ધનુ–અ (Sagittarius–A) : રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત. ધનુ તારકમંડળમાં આ વિસ્તારના ર્દષ્ટિ-નિરીક્ષણ(optical observation)માં અવરોધ કરતાં વાયુ અને ધૂળનાં સઘન વાદળ પાછળ 10,000 પારસેક એટલે કે 30,000 પ્રકાશવર્ષ(light-year)ના અંતરે એ રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત આવેલો છે. રેડિયો-તરંગો વડે એ વિસ્તારના લેવાયેલા નકશા મૂંઝવણભર્યું ચિત્ર રજૂ કરે છે. ત્યાં 1.6 પારસેકના કદનું નાનું આવર્ત-ગૂંચળું (spiral) જણાય છે. એ કેન્દ્ર નજીક જ બે અબજ કિલોમીટરના કદનો નાનકડો રેડિયો-તરંગોનો સ્રોત આવેલો હોવાનું મનાય છે.
કેટલાક ખગોળવિદ માને છે કે એ અસામાન્ય સ્રોત આકાશ-ગંગાના ગર્ભમાંની સક્રિયતા માટે જવાબદાર ઊર્જા છે. આ માન્યતા મુજબ આવર્ત-ગૂંચળું એ કેન્દ્રીય શ્યામ ગર્તા(central black hole)માં શોષાઈ જતું દ્રવ્ય છે. આ કારણસર ધનુ અને ક્વાસારને શક્તિશાળી કેન્દ્રીય ઊર્જાસ્રોત ગણવામાં આવે છે.
ધનુ-અ (પૂર્વ) એ તેજસ્વી સુપરનોવા છે, જેની સાથે અજાણ્યા મૂળનાં ચાર નાનાં નાનાં આયનીકરણ પામેલાં ક્ષેત્રો (ionized regions) આવેલાં જણાય છે. જ્યારે ધનુ-અ (પશ્ચિમ) પોતે અતિ જટિલ આવર્ત-ગૂંચળું છે. એમાંથી નીકળતા દ્રવ્ય પરથી નિર્દેશ મળે છે કે એ આયનીકરણ પામેલા હાઇડ્રોજનનું બનેલું છે.
ધનુ-અમાંથી નીકળતું દ્રવ્ય એ ક્વાસારના અતિશક્તિશાળી ગર્ભ કરતાં લાખોગણું નબળું છે. એ પરથી એમ ધારી લેવાય કે જો એ રેડિયો-સ્રોત સૌરમાળામાં હોય તો સૂર્ય ફરતે ગુરુની ભ્રમણકક્ષાની અંદરના ભાગે એ આવેલો હોઈ શકે.
અશોકભાઈ પટેલ