એકત્રીકરણ પછી બીજ સૂર્યપ્રકાશમાં સૂકવીને ડબ્બામાં રાખવાં હિતાવહ ગણાય છે.
ધવનું રસકાષ્ઠ (sapwood) તરુણ વૃક્ષોમાં પહોળું અને પીળાશ પડતું ભૂખરું તથા મોટાં વૃક્ષોમાં એકસરખું પીળાશ પડતું ઑલિવ-ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) ચળકતું-લીસું, અનિયમિત, સાંકડું અને જાંબલી-બદામી હોય છે. કાષ્ઠ ગંધ કે સ્વાદવિહીન, સૂક્ષ્મ ગઠનવાળું, ભારે (0.94-0.944 કિગ્રા./ઘમી.), મજબૂત, સ્થિતિસ્થાપક અને પ્રમાણમાં દાણાદાર હોય છે.
તેનું કાષ્ઠ યોગ્ય સંશોષણ (seasoning) અને પરિરક્ષી (preservative) ચિક્ત્સિા પછી સાગ અને સાલની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. સાગના સંદર્ભમાં તેના ગુણધર્મોની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 132, પાટડા તરીકેનું સામર્થ્ય 98, પાટડાની દુર્નમ્યતા (stiffness) 93, થાંભલા તરીકેની ઉપયુક્તતા 80, આઘાત-અવરોધી ક્ષમતા 152, આકારની જાળવણી 71, અપરૂપણ (shear) 115, કઠોરતા (hardness) 138.
તેના કાષ્ઠનો ઉપયોગ ઘરના બાંધકામમાં; ઓજારોના હાથા, વહાણો, ગાડાનાં પૈડાંની ધરીઓ, હળ, ધૂંસરી, સ્તંભ, પાટડા વગેરે બનાવવામાં થાય છે.
ધવ ગુંદરનો મુખ્ય સ્રોત છે. તેનો ગુંદર ધવના ગુંદર તરીકે જાણીતો છે. શુષ્ક વર્ષોમાં ગુંદરનો સ્રાવ વધારે પ્રમાણમાં થાય છે. તે સફેદ હોય છે અને ટ્રૅગકથ ગુંદર સાથે સામ્ય ધરાવે છે. તે 0.5–1.0 સેમી.નો વ્યાસ ધરાવતા ગોળાકાર ગાંગડાના સ્વરૂપે કે વધારે મોટા કૃમિરૂપ ટુકડાઓ સ્વરૂપે થાય છે. તેની સપાટી ઝાંખી સફેદ, ખરબચડી અને અપારદર્શક હોવા છતાં અંદરથી કાચવત્ પારદર્શક હોય છે. ચોમાસા દરમિયાન રાખતાં તેનો રંગ ઘેરો બને છે.
ગુંદર જટિલ પૉલિસૅકેરાઇડ ઍસિડ, ઘેટ્ટિક ઍસિડનો બનેલો કૅલ્શિયમનો ક્ષાર છે; જે મુખ્યત્વે એલ-એરેબિનોઝ, ડી. ગેલૅક્ટોઝ, ડી.મેનોઝ, ડી-ઝાયલોઝ અને ડી. ગલૅક્ટુરોનિક ઍસિડ ધરાવે છે. ગુંદરનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 15.8 %, પેન્ટોસન 26.3 %, મિથાઇલ પેન્ટોસન 7.6 %, ગેલૅક્ટન 16.4 %, N 0.99, ભસ્મ 3.0 % અને રાઇબૉફલેવિન 68.92 માઇક્રોગ્રા/ગ્રા.. તે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય નથી અને ઘટ્ટ આસંજક (adhesive) શ્વેષ્મ બનાવે છે. તે બાવળના ગુંદર કરતાં વધારે ઘટ્ટ અને ઓછો આસંજક હોય છે. તે 90 % આલ્કોહૉલમાં અદ્રાવ્ય હોય છે.
