ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય લેખાતું. ધંધાદારી (commercial) હોવા છતાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પત્રિકા સ્વરૂપે વાચકોમાં વિશેષ લોકપ્રિય બન્યું હતું. સાહિત્ય, કલા, સંસ્કાર જેવા વિષયો અંગે સચિત્ર ચિંતનાત્મક લેખો, મોટું કદ, ઊડીને આંખે વળગે તેવું આકર્ષક મુદ્રણ વગેરે એની લોકપ્રિયતાનાં મુખ્ય અંગો હતાં. ‘ધર્મયુગ’ની સૌથી મોટી વિશેષતા એ હતી કે તે લોકરુચિ પ્રમાણે વાચનસામગ્રી પીરસતું. 60થી 75 પાનાંમાં બહુરંગી સાજ-સજ્જા, ઉત્કૃષ્ટ રજૂઆત, તસવીરો અને વ્યંગચિત્રો, સચિત્ર ધારાવાહી નવલકથા અને વાર્તાઓ, બાળકો માટેનાં વિશેષ પાનાંઓમાં આકર્ષક ચિત્રકથાઓ, નિબંધ, મુલાકાતો વગેરેથી ‘ધર્મયુગ’ સમૃદ્ધ હતું. પ્રત્યેક અંકમાં એક રંગીન ચિત્રકથા આપવામાં આવતી, જેમાં વીર સ્ત્રીપુરુષોની કથાઓ, ઇતિહાસદર્શન, કોઈ વિદ્વાન કે નેતાનું ચરિત્ર અપાતું. તે ઉપરાંત હોળી, દિવાળી અને પ્રજાસત્તાક દિવસે ‘ધર્મયુગ’નો વિશેષાંક બહાર પડતો. ‘ધર્મયુગ’ના સંપાદકો તરીકે ઇલાચન્દ્ર જોશી ઉપરાંત હેમચન્દ્ર જોશી, સત્યદેવ વિદ્યાલંકાર, ધર્મવીર ભારતી, મનમોહન ‘સરલ’, વિશ્વનાથ સચદેવ તથા ગણેશ મંત્રી જેવી જાજરમાન વ્યક્તિઓએ સેવાઓ આપી હતી અને આ પ્રત્યેક સંપાદકના સમયગાળામાં ‘ધર્મયુગે’ નવો મોડ લીધો હતો. ‘ધર્મયુગ’ના સ્વરૂપમાં વારંવાર કરાયેલા ફેરફારોના કારણે તે ક્રમશ: મહત્વ ગુમાવતું ગયું. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથના સંચાલકોએ હિંદી પ્રકાશનોમાં પોતાનો રસ ઘટતો જતો હોય તેમ ‘ધર્મયુગ’ સિવાયનાં હિંદી સામયિકોનું પ્રકાશન તો અગાઉ બંધ કરી દીધું હતું. છેવટે 1996માં ‘ધર્મયુગ’ના પ્રકાશન-અધિકારો ચંદ્રપ્રભા પબ્લિકેશન્સ નામની દિલ્હીસ્થિત પેઢીને વેચી દીધા.
મહેશ ઠાકર
અલકેશ પટેલ