દ્વીપકલ્પ : ત્રણ બાજુએ જળવિસ્તારથી ઘેરાયેલો ભૂમિભાગ. જે ભૂમિસ્વરૂપ બધી બાજુએ જળથી વીંટળાયેલું હોય તેને બેટ, ટાપુ કે દ્વીપ કહેવાય છે. વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે આવેલો ભારતનો ત્રિકોણાકાર પ્રદેશ એ ભારતીય દ્વીપકલ્પ છે. તેની પૂર્વ બાજુએ બંગાળનો ઉપસાગર, પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને દક્ષિણે હિન્દી મહાસાગર આવેલો છે. એ જ રીતે સૌરાષ્ટ્રનો ભૂમિપ્રદેશ તેની ત્રણે બાજુએ અરબી સમુદ્ર અને તેના બે ફાંટારૂપ કચ્છના અખાત અને ખંભાતના અખાતથી ઘેરાયેલો હોવાથી તેને પણ દ્વીપકલ્પના ઉત્તમ ઉદાહરણ તરીકે ગણાવી શકાય. ભારત જેવા ત્રિકોણાકાર દેખાતા દ્વીપકલ્પોના પહોળા ભૂમિભાગો નજીકના ખંડો સાથે તો કેટલાક સંયોગીભૂમિ જેવા સાંકડી પટ્ટી સ્વરૂપના ભાગો નજીકની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલા હોઈ શકે છે.
અરબસ્તાનનો દ્વીપકલ્પ દુનિયાનો મોટામાં મોટો દ્વીપકલ્પ છે, તેનો વિસ્તાર આશરે 26,00,000 ચોકિમી. જેટલો છે. દુનિયાના અન્ય મહત્ત્વના દ્વીપકલ્પોમાં વાયવ્ય યુરોપમાં સ્કૅન્ડિનેવિયાનો દ્વીપકલ્પ, ઉત્તર અમેરિકામાં પશ્ચિમ કિનારે આવેલો કૅલિફૉર્નિયાનો દ્વીપકલ્પ, દક્ષિણ અમેરિકામાં ચિલીને પશ્ચિમ કિનારે આવેલો દ ટાઈટાઓનો દ્વીપકલ્પ, ઑસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલો કેપયૉર્કનો દ્વીપકલ્પ, આફ્રિકામાં ઇથિયોપિયાને પૂર્વ કિનારે એડનના અખાત પાસે આવેલો સોમાલિયા દ્વીપકલ્પ, કાળા સમુદ્ર પાસે આવેલો બાલ્કન દ્વીપકલ્પ, વિષુવવૃત્તીય વિસ્તારમાં આવેલો મલાયા દ્વીપકલ્પ, પીળા સમુદ્ર પાસે આવેલો કોરિયાનો દ્વીપકલ્પ, ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચેનો સિનાઈ દ્વીપકલ્પ વગેરેનો સમાવેશ કરી શકાય.
ભારતીય દ્વીપકલ્પ : ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં ભારતીય દ્વીપકલ્પ વિશિષ્ટપણે આર્કિયન અને પ્રી-કૅમ્બ્રિયન રચનાઓના પૂર્ણ સ્તરાનુક્રમનો તેમજ ખૂબ જ અપૂર્ણ વિકસિત પશ્ચાત્ કૅમ્બ્રિયન ભૂસ્તરીય સંગ્રહનો સમાવેશ કરે છે. માત્ર નદીજન્ય પર્મિયન રચના સિવાય પ્રથમ જીવયુગ સમૂહના ખડકો અહીં મળતા નથી; મધ્યજીવયુગના ખડકોનો લગભગ સંપૂર્ણ સંગ્રહ છે, જે ક્રિટેસિયસના અપવાદ સિવાય મુખ્યત્વે નદીજન્ય, ખંડીય અને જ્વાળામુખી નિક્ષેપોનો બનેલો છે. કિનારાના ભાગો પરના તૃતીય જીવયુગના ખડકો તેમજ ડેક્કન ટ્રૅપની રચનામાં આવતા ઇયોસીન લાવાના અપવાદ સિવાય અન્યત્ર ટર્શ્યરી ખડકોનો પણ અભાવ છે.
ગિરીશ ભટ્ટ