ધમાર : શાસ્ત્રીય સંગીતમાં 14 માત્રાનો તાલ. પ્રણાલિકા પ્રમાણે તે પખવાજનો તાલ છે, પણ તબલાં ઉપર પણ વગાડવામાં આવે છે. આ તાલમાં માત્રાસમૂહો 5, 2, 3 અને 4ના છે. આ વ્યવસ્થા તથા તાલના બોલ નીચે પ્રમાણે છે :
માત્રા : 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
બોલ : ક ધ્ધી ટ ધી ટ ધા – ક ત્તી ટ તી ટ તા –
x 2 0 3
આ તાલમાં ગવાતી બંદિશો ધ્રુપદ 1 શૈલીની હોય છે. અને તેના વિસ્તારનાં બઢત અંગો પણ તેને અનુરૂપ હોય છે. બંદિશોનો વિષય ઘણુંખરું હોરી, રંગ અને અબીલગુલાલની મસ્તી, શ્રીકૃષ્ણનાં તોફાનો વગેરે હોય છે. આ પ્રકારના સતત સંદર્ભને લઈને હોરી અને ધમાર એકબીજાના પર્યાય જેવા ગણાય છે. નીચેની એક પ્રસિદ્ધ બંદિશમાં આ સંદર્ભ સાંભળવા મળે છે. બંદિશની પહેલી લીટીના બોલ છે : ‘હઝરત ખ્વાજા સંગ ખેલો હી ધમાર.’ આ લીટીમાં ‘ધમાર’નો અર્થ હોરી થાય છે.
14 માત્રાના બીજા તાલોની સરખામણીમાં આ તાલનું વજન જુદું છે અને બંદિશના ગાન સાથે સાંભળતાં તે સમજાય છે.
હ્રષિકેશ પાઠક