ધવનો ગુંદર શીતળ અને ગ્રાહી ગુણવાળો હોય છે. તે ગુંદરપાકમાં ઘણો ઉપયોગી છે. પ્રસૂતિ પછી સ્ત્રીને પુષ્ટિકારક દ્રવ્ય તરીકે ગુંદરપાક આપવામાં આવે છે. આ ગુંદર કાપડ ઉપરના છાપકામમાં વાપરવામાં આવે છે. તળ્યા પછી મહારાષ્ટ્રમાં તે ખવાય છે. તેનો પાયસીકારક (emulsifier), સ્થાયીકારક (stabilizer) અને પ્રગાઢક (thickener) તરીકે ચીની માટી, આહાર અને ઔષધ-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. 0.5–0.6 % ગુંદર આઇસક્રીમ માટે સારો સ્થાયીકારક ગણાય છે. ઔષધની ટીકડીઓ બનાવવામાં તેનો બંધક (binder) તરીકે ઉપયોગ થાય છે. તે પેટ્રોલિયમ-ઉદ્યોગમાં વેધનપંક અનુકૂલક (drilling mud conditioner) તરીકે અને વિસ્ફોટકોમાં વરણાત્મક જલઅધિશોધક (water adsorbant) તરીકે ઉપયોગી છે. ઉદરમાં ગુંદરનું અંત:ઉદરાવરણીય (intraperitoneal) અંત:ક્ષેપણ કરતાં અમ્લરણી (acidophil) કણોની સક્રિયતા ઉત્તેજાય છે.
શુષ્ક પર્ણો અને શાખાઓ ‘ધવસુમેક’ કે ‘ઇન્ડિયન સુમેક’ તરીકે ઓળખાય છે અને તેનો ચર્મશોધન-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. તરુણ રાતાં પર્ણો કે પ્રરોહ શુષ્ક સ્થિતિમાં વધારેમાં વધારે 50 % જેટલું અને પરિપક્વ પર્ણો 32 % જેટલું ટૅનિન ધરાવે છે. ધવનાં પર્ણો ટૅનિનનો જલાપઘટનીય (hydrolysable) કે પાયરોગેલોલ પ્રકાર ધરાવે છે. પર્ણોના ઍસિટોન નિષ્કર્ષનું વર્ણપટલેખી વિશ્લેષણ કરતાં તેમાં ગૅલોટૅનિન, કોરિલેજિન, ગૅલિક ઍસિડ, ચીબુલિક ઍસિડ, એમ-ટ્રાઇગૅલિક ઍસિડ, શિકિમિક ઍસિડની હાજરી જણાઈ છે. પર્ણોમાં ટૅનિનના 90-95 % ગૅલોટૅનિન હોય છે. પર્ણોમાં ર્હેમ્નોઝ, અરેબિનોઝ, ફ્રૂક્ટોઝ અને ગૅલેક્ટોઝ હોય છે.
છાલમાં 12–18 % ટૅનિન હોય છે. તેનો આવળ (Cassia auriculata) અને ગરમાળા (C. fistula)ના ટૅનિનની અવેજીમાં ઉપયોગ થાય છે. પર્ણોમાં માત્ર જલાપઘટનીય ટૅનિનો હોય છે; જ્યારે છાલ અને કાષ્ઠ નિષ્કર્ષકો (extractives) ફ્લેવોનૉઇડ ટૅનિન અને જલાપઘટનીય તથા ફ્લેવોનૉઇડ ટૅનિન સંબંધિત સંયોજનો ધરાવે છે. છાલના ઍસિટોન-નિષ્કર્ષમાં લ્યુકોસાયેનિડિન 0.5 %, એલેજિક ઍસિડ 0.5 %; 3,3´4-ટ્રાઈ-ઓ-મિથાઇલ એલેજિક ઍસિડ 0.7 % અને 3,3´4-ટ્રાઈ-ઓ-મિથાઇલ ફ્લેવેલેજિક ઍસિડ અને ગ્લાયકોસાઇડો હોય છે. છાલમાં એલેનિન અને ફિનાઇલ એલેનિન હોય છે. રસકાષ્ઠમાં ઍલેજિક ઍસિડ (0.01 %) અને અંત:કાષ્ઠમાં ક્વિર્સેટિન 0.4 %, માયરિસેટિન 0.07 % અને ટ્રાઈમિથાઇલેબેજિક ઍસિડ 0.03 % હોય છે.
છાલ કડવી અને સ્તંભક (astringent) હોય છે. તે દીર્ઘકાલીન અતિસાર (diarrhoea)માં ઉપયોગી છે. તેનાં પર્ણો ઢોરોને બહુ ભાવતાં હોઈ તેમનો ચારા તરીકે ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર ધવ તૂરો, શીતળ, મધુર, તીખો, દીપન અને રુચિકર ગણાય છે. તે પાંડુરોગ, પ્રમેહ, કફ, પિત્ત, અર્શ અને વાયુનો નાશ કરે છે. તેનાં ફળ ઠંડાં, સ્વાદુ, રુક્ષ, તૂરાં, મલસ્તંભક અને વાતુલ હોય છે અને કફ તથા પિત્તનો નાશ કરે છે. તેની છાલને ખાંડી વસ્ત્રગાળણ કરી ઘોડાના મૂત્રમાં કાલવી જખમ પર ચોપડવામાં આવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