દ્વિઅંગી વનસ્પતિ (Bryophytes) : ભ્રૂણધારી (embryophyta) વનસ્પતિ વિભાગનો સૌથી આદ્ય અને સરળ વનસ્પતિસમૂહ. તેની મોટા ભાગની વનસ્પતિઓના દેહનું પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થયેલું હોવાથી આ વનસ્પતિસમૂહને દ્વિઅંગી કહે છે. તે નાની અને અલ્પવિકસિત લીલી વનસ્પતિઓ છે. (સૌથી મોટી દ્વિઅંગી વનસ્પતિ ડૉઉસેનિયા છે. તે 40–50 સેમી.ની ઊંચાઈ ધરાવે છે, અને સામાન્ય રીતે સમૂહમાં કે ગાદીના સ્વરૂપે થાય છે. ઉદવિકાસ દરમિયાન આ વનસ્પતિસમૂહનું પાણીમાંથી ભૂમિ તરફ સ્થળાંતર થયું છે.) તે ભેજયુક્ત છાયાવાળી જગાઓમાં થાય છે. તેથી ત્રિઅંગીઓની સાથે સાથે વનસ્પતિસૃષ્ટિમાં દ્વિઅંગીઓને પણ ઉભયજીવી (amphibious) ગણવામાં આવે છે. તે ઉદવિકાસની ર્દષ્ટિએ એકાંગી (thallophyta) અને ત્રિઅંગી(pteridophyta)ની વચ્ચેનું સ્થાન ધરાવે છે. તેનાં સામાન્ય લક્ષણો નીચે મુજબ છે :
જન્યુજનક (gametophyte) અવસ્થા મુખ્ય, મોટી, વિકસિત અને વિભેદન પામેલી સ્વાવલંબી અવસ્થા છે. બીજાણુજનક (sporophyte) અવસ્થા ગૌણ, અલ્પવિકસિત અને પ્રમાણમાં ઓછું વિભેદન પામેલી અવસ્થા છે. તેનો જન્યુજનક કાં તો પૃષ્ઠવક્ષીય (dorsoventral), ચપટો, લીલો યુગ્મશાખી સુકાય(thallus)ના રૂપમાં હોય છે અથવા મૂળવિહીન છતાં પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. પ્રકાંડ અને પર્ણોની તુલના વાહકપેશીધારી (tracheophyta) સાથે થઈ શકે તેમ નથી ; કારણ કે દ્વિઅંગીઓમાં આ અંગો જન્યુજનક અવસ્થાનાં છે; જ્યારે વાહકપેશીધારીઓમાં તે બીજાણુજનક અવસ્થાનાં છે. મૂળ કે જે વાહકપેશીધારીનું અગત્યનું લક્ષણ છે, તેનો દ્વિઅંગીમાં અભાવ હોય છે. મૂળનું કાર્ય એકકોષી કે બહુકોષી મૂલાંગો (rhizoids) કરે છે. તેમની બીજાણુજનક કે જન્યુજનક અવસ્થામાં અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) નામની વાