ધમ્મપદ : પાલિ ભાષામાં લખાયેલો પ્રખ્યાત બૌદ્ધ ગ્રંથ. ત્રિપિટકમાંના ‘સુત્તપિટક’ ના પાંચમા – અંતિમ ‘ખુદ્દકનિકાય’નાં 15 અંગ છે. તેમાંનું બીજું અંગ તે ‘ધમ્મપદ’. ડૉ. વી. ફઝબૉલે લૅટિન અનુવાદ સાથે તેને રોમન લિપિમાં 1855માં પ્રથમ વખત પ્રકાશિત કર્યું. પછી તેનાં ઘણાં સંપાદનો થયાં અને જગતની બધી મુખ્ય ભાષાઓમાં તેના અનુવાદો પણ થયા. ચીની તથા તિબેટનમાં તો પ્રાચીન સમયમાં જ અનુવાદો થયેલા. ભગવાન બુદ્ધે જુદે જુદે સ્થળે જે ઉપદેશો આપેલા તેમાંથી 423 ગાથાઓ આમાં સંગ્રહાઈ છે. વિષયાનુસાર આ ગાથાઓ 26 વગ્ગો-(વર્ગો)માં વહેંચાઈ છે. આ ભગવાન બુદ્ધના ઉપદેશો હોઈ ઈ. સ. પૂ. 543 પહેલાંની રચના ગણાય; પરંતુ મૂળ ઉપદેશો ગદ્યમાં જ હશે અને તેમના શિષ્યોએ યાદ રાખવા સરળ પડે તે હેતુથી પદ્યમાં મૂક્યા હશે એમ મનાય છે. તે અનુષ્ટુપ તથા ત્રિષ્ટુભ છંદમાં છે. આજના સ્વરૂપમાં તે ઈ. સ. પૂ. ત્રીજા શતકમાં હોવાનો વિદ્વાનોનો મત છે. 26 વગ્ગોમાંથી 7મો અરહંતવગ્ગ તથા 12મો અત્તવગ્ગ દસ દસ ગાથા ધરાવતા સૌથી નાના છે, જ્યારે છેલ્લો બ્રાહ્મણવગ્ગ સૌથી મોટો 41 ગાથાઓનો છે. બૌદ્ધધર્મી દેશોમાં દરેક તરુણ ભિખ્ખુએે આ આખો ગ્રંથ કંઠસ્થ કરી તેનો નિત્યપાઠ કરવાનો હોય છે.
બૌદ્ધ ધર્મનો સાર એમાં સમાયેલો છે. તેનાં ચિંતનો સર્વવ્યાપક તથા શાશ્વત સ્વરૂપનાં હોવાથી ‘મહાભારત’માંની ‘ભગવદગીતા’ની જેમ ‘ધમ્મપદ’ પણ સમસ્ત માનવજાતનો આદરણીય ગ્રંથ બની ગયો છે.
તેનો પ્રતિપાદ્ય વિષય નૈતિક સદાચાર છે, જેને અનુસરવાથી દુ:ખમાંથી છુટાય. બુદ્ધનાં ચારે ‘આર્યસત્યો’ આમાં રજૂ થયાં છે : (1) દુ:ખો જગતમાં છે જ; (2) તૃષ્ણા જ દુ:ખનું કારણ છે; (3) કારણરૂપ તૃષ્ણાનો નાશ થતાં દુ:ખનો નિરોધ થઈ શકે છે અને (4) દુ:ખના નાશનો – તૃષ્ણાના નાશનો નિશ્ચિત માર્ગ પણ છે. આ માર્ગનાં આઠ અંગો હોઈ તે અષ્ટાંગિક માર્ગ તરીકે જાણીતો થયો છે. તે અંગો છે : સમ્યગર્દષ્ટિ, સમ્યક્સંકલ્પ, સમ્યગવચન, સમ્યકકર્માન્ત, સમ્યગ્આજીવ, સમ્યગવ્યાયામ, સમ્યક્સ્મૃતિ અને સમ્યક્સમાધિ. જન્મ-જરા-વ્યાધિ-મૃત્યુના ચક્કરમાંથી છુટકારો મેળવવા માટેના જે નૈતિક નિયમો ઉપદેશ્યા છે તે સર્વ ધર્મોમાં સમાન છે. તેમનું પાલન અઘરું હોવાથી સદૈવ ધૈર્યશાળી, પ્રાજ્ઞ, વિદ્વાન, કર્મઠ, વ્રતવાન, આર્ય અને મેધાવી મનુષ્યોનો સત્સંગ કરવા સૂચવ્યું છે.
