ધરસેન ચોથો (શાસન 643–650) : ગુજરાતનો મૈત્રકવંશનો એક રાજા. ગુજરાતમાં લગભગ ઈ. સ. 470થી 788 સુધી વલભીના મૈત્રકવંશની રાજસત્તા પ્રવર્તી. એ વંશનો રાજા ધ્રુવસેન બીજો (લગભગ ઈ. સ. 628–643) ઉત્તર ભારતના ચક્રવર્તી હર્ષદેવનો જમાઈ હતો. ધ્રુવસેનનો ઉત્તરાધિકાર એના પુત્ર ધરસેનને પ્રાપ્ત થયો. એ આ વંશનો ધરસેન ચોથો હતો. મૈત્રકવંશના આરંભિક રાજાઓ માત્ર ‘મહારાજ’ હતા ને શીલાદિત્ય પહેલાથી ધ્રુવસેન બીજા સુધીના રાજાઓ કંઈ રાજબિરુદ પ્રયોજતા નહિ, જ્યારે ધરસેન ચોથાએ ‘પરમભટ્ટારક-મહારાજાધિરાજ-પરમેશ્વર’નાં મહાબિરુદ ધારણ કરવાની પહેલ કરી ને આગળ જતાં ‘ચક્રવર્તી’નું બિરુદ પણ ધારણ કર્યું. આમ એ મૈત્રકવંશનો સહુથી મહાન રાજવી હતો. એનાં ચાર દાનશાસન ઉપલબ્ધ છે, જે ઈ. સ. 644થી 648નાં છે. એણે લગભગ ઈ. સ. 643થી 650 સુધી રાજ્ય કર્યું લાગે છે. ઈ. સ. 648માં ધરસેને ભરૂચમાં વિજયછાવણી નાખી. મૈત્રકવંશની સત્તા દક્ષિણ ગુજરાત સુધી વિસ્તારી હતી. ધરસેન દાનવીર હતો. પ્રજા પાસેથી હળવા કર લેતો. તે ધનુર્વિદ્યામાં નિપુણ હતો. ધરસેનને પુત્ર નહોતો, તેને ભૂપા નામે કુંવરી હતી. આથી ધરસેનનો ઉત્તરાધિકાર એના પિતરાઈ ધ્રુવસેન ત્રીજાને પ્રાપ્ત થયો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી