દ્વિબંધ (double bond) : બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રૉન યુગ્મો દ્વારા બનતા સહસંયોજક બંધ દર્શાવતી રાસાયણિક રચના. એક ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા એક બંધ અથવા સિગ્મા (σ) બંધ બને છે તથા બીજા ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા બીજો એક બંધ અથવા પાઇ (π) બંધ બને છે. દ્વિબંધ બે લીટીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. દા. ત., H2C = O. આ બંને બંધની ક્રિયાશીલતા જુદી જુદી હોય છે. સિગ્મા બંધ બંને પરમાણુઓને s ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા જોડે છે તથા પરમાણુકેન્દ્રની નજીક હોય છે. પરિણામે આ σ બંધ તોડવા વધુ ઊર્જા આવશ્યક હોય છે. પાઇ (π) બંધ બંને પરમાણુઓના p-ઇલેક્ટ્રૉનયુગ્મોના એકબીજા ઉપરના અતિવ્યાપનને લીધે બને છે, પરિણામે બંને પરમાણુકેન્દ્રો એક બંધવાળાં σ બંધ ધરાવતાં સંયોજનોના પ્રમાણમાં π બંધ ધરાવતાં સંયોજનોમાં એકબીજાની વધુ નજીક હોય છે. પ્રાયોગિક રીતે આ સાબિત થઈ શક્યું છે; દા. ત., એક બંધ અથવા σ બંધની બંધલંબાઈ 1.51 Å હોય છે, જ્યારે દ્વિબંધ જેમાં π બંધ હોય છે તેની બંધલંબાઈ 1.41 Å હોય છે. દ્વિબંધ હંમેશાં એક બંધમાં પરિવર્તનક્ષમતા ધરાવે છે. તેથી તે વધુ ક્રિયાશીલ હોય છે. દ્વિબંધયુક્ત સંયોજનોની લાક્ષણિકતા યોગશીલ પ્રક્રિયા છે; દા. ત., ઈથિલીનમાં બ્રોમીનનું યોગશીલ પ્રક્રિયાથી ઉમેરાવું :
CH2 = CH2 + Br2 → BrCH2 – CH2Br.
માત્ર ઊંચા તાપમાને અથવા મૂલક (radical) પ્રક્રિયાઓ દ્વારા જ દ્વિબંધવાળાં સંયોજનોમાં વિસ્થાપનપ્રક્રિયા કરી શકાય છે. દ્વિબંધવાળાં સંયોજનો બહુલકીકરણ (polymerisation) દ્વારા વિવિધ પ્રકારની (દા.ત., પૉલિઇથિલીન, પૉલિસ્ટાઇરીન) ઔદ્યોગિક અગત્યની નીપજો આપે છે.
જગદીશ જ. ત્રિવેદી