યજ્ઞયાગાદિ કર્મકાંડ તેમજ શરીરને કષ્ટ આપનારી સાધનાને બુદ્ધ બિલકુલ પ્રોત્સાહન આપતા નથી. શીલ ઉપર જ તે ભાર મૂકે છે અને આ શીલ સમાધિ તથા પ્રજ્ઞામાંથી વિકસતું હોઈ સમાધિ-પ્રજ્ઞાનું વિશેષ આલેખન આમાં કર્યું છે. ફાલતુ વાતોથી દૂર રહેવું, સારાનો સંગ્રહ કરવો અને સર્વ પ્રવૃત્તિના કારણરૂપ મનને શુદ્ધ રાખવું એ પાયાનો ઉપદેશ છે. ચિત્ત ઇચ્છાનુસાર દોડનારું હોઈ સંયમ પ્રબોધ્યો છે. છતાં અત્યંત ભોગવિલાસ અને કષ્ટદાયક સાધના એ બંને છેડાને ત્યજીને મધ્યમ માર્ગ સ્વીકારવા સલાહ આપે છે. દરેક વસ્તુ ક્ષણિક છે, દુ:ખથી ભરેલી છે; તેથી તે આપણી નથી. તૃષ્ણા-આસક્તિનો અંત આવે ત્યારે જ દુ:ખનો અંત આવે છે એ તથ્ય સમજાવ્યું છે. વળી સ્પષ્ટતા કરે છે કે માણસ પોતે જ પોતાના જીવનનો શિલ્પી છે, સાધનામાર્ગ ઉપર ચાલવામાં બીજું કોઈ મદદ કરે તેમ નથી; ભગવાન બુદ્ધ પોતે પણ માત્ર ઇષ્ટ માર્ગ તરફ અંગુલિનિર્દેશ કરે છે, એથી વિશેષ કોઈ મદદ કરતા નથી એમ જણાવીને વ્યક્તિનો આત્મવિશ્વાસ જગાડવાનો પ્રશસ્ત પ્રયત્ન કર્યો છે.
વળી કહે છે કે વૃદ્ધજનોની સેવા કરવાથી આયુ, વર્ણ, સુખ અને બળ વધે છે, શુદ્ધિ-અશુદ્ધિ પોતાના ઉપર જ આધારિત છે, બીજાને જીતવા કરતાં પોતાની જાતને જીતવી એ શ્રેષ્ઠ છે. અપ્રમાદ અમૃતનો પથ છે જ્યારે પ્રમાદ મૃત્યુનો પથ છે એમ ઉપદેશતા બુદ્ધ ક્ષાન્તિને પરમ તપ તથા તિતિક્ષાને પરમ નિર્વાણ ગણાવે છે. ‘ભિખ્ખુવગ્ગ’માં સ્પષ્ટતા કરી છે કે જ્ઞાન વિના ધ્યાન નહિ અને ધ્યાન વિના જ્ઞાન નહિ અને જેને એ બંને છે તે નિર્વાણની નજીક પહોંચ્યો છે.
આમાંથી અર્ધા ઉપરાંતની ગાથાઓ બીજા બૌદ્ધ ગ્રંથોમાં મળે છે, તેથી તે રીતે સંકલન કર્યું હશે. પ્રાચીન સુભાષિતોના મહાભંડારમાંથી કેટલાંય લીધાં છે જે ‘મનુસ્મૃતિ’, ‘મહાભારત’, ‘પંચતંત્ર’ જેવા માન્ય ગ્રંથોમાં પણ ઉદ્ધૃત કરાયેલાં છે. જીવનવ્યવહારમાંથી લીધેલી સુંદર ઉપમાઓ વક્તવ્યને ઓપ અર્પે છે.
બ્રાહ્મણનાં અહીં આપેલાં લક્ષણો આદર્શ માનવને લાગુ પડે છે. તેમાં ગાથા 402 કહે છે : ‘આ જ જન્મમાં પોતાનાં દુ:ખના નાશનો માર્ગ જાણનારો, પોતાનો બધો ભાર ઉતારી નાખનારો, સદા આસક્તિરહિત હોય તેને હું બ્રાહ્મણ કહું છું.’
દુ:ખી માણસોના કલ્યાણ માટેની સરલ સાધનાઓથી સભર ‘ધમ્મપદ’નાં બુદ્ધવચનો ભૌતિકવાદને વરેલા આજના યુગમાં કલ્યાણપથપ્રદર્શક બની શકે એમ છે. હિંદુ ધર્મમાં ‘ભગવદગીતા’નું જે મહત્વ છે, તેટલું જ મહત્વ બૌદ્ધ ધર્મમાં ‘ધમ્મપદ’નું છે.
જયન્ત પ્રે. ઠાકર