દ્વિઅક્ષી ખનિજો

March, 2016

દ્વિઅક્ષી ખનિજો : બે પ્રકાશીય અક્ષ ધરાવતાં અસાવર્તિક (anisotropic) ખનિજો. ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકવર્ગનાં ખનિજો દ્વિઅક્ષી ખનિજો છે. આ પ્રકારનાં ખનિજોમાં ત્રણ મુખ્ય સ્પંદનદિશાઓ (principal vibration directions) હોય છે, જેમાં પ્રકાશ જુદી જુદી ગતિથી પસાર થાય છે. આ દિશાઓ ‘ઈથર-અક્ષ’ના નામથી પણ ઓળખાય છે અને તેમને X, Y અને Z નામ આપવામાં આવેલાં છે. ‘X’ વધુ ગતિવાળા, ‘Z’ ઓછી ગતિવાળા અને ‘Y’ મધ્યમ ગતિવાળા કિરણની સ્પંદનદિશા છે. X, Y અને Z સ્પંદનદિશાઓનો વક્રીભવનાંક nα, nβ અને nγ અથવા nx , ny , અને nz સંજ્ઞાઓથી દર્શાવાય છે. આ ત્રણે વક્રીભવનાંક પૈકી αનું મૂલ્ય ઓછામાં ઓછું હોય છે; કારણ કે તે વધુમાં વધુ ગતિવાળા કિરણની સ્પંદનદિશા છે, જ્યારે γનું મૂલ્ય વધુમાં વધુ હોય છે કારણ કે તે ઓછામાં ઓછી ગતિવાળા કિરણની સ્પંદનદિશા દર્શાવે છે. βનું મૂલ્ય α અને γના વચ્ચેનું હોય છે. કેટલીક વખત βનું મૂલ્ય αની નજીક તો કેટલીક વખત γની નજીક હોય છે. પરંતુ βનું મૂલ્ય α અને γના મૂલ્યની ગાણિતિક સરેરાશ નથી. દ્વિઅક્ષી +ve ખનિજોમાં nyનું મૂલ્ય nz કરતાં nxની નજીકનું અને –ve ખનિજોમાં nyનું મૂલ્ય nx કરતાં nzની નજીકનું હોય છે. દ્વિઅક્ષી ખનિજોમાં બે પ્રકાશીય અક્ષ એકબીજીને નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છેદે છે :

બે પ્રકાશીય અક્ષનું પરસ્પર છેદન

દ્વિઅક્ષી ખનિજોમાં બે પ્રકાશીય અક્ષ એકબીજીને છેદતી હોવાથી એક લઘુકોણ અને એક ગુરુકોણ બને છે. આ પ્રમાણે થતો લઘુકોણ, પ્રકાશીય ખૂણો (optic angle) કે 2v તરીકે ઓળખાય છે. પ્રકાશીય અક્ષના છેદાવાથી બનતા લઘુ અને ગુરુકોણને X અને Z ઈથર-અક્ષ દુભાગે છે. જે ઈથર-અક્ષ લઘુકોણને દુભાગે તે ‘લઘુકોણસ્પંદનદિશા’ તરીકે ઓળખાય છે, જ્યારે જે ઈથર-અક્ષ ગુરુકોણને દુભાગે તે ‘ગુરુકોણસ્પંદનદિશા’ કહેવાય છે. જ્યારે X લઘુકોણસ્પંદનદિશા હોય ત્યારે Z ગુરુકોણસ્પંદનદિશા બને છે, તે જ પ્રમાણે જ્યારે Z લઘુકોણ સ્પંદનદિશા હોય ત્યારે X ગુરુકોણસ્પંદનદિશા બને છે. દ્વિઅક્ષી ખનિજોમાં જ્યારે X લઘુકોણસ્પંદનદિશા હોય ત્યારે ખનિજ પ્રકાશીય ર્દષ્ટિએ  –ve અને જ્યારે Z લઘુકોણસ્પંદનદિશા હોય ત્યારે ખનિજ પ્રકાશીય ર્દષ્ટિએ +ve કહેવાય છે. દ્વિઅક્ષી ખનિજોમાં ત્રણ ઈથર-અક્ષ એકબીજીને કાટખૂણે હોય છે. પરિણામે Y ઈથર-અક્ષ X અને Z અક્ષવાળી તલસપાટીથી કાટખૂણે હોય છે. દ્વિઅક્ષી ખનિજોમાં જે તલસપાટીમાં બે પ્રકાશીય અક્ષ તેમજ X અને Z ઈથર-અક્ષ રહેલી હોય તે તલસપાટી પ્રકાશીય અક્ષ-સમતલ (optical axial plane) તરીકે ઓળખાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે