દ્વિઅંગી મૅગ્મા

March, 2016

દ્વિઅંગી મૅગ્મા : બે ઘટકોથી બનેલો મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં પ્રવર્તમાન ઊંચા તાપમાનને કારણે અસ્તિત્વમાં આવતો ગતિશીલ ખડકોનો પીગળેલો રસ. સંજોગો અનુસાર તેની અંતર્ભેદન તેમજ બહિ:સ્ફુટન ક્રિયાઓ થઈ શકે છે. મૅગ્માની ઘનીભવનની ક્રિયાને પરિણામે અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. મૅગ્મા પ્રવાહી, સિલિકેટ સ્વરૂપ તેમજ ઑલિવીન, પાઇરૉક્સીન, પ્લેજિયોક્લેઝ વગેરેના છૂટા છૂટા રહેલા સ્ફટિકો જેવાં ઘણાં ઘનસ્વરૂપોનો બનેલો હોય છે. કેટલીક વખતે મૅગ્માના બંધારણમાં વાયવીય પરિસ્થિતિ પણ પ્રવર્તે છે.

જુદા જુદા અગ્નિકૃત ખડકોના ખનિજબંધારણ પરથી નક્કી કરી શકાયું છે કે સામાન્ય રીતે મૅગ્મા ઘણા ઘટકોનો બનેલો હોય છે, જે પૈકી કેટલાક ઘટકોની માત્રા વધુ હોય છે. મોટાભાગના અગ્નિકૃત ખડકો ત્રણ, ચાર કે પાંચ મુખ્ય ઘટકોથી તેમજ અનેક ગૌણ ઘટકો વડે બનેલા હોય છે. બે મુખ્ય ખનિજઘટકોથી બનેલા અને એક ઘટકથી બનેલા અગ્નિકૃત ખડકો અલ્પ પ્રમાણમાં મળી આવે છે.

બે મુખ્ય ઘટકોથી બનેલો મૅગ્મા દ્વિઅંગી મૅગ્મા તરીકે ઓળખાય છે. દ્વિઅંગી મૅગ્માના પણ બે પ્રકાર પડે છે : (1) અમિશ્રિત અને (2) મિશ્રિત. દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણની ક્રિયા સમજવા માટેનો પાયારૂપ સિદ્ધાંત એ છે કે બીજા ઘટકના સહઅસ્તિત્વને કારણે દરેક ઘટકના ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આ સંદર્ભમાં અગત્યની હકીકત એ બની રહે છે કે આવા ઘટકોનાં ઠારબિંદુ નીચાં જાય છે.

બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણની ક્રિયા દરમિયાન અમુક ચોક્કસ તાપમાને બંને ઘટકોની અમુક ચોક્કસ પ્રમાણ સાથે ‘સહસ્ફટિકીકરણ’ની ક્રિયા બને છે. તે ‘સહસ્ફટિકીકરણ’ (eutectic) તરીકે ઓળખાય છે અને જે તાપમાને બે ઘટકોની સહસ્ફટિકીકરણ ક્રિયા થાય છે તે સહસ્ફટિકીકરણ તાપમાન કહેવાય છે. ગ્રાફિક ગ્રૅનાઇટમાં જોવા મળતી ગ્રાફિક કણરચના સહસ્ફટિકીકરણની ક્રિયાનું પરિણામ છે.

બે મિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણની ક્રિયાથી મિશ્રિત પ્રકારના ખનિજઘટકો ઉદભવે છે. પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર અને પાઇરૉક્સીન ખનિજો તેનાં ઉદાહરણ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે