ધરસેન (ઈ. સ. 38—106) : દિગંબર જૈન લેખક. દિગંબર જૈન આમ્નાયમાં ધરસેનાચાર્યનું નામ પ્રસિદ્ધ છે. કંઠોપકંઠ ચાલી આવતા શ્રુતજ્ઞાનને લિપિબદ્ધ કરવા માટે સર્વપ્રથમ ઉપદેશ તેમણે આપ્યો હતો. તે ચૌદ પૂર્વો અંતર્ગત અગ્રાપયણી પૂર્વની કર્મપ્રકૃતિ નામના અધિકારના જ્ઞાતા હતા. આ જ્ઞાન તેમણે ગુરુપરંપરાથી પ્રાપ્ત કર્યું હતું. બુદ્ધિના ક્રમિક હ્રાસને પ્રત્યક્ષ જોતાં, આ જ્ઞાનના લોપના ભયથી તેમણે તેને લિપિબદ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

તે ગિરનાર પર્વત પર રહેતા હતા. અતિવૃદ્ધ હોવાને કારણે પોતાને આ જ્ઞાન લિપિબદ્ધ કરવા અસમર્થ જાણીને તેમણે મહિમાનગરમાં એકત્રિત થયેલા મહાન યતિસંઘને કોઈ યોગ્ય સાધુ તેમની પાસે મોકલવા માટે પત્ર લખ્યો હતો. આ પત્ર વાંચીને સંઘનાયકે બે યુવાન સાધુ પુષ્પદંત અને ભૂતબલિને તેમની સેવામાં મોકલ્યા. ધરસેનાચાર્યે તેમને જ્ઞાનનો ઉપદેશ આપી તેને લિપિબદ્ધ કરવાનો આદેશ આપ્યો. આમ આ રીતે વર્તમાન દિગંબર જૈનાગમની પ્રાપ્તિનું શ્રેય તેમને આપી શકાય.

તેમણે जोणिपाहुड (योनिप्राभृत) નામના મન્ત્રતન્ત્ર સંબંધી ગ્રંથની રચના કરી હતી.

સલોની નટવરલાલ જોશી