ધનુષ્યબાણ : બે અંશોનું બનેલું, પ્રાચીન કાળથી જાણીતું અસ્ત્ર. તેમાં, ઘણુંખરું નરમ લાકડાના દંડને સહેજ વાળીને બંને છેડાને જોડતી દોરી બાંધીને બનાવેલા પ્રક્ષેપક સાધનને ધનુષ્ય કે કામઠું કહે છે અને તેના વડે લાંબા અંતરે ફેંકાતા નાના ભાલા જેવા અસ્ત્રને બાણ કે તીર કહે છે. અતિ પ્રાચીન કાળથી શિકાર, લડાઈ તથા રમતગમત માટે માણસ તેનો ઉપયોગ કરતો આવ્યો છે. ગુફાવાસી માનવીએ તેની ગુફામાં એનાં કરેલાં ચિત્રણો આજે પણ મળી આવે છે. ઘણીખરી પ્રાચીન સંસ્કૃતિઓમાં ધનુર્ધર દેવોની પૂજા કરવામાં આવતી.
ધનુષ્ય સૌથી પ્રાચીન શસ્ત્રમાંનું એક છે. તેનાં વિવિધ રૂપો ચલણમાં હતાં. કેટલાક દેશો – વિશેષત: એશિયાના દેશોમાં અદભુત કુશળતાપૂર્વક તેનાં વિશિષ્ટ રૂપો વિકસાવવામાં આવ્યાં હતાં. સાદાં ધનુષ્ય લાકડાના એક દંડમાંથી બનાવવામાં આવતાં. કોઈ વાર એક કરતાં વધારે પદાર્થો વડે વિશેષ ધનુષ્યનું ઘડતર કરાતું; ઉદા., લાકડું, શિંગડું તથા મૃત પ્રાણીના સ્નાયુબંધ જેવા પદાર્થોને સરેશ કે ગુંદર જેવા પદાર્થથી સજ્જડ ચોંટાડીને બનાવાતું સંગ્રથિત ધનુષ્ય.
સાદું ધનુષ્ય વચ્ચે જ્યાં ધનુર્ધર તેને મુઠ્ઠીમાં પકડે છે ત્યાં જાડું અને બંને તરફ પાતળું થતું જઈ છેડે લગભગ અણીદાર હોય છે. ત્યાં ખાંચ પાડી દોરીનો ગાળો ભરાવવામાં કે બાંધવામાં આવે છે. આવી બાંધેલી દોરીને પણછ કહે છે. શરસંધાન એટલે કે બાણ તાકતી વેળા બાણના છેડાની ફાટમાં ધનુષ્યની પણછ ભરાવી તેને પાછી ખેંચવામાં આવે છે. આ રીતે ધનુષ્યને તે ખમી શકે એટલો વળાંક આપવામાં આવે છે અને પછી પણછ છોડી દેવામાં આવે છે. સ્થિતિસ્થાપકતાના ગુણને લીધે ધનુષ્યનો દંડ ખેંચાણ જતાં આંચકા સાથે મૂળ સ્થિતિમાં આવે છે. સાથે પણછને પાછી લાવે છે. અતિવેગે પાછી ફરતી પણછનો ધક્કો બાણને તાકેલી દિશામાં બળપૂર્વક હડસેલે છે.
ઘણા દેશોમાં ધનુષ્યબાણના અવશેષો જળવાયા નથી. આમ છતાં, બાણના અગ્રભાગે ફળા તરીકે લગાડાતા ભાગોના વિવિધ પ્રાચીન નમૂના ઘણા દેશોમાં મળ્યા છે. પ્રાચીન ભારતમાં બાણ ઉપર તેના માલિકનું નામ લખવામાં આવતું.
અણઘડ રીતે છોલીને ફળા જેવો ઘાટ અપાયેલા ચકમકના પથ્થરો પુરાપાષાણકાલીન સ્થળોએ મળી આવ્યા છે. નવપાષાણકાળનાં સ્થળોએ બાણના અગ્રભાગ રૂપે વપરાતા ચકમકનાં જે ફળાં મળ્યાં છે તે વધારે સુઘડ જણાયાં છે.
ઇંગ્લૅન્ડમાં બારમીથી સોળમી સદીના સમયમાં લૉગ બો નામનાં ધનુષ્ય પ્રચારમાં હતાં. તે 150 થી 180 સેમી. લાંબાં હતાં. તેનું લગભગ મીટર લાંબું બાણ 200 મી.ના અંતરે આવેલા ઓકના 2.5 સેમી. જાડા પાટિયાને વીંધી નાખી શકતું. ત્યારે અંગ્રેજ સરદારો જે કવચ ધારણ કરતા તે આની સામે રક્ષણ આપવા અસમર્થ હતાં. લૉગ બોનો જન્મ વેલ્સમાં થયાનું મનાય છે. ઉત્તમ ધનુષ્ય માટે યૂ વૃક્ષનું લાકડું વપરાતું. બાણને છેડે હંસનાં પીંછાં લગાડવામાં આવતાં, જેથી તેની દિશા સચવાતી. સોળમી સદીમાં ઇંગ્લૅન્ડમાં ધનુષ્યબાણના સ્થાને સ્ફોટક શસ્ત્રો વપરાતાં થયાં.
યુરોપના બીજા દેશોમાં લૉગ બો કરતાં ક્રૉસ બો નામના ધનુષ્યનો વધારે પ્રચાર હતો. ક્રૉસ બો હળ જેવા ઘાટનું ધનુષ્ય હતું. તેમાં ધનુષ્યની કમાનને વચ્ચેથી પકડવાના સ્થાને આડા દંડનું જોડાણ કરાતું. તાકતી વેળા દંડને ખભાના સ્તરે ગોઠવવામાં આવતો. તે વધારે પ્રબળ હતું, પણ તેમાં બાણ ચડાવવામાં સમય લાગતો. સંગ્રથિત ધનુષ્ય પ્રકારનું ક્રૉસ બો વધારે શક્તિશાળી અને પ્રભાવી શસ્ત્ર હતું. લાકડાં તથા શિંગડાંની પટીઓ સ્તરબંધ ચોંટાડીને તેમના પર ચર્મપત્ર લપેટવામાં આવતું. ઉચ્ચાલન જેવી યાંત્રિક પ્રક્રિયાથી તે વળતું. જર્મનીનો વિખ્યાત ધનુર્ધર વિલ્હેમ ટેલ આ પ્રકારનું ધનુષ્ય વાપરતો એવી પારંપરિક માન્યતા છે. હાથો ફેરવીને દંડ ઉપર દોરડું વીંટાળીને તેને છોડી દેવાથી ઊકલતા દોરડાના છેડે બાંધેલા ભારને કારણે તેનો વેગ વધી જાય છે. આ રીતે બાણ ફેંકવા બળ મેળવવાની પ્રયુક્તિ ધરાવતા બાણને વિન્ડલેસ ક્રૉસ બો કહે છે. ગઢ કે પત્તનને ઘેરો ઘાલવામાં તેમનો ઉપયોગ થતો. સીધી લડાઈમાં વપરાતાં નહિ; કારણ કે તેમનું કદ મોટું અને રચના જટિલ હતાં. અત્યારે તે વિશેષ લક્ષ્ય વીંધવા વપરાય છે.
પ્રૉડ અથવા સ્ટોન બો ક્રૉસ બોનો હળવો પ્રકાર હતો. તેમાં પણછના વચલા ભાગે આવેલી કોથળીમાં રાખેલી નાની ગોળીઓ છોડવાની વ્યવસ્થા હતી. તે કેવળ શિકાર માટે જ વપરાતું. ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી તેનું ઉત્પાદન કરાતું હતું. સ્પેનના સારાસેન અરબોએ ઝભ્ભાની બાંયમાં સંતાડી શકાય તેવું, નાનું પોલાદનું ક્રૉસ બો પ્રકારનું ધનુષ્ય બનાવ્યું હતું. ક્યારેક તેમાં દંડના તળિયાના ભાગમાં સ્ક્રૂ વડે જોડાણ કરાતું. કેટલાક દેશોમાં પ્રમાણમાં ઘણાં મોટાં ધનુષ્ય વપરાતાં. તેનો ઉપયોગ કરવા ધનુર્ધર પીઠ પર આડો પડતો અને ધનુષ્યને આડું રાખી બંને પગો વડે વચલા ભાગ પર બળ વાપરતો. તુર્ક લોકો ઊલટા વળાંકવાળાં નાનાં ધનુષ્ય બનાવતા. એનાથી તેઓ હળવાં બાણ ઘણા લાંબા અંતર સુધી ફેંકી શકતા. જાપાનમાં ઊંચી ગુણવત્તાવાળાં ધનુષ્ય બનાવવામાં આવતાં. કેટલાંક તો 240 સેમી. જેવી લંબાઈ ધરાવતાં. નાનાં ધનુષ્ય પણ બનતાં. તે શિંગડાં તથા વ્હેલની પાંસળીનાં હાડકાંમાંથી બનાવવામાં આવતાં. ધનુષ્યનું આવરણ તથા બાણનું ભાથું ઘણી વાર શણગારવામાં આવતું.
