ધર્મશાળા : યાત્રીઓને વિશ્રામ તથા રાતવાસા માટે સગવડ પૂરી પાડવાના હેતુથી બંધાયેલ મકાન. આવી ધર્મશાળાઓ માર્ગોમાં તથા તીર્થાદિ સ્થાનો તથા નગરોમાં બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. પ્રાચીન કાળમાં સાર્વજનિક હેતુ માટે વાટિકા, મંદિર, કૂવા, તળાવ, વાવ, ધર્મશાળા તથા આ પ્રકારનાં અન્ય સ્થાનોના નિર્માણને તથા તે સમાજને અર્પણ થાય તે વિધિને પ્રતિષ્ઠા તથા ઉત્સર્ગ તરીકે ઓળખાવવામાં આવતાં. આ પ્રકારનાં નિર્માણોનું કાર્ય પૂર્તધર્મનો ભાગ મનાતું. સામાન્ય રીતે રાજાઓ, શ્રેષ્ઠીઓ, વણજારા તથા ગ્રામસભા આવાં ભવનાદિ બંધાવતાં. શૂદ્રોને પણ આવાં કાર્યો માટે છૂટ હતી. યાજ્ઞવલ્ક્યના જણાવ્યા અનુસાર મૃત પતિના કલ્યાણહેતુ માટે વિધવાઓ પણ આ કાર્યોમાં આર્થિક સહયોગ આપતી. સ્મૃતિઓમાં આ વિષયમાં વિસ્તારથી નિયમો આપેલા છે. ઘણા ઋષિઓએ લખ્યું છે કે યજ્ઞોથી કેવળ સ્વર્ગ મળે છે, પણ જનહિતનાં આવાં કાર્યોથી માણસને સાચી મુક્તિ મળે છે. ધર્મશાળાના નિર્માણને રાજધર્મનો ભાગ ગણ્યો છે. જ્યાં ગામડાં સ્વતંત્ર હતાં અને તેમનું શાસન ગ્રામસભા સંભાળતી ત્યાં પણ ગામમાં ધર્મશાળા બંધાવવી એ સભાનું કર્તવ્ય ગણાતું.
પ્રાચીન સમયમાં વસ્તી ઓછી હોવાથી ગામો તથા નગરો વચ્ચે લાંબાં અંતરો હતાં. માર્ગો સગવડભર્યા નહોતા. યાત્રા ઘણુંખરું સંઘમાં પગપાળા કરાતી. બૌધાયને અગ્નિહોત્રી બાહ્મણની યાત્રાના આરંભનું આ રીતે વર્ણન કર્યું છે : ‘‘ઘેરથી નીકળીને ગૃહસ્થ ગામની સીમા પર પહોંચતાં ત્યાં પહેલો વિશ્રામ કરે છે. ત્યાં તે કુટી અથવા પર્ણશાળા અથવા મઠ બાંધે છે. તેમાં તે વિશ્રામ કરે છે.” પ્રારંભે મઠ શબ્દ ગુરુશિષ્યના અધ્યયન-અધ્યાપનસ્થાન તથા નિવાસસ્થાન માટે વપરાતો. આ પ્રારંભિક મઠ પાકાં બાંધકામો નહોતાં. જોકે તે યાત્રીઓને રોકાણ માટે સુવિધા પૂરી પાડતા. આમ મઠ પણ ધર્મશાળા તરીકે ઉપયોગી થયા. સમય જતાં, પોઠો લઈ ગામે ગામે વેપાર માટે ફરતા વણજારાઓ પણ આ કાર્યમાં સહયોગી બન્યા. વારંવાર યાત્રાનાં સ્થાનોએ વાવ, કૂવા, તળાવ, મંદિર, મઠ, ધર્મશાળા આદિ બંધાવીને તેઓ તેમનું લોકાર્પણ કરતા.
ધર્મશાળાનું નિર્માણ જનહિત માટેનું ધર્મકાર્ય ગણાતું. તેથી નિર્માણ પછીના નિભાવખર્ચ માટે પણ રાજ્ય તથા શ્રેષ્ઠી વર્ગનો સહયોગ ચાલુ રહેતો. યાત્રી પાસેથી શુલ્ક લેવાતું નહિ. જોકે વર્તમાન સમયમાં કેટલીક ધર્મશાળાઓમાં શુલ્ક લેવાય છે, પણ તે નામનું જ હોય છે. ધર્મશાળાનું એક લક્ષણ જ્ઞાતિ માટે પક્ષપાત છે. મોટે ભાગે ધર્મશાળામાં સૌને ભેદભાવ વિના પ્રવેશ મળે છે; પણ ક્યાંક ક્યાંક અમુક જ્ઞાતિને અગ્રતાક્રમ તથા શુલ્કમાફીનો લાભ અપાય છે. કેટલેક સ્થળે રસોડાની સગવડ હોય છે. ત્યાં યાત્રીઓને નિ:શુલ્ક ભોજન અપાય છે. સંઘ રૂપે આવેલા જૂથને પોતાના ઉપયોગ માટે રસોડાની સગવડ અપાય છે.
સ્થાપત્યની ર્દષ્ટિએ ધર્મશાળા નોંધપાત્ર બાંધકામ નથી. સરખા માપના અથવા નાનામોટા માપના હારબંધ ઓરડા તથા આગળ પડાળી તેનું પ્રચલિત સ્વરૂપ છે. વચ્ચે ચોક અને ક્વચિત્ કૂવો હોય છે. આધુનિક ધર્મશાળામાં ઓરડા સાથે સ્નાનખંડ હોય છે તથા દીવા-પંખાની સગવડ મળે છે. જ્યાં સેવા નિ:શુલ્ક હોય ત્યાં યાત્રીઓ ઘણી વાર દાન કે ભેટ લખાવે છે.
ભારતીય સંસ્કૃતિમાં ધર્મશાળાનું મહત્વ છે. તે પૂર્તધર્મનું અંગ હોવાથી ધર્મશાળા બંધાવવી તે ધર્મકાર્ય ગણાય છે. તેમાં સમાજ પ્રત્યેના કર્તવ્યની ભાવના વ્યક્ત થાય છે. સમાજમાં તે એકતા પ્રેરે છે.
રવીન્દ્ર વસાવડા
બંસીધર શુક્લ