દ આનુંઝીઓ, ગ્રેબિયલ (જ. 12 માર્ચ 1863, પ્રેસકૉરા, ઇટાલી; અ. 1 માર્ચ 1938, ઇટાલી) : ઇટાલિયન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. મુસોલીનીનો સાથ હોવા છતાં બંને વચ્ચે મેળ ઓછો. બંનેની પ્રકૃતિ વિચિત્ર અને ધૂની. ઇટાલીમાં અને તે જ રીતે યુરોપમાં ફાસીવાદના તેઓ પુરસ્કર્તા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં સાહિત્યપ્રવૃત્તિ અને જીવસટોસટનાં સાહસોમાં તેમનું જીવન વ્યતીત થયું. આવાં સાહસો દરમિયાન તેમણે એક આંખ પણ ગુમાવેલી. 1919માં 12,000 ફાસીવાદી સૈનિકો સાથે ફિ યુમેના બંદરે ત્રાટકીને પોતે તેના સરસેનાપતિ છે તેવું જાહેર કરેલું. ઇટાલીના જીવન અને સાહિત્યમાં જે કંઈ સુરુચિ વિરુદ્ધનું છે તેના પ્રતિનિધિરૂપ દ આનુંઝીઓ ગણાય છે. દ આનુંઝીઓની શરૂઆતની કાવ્યરચનાઓ અને વાર્તાઓ કાર્દુસી અને વર્ગાની અસર નીચે લખાઈ. તેમાં તાજગી અને ઊર્મિસભરતાનો અનુભવ થાય છે. દ આનુંઝીઓ પ્રકૃતિનો એક ભાગ બનીને જીવન જીવવાની તમન્ના ધરાવતા કુશળ સાહિત્યકાર ગણાય છે.

તેમની સાહિત્યિક મૂલ્યવાળી એકમાત્ર નવલકથા ´ધ ટ્રાયમ્ફ ઑવ્ ડેથ´ (1898) તાર્દશ વર્ણનશક્તિનો નમૂનો છે. આ શૃંગારપ્રધાન કૃતિમાં ભૌતિક સુખનું નિરૂપણ છે. એવું મનાય છે કે જો દ આનુંઝીઓએ ચિંતનના બદલે શૃંગારનું જ વિષયવસ્તુ નિરૂપ્યું હોત તો તે કલાનો ઉત્તમ નમૂનો બની શકત. નિત્શેના સિદ્ધાંતો વિશે ગેરસમજૂતીથી પ્રેરાઈને સર્જન કર્યું છે એવી તેમની ટીકા થયેલી છે. દ આનુંઝીઓના વિષયવસ્તુમાં વિકૃત આનંદ, ભૌતિક સુખની ઝંખના અને શૃંગાર મુખ્ય રહેલાં છે. વિકૃત આનંદના નિરૂપણથી લેખક જાણે પ્રસન્નતા અનુભવતા લાગે છે.

આનુંઝીઓ ગ્રેબિયલ દ

શૈલીકાર તરીકે દ આનુંઝીઓનું  ઊંચું મૂલ્ય છે. પણ પોતાના વિચારો અંગેના મિથ્યાભિમાનને કારણે કલાકાર તરીકેની તેમની સભાનતામાં ઓટ આવેલી જોવા મળે છે.

દ આનુંઝીઓની કવિતાથી ઇટાલીમાં રોમૅન્ટિક કવિતા સામેની પ્રતિક્રિયામાં વેગ આવ્યો. રોમૅન્ટિક કવિતાના માળખામાં રહીને તેના કરતાં જુદી કવિતા રચવાનો તેમનો ઉપક્રમ હતો. તે જમાનાના ´ક્રેપુસ્કૉલરી´ કવિઓ ગોઝાનો અને કોરાઝીનીના પ્રેરણાસ્રોત દ આનુંઝીઓ હતા. જોકે મૃત્યુ અંગેની વિચારધારામાં તેઓ દ આનુંઝીઓથી ખૂબ જુદા પડે છે. ઇટાલીના સાહિત્યક્ષેત્રમાં અને ખાસ કરીને આધુનિક કવિતામાં દ આનુંઝીઓ નવી ભાત પાડે છે.

દ આનુંઝીઓએ ઘણાં વર્ષો સુધી એલિયાનોરા ડ્યૂસ સાથે પ્રણય-સહચાર જાળવી રાખ્યો અને એ પ્રિયતમા માટે તેમણે ઘણાં નાટકો પણ લખ્યાં. વિશ્વની એક શ્રેષ્ઠ અભિનેત્રી લેખાતી આ પ્રેમિકાએ મુખ્યત્વે તેમનાં નાટકોમાં અભિનય કર્યો હતો. દ આનુંઝીઓ ઇટાલીના સાહિત્યજગતમાં ઉત્તમ શૈલીકાર, નવપ્રસ્થાનકાર આધુનિક કવિ તથા ક્રાંતિકારી સાહિત્યકાર ગણાયા છે.

પંકજ જ. સોની