બંગાળના ઉપસાગરમાં આવેલા આંદામાન ટાપુઓના વાસીઓ અતિ વિશાળ પહોળાં ધનુષ્ય બનાવતા. આફ્રિકામાં સામાન્ય રીતે નાનાં ધનુષ્ય વપરાતાં. અતિ શીત પ્રદેશના એસ્કિમો લાકડાં તથા હાડકાંનાં, અસ્થિબંધ વડે સંગ્રથિત ધનુષ્ય બનાવતા અને વાપરતા.
ધનુષ્ય માટે પણછ તરીકે વિવિધ પદાર્થો વપરાયા છે. તેમની બાંધવાની પદ્ધતિમાં વૈવિધ્ય છે. અંગ્રેજી લૉગ બોમાં મોટેભાગે શણ કે કંતાનની દોરી વપરાતી. પૂર્વના દેશોમાં રેશમ તથા બકરાના વાળમાંથી બનાવેલી દોરીનો ઉપયોગ વ્યાપક હતો. ગાઢ જંગલોવાળા, ઉષ્ણ પ્રદેશોમાં દંડ માટે વાંસ કે નેતર અને પણછ માટે વનસ્પતિના રેસાનો ઉપયોગ સામાન્ય હતો. જોકે સૌથી વ્યાપકપણે વપરાતા પદાર્થો અસ્થિબંધ અને ચર્મપત્ર જણાયાં છે.
બાણનું નિયંત્રણ તેને છોડનાર ધનુષ્ય વડે થતું. અંગ્રેજી લૉગ બોમાં કાષ્ઠબાણ વપરાતાં. અન્યત્ર નેતરની સોટી જેવાં, અણીદાર અને વિષમાં બોળેલાં બાણો પણ વપરાતાં. બાણ એક જ અખંડ કાષ્ઠદંડનું બનતું અથવા દંડ અને પુચ્છ જુદાં એમ બે ખંડનું બનતું. અખંડ દંડમાં આગળનો છેડો અણીદાર બનાવી, તપાવીને કઠણ કરાતો. દ્વિખંડી બાણમાં આગળ તીક્ષ્ણ ફળું બેસાડાતું જે પથ્થર, અસ્થિ, છીપ, કવચ, ધાતુ આદિમાંથી બનાવાતું. અગ્રભાગમાં ફળું જીભની જેમ અથવા ખોલીની જેમ બેસાડવા પ્રહાર તથા ચીકણાઈવાળા પદાર્થોનો ઉપયોગ કરાતો. ફળું દેહમાં ભરાઈ રહે અને તીર સાથે બહાર ના કાઢી શકાય તે માટે તેને શંકુ ઘાટનું તથા બાણથી છૂટું પડી જાય તેવું રખાતું. ફળાં પહોળાં, ચપટાં અને પાછળની બાજુ કાંટાદાર રખાતાં.
બાણને છોડવા વિવિધ પ્રયુક્તિઓ યોજાઈ છે. સૌથી સરળ રીતમાં પણછ આડે બાણનો પાછલો છેડો રાખી, આંગળી અને અંગૂઠા વચ્ચે પકડી તેના વડે પણછ પાછી ખેંચી અચાનક તેને છોડી દેવામાં આવે છે. બીજી રીતમાં પણછ ખેંચવા માટે બીજી આંગળીઓનો ઉપયોગ પણ કરાય છે. મંગોલી પદ્ધતિમાં આંગળીઓ મુક્ત રહે છે. ટોટી અથવા મોજા જેવા રક્ષક આવરણવાળા અંગૂઠાનો જ ઉપયોગ કરાય છે. એશિયામાં તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં આ રીત પ્રચલિત છે.
1814માં રશિયાની સેનાના કઝાખ સૈનિકો ધનુષ્યબાણ સાથે પૅરિસમાં પ્રવેશ્યા હતા. બીજા વિશ્વયુદ્ધના પ્રારંભિક સમયમાં ફ્રાંસના મેત્રિનો રેખાના વિસ્તારમાં લૉગ બો સાથે ચૉકી કરતા બ્રિટિશ અધિકારી વિશે ઉલ્લેખ મળે છે.
હિંદુ પુરાણોમાં, વિશેષત: રામાયણ અને મહાભારતમાં યુદ્ધોમાં ધનુષ્યબાણનો ઉપયોગ નિર્ણાયક નીવડેલો જાણવા મળે છે. શત્રુના વિનાશ તથા પરાજય માટે ધનુષ્યબાણ મહત્વનું પરિબળ હતું. અર્જુનના ગાંડીવ ધનુષ્ય તથા વિશિષ્ટ શક્તિવાળાં બાણોનું વિશદ વર્ણન આ મહાકાવ્યોમાં છે. કહે છે કે અર્જુનના ગાંડીવની પણછનો ટંકાર માત્ર શત્રુઓનાં ગાત્રો થિજાવી દે તેવો ભીષણ હતો.
પ્રાચીન ભારતમાં ધનુષ્યબાણ એ મહત્વનું આયુધ ગણાતું, કારણ કે યુદ્ધમાં દૂર કે નજીક રહેલા શત્રુને મારવા માટે ધનુષ્યબાણ ખપ લાગતાં. નિશાન વીંધવાની કુશળતા માપવા ધનુર્ધરોની અઘરી શરતોથી કસોટી થતી. રામાયણ મુજબ દશરથ રાજાએ બ્રાહ્મણકુમાર શ્રવણને શબ્દવેધી (એટલે અવાજ કાનથી સાંભળીને તે દિશામાં ફેંકેલા) બાણથી ખતમ કરેલો. અર્જુને દ્રૌપદીને પરણવા માટે ઉપર ગોળ ઘૂમતી માછલીને તેનું નીચે ભરેલા પાણીમાં પડતું પ્રતિબિંબ જોઈ, ત્રાજવાનાં બે પલ્લાંમાં પગ રાખી શરીરની સમતુલા જાળવી, વીંધી નાખેલી. ઈ. સ.ની અગિયારમી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણે પોતે અંધ હોવા છતાં સુલતાનનું નિશાન લીધેલું. દેવો અને મહાન યોદ્ધાઓને ચોક્કસ નામ ધરાવતાં પોતાનાં ધનુષ્યો હતાં. તેમાં શિવનું પિનાક, વિષ્ણુનું શાર્ઙગ, અર્જુનનું ગાંડીવ સુપ્રસિદ્ધ છે. વળી બાણને વધુ ઘાતક બનાવવા તેના પર ઝેર ચોપડવામાં આવતું. ધનુષ્ય વડે દિવ્ય અસ્ત્ર પણ ફેંકવામાં આવતાં; જેમ કે, સર્પાસ્ત્ર કે નાગાસ્ત્ર ફેંકતાં સાપ કે નાગ શત્રુસેના પર વરસતા. ગારુડાસ્ત્ર વળતું ફેંકતાં ગરુડો સાપ કે નાગને ખાઈ જતા. અગ્ન્યસ્ત્ર વડે અગ્નિની, વારુણાસ્ત્ર વડે પાણીની, પવનાસ્ત્ર વડે પવનની વર્ષા શત્રુ પર થતી. શત્રુસેનાને ઊંઘ લાવતું પ્રસ્વાપાસ્ત્ર, શત્રુસેનાની કુદરતી હાજતો બંધ કરતું અસ્ત્ર પણ જાણીતું છે. અર્જુને શિવ પાસેથી તપ દ્વારા પાશુપતાસ્ત્ર મેળવી વિજય મેળવેલો. બ્રહ્માસ્ત્ર સૌથી ભયંકર અસ્ત્ર હતું. રામે રાવણને બ્રહ્માસ્ત્રથી હણેલો. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડેલું. બાણોના અવનવા પ્રકારોના ઉલ્લેખો છે; ઉદા., એકનાં અનેક થઈ જતાં બાણ, અગ્નિવર્ષા કરતાં બાણ, મેઘતાંડવ ઉત્પન્ન કરતાં બાણ, દિવસને રાત્રિમાં પલટાવતાં બાણ; આદિ. આવાં બાણો તેમના વિશેષ મંત્રના ઉચ્ચાર સાથે છોડાતાં.
એક સુંદર રમત તરીકે ધનુર્વિદ્યાના મહત્વમાં જરાયે ઓટ આવી નથી. વર્તમાન સમયમાં પુરુષોનાં ધનુષ્ય 22 કિગ્રા. જેટલાં તથા મહિલાઓનાં ધનુષ્ય 10 થી 15 કિગ્રા. જેટલાં ભારે હોય છે. બાણ લાકડાનાં, મિશ્રધાતુનાં તથા ઍલ્યુમિનિયમનાં હોય છે.
હસમુખ માણેકલાલ પટેલ
અનુ. પ્ર. ઉ. શાસ્ત્રી