દ્વિરૂપતા (ખનિજીય) (dimorphism) : કોઈ પણ બે (કે ત્રણ) ખનિજોનું રાસાયણિક બંધારણ એક જ હોય તેવો ગુણધર્મ. આવાં ખનિજોને દ્વિરૂપ (કે ત્રિરૂપ) ખનિજો કહે છે. સામાન્ય રીતે પ્રત્યેક ખનિજનું એક આગવું, ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, તેમ છતાં કુદરતમાં કેટલાંક ખનિજો એક જ સરખા રાસાયણિક બંધારણવાળાં પણ મળે છે. સામાન્યત: ખનિજોના આ પ્રકારના ગુણધર્મને અનેકરૂપતા અથવા બહુરૂપતા (polymorphism) કહેવાય છે. આ પ્રકારનાં એકસરખું રાસાયણિક બંધારણ ધરાવતાં ખનિજોનું સ્ફટિકીકરણ અલગ અલગ સ્ફટિક રૂપોમાં થાય છે, પરંતુ તેમનાં અણુમાળખાં (અણુરચના) જુદાં જુદાં હોય છે અને એ જ કારણે તેમના ભૌતિક ગુણધર્મો જુદા પડે છે. નીચેનાં દ્વિરૂપ અને ત્રિરૂપ ખનિજોનાં ઉદાહરણ પરથી આ બાબત સ્પષ્ટ થાય છે :

ક્રમ નામ રાસા. બં. કઠિનતા વિ.ઘ. સ્ફટિક વર્ગ
દ્વિરૂપ ખનિજો
1. હીરો C 10 3.516 –

3.525

ક્યૂબિક
ગ્રૅફાઇટ C 1–2 2.09 –

2.23

હેક્ઝાગોનલ
2. પાયરાઇટ FeS2 6–6.5 4.95 –

5.10

ક્યૂબિક
મરકેસાઇટ FeS2 6–6.5 4.85 –

4.90

ઑર્થોર્હોમ્બિક
3. કૅલ્શાઇટ

એરેગોનાઇટ

CaCO3

CaCO3

3

3.5–4

2.7

2.9

હેક્ઝાગોનલ

ઑર્થોર્હોમ્બિક

ત્રિરૂપ ખનિજો
4. એનેટેઝ

રુટાઇલ

બ્રુકાઇટ

TiO2

TiO2

TiO2

5.5 –6

6–6.5

5.5–6

3.9

4.25

4.15

ટેટ્રાગોનલ

ટેટ્રાગોનલ

ઑર્થોર્હોમ્બિક

5. કાયનાઇટ

સિલિમેનાઇટ

એન્ડેલ્યુસાઇટ

Al2O3 . SiO2

Al2O3 . SiO2

Al2O3 . SiO2

4–7

6–7

7.5

3.6

3.24

3.20

ટ્રાયક્લિનિક

ઑર્થોર્હોમ્બિક

ઑર્થોર્હોમ્બિક

જ્યારે કોઈ પણ બે કે ત્રણ ખનિજો દ્વિરૂપતા (dimorphism) સાથે સમરૂપતા(isomorphism)નો ગુણધર્મ પણ ધરાવતાં હોય ત્યારે એવાં ખનિજોને સમદ્વિરૂપ ખનિજો (isodimorphous) અને તે ગુણધર્મને સમદ્વિરૂપતા (isodimorphism) કહે છે.

પ્રાણીઓની એક જ ઉપજાતિ જ્યારે બે અલગ અલગ સ્પષ્ટ સ્વરૂપોમાં મળે ત્યારે એમના એ લક્ષણને પણ દ્વિરૂપતા કહે છે; દા. ત., અમુક ફોરામિનિફરમાં જોવા મળતાં સ્થૂળ અને સૂક્ષ્મ કક્ષાનાં સ્વરૂપો. પ્રાણીઓની એક જ ઉપજાતિમાં નર અને માદા સ્વરૂપોને પણ ઉદાહરણ તરીકે લઈ શકાય.

ગિરીશભાઈ પંડ્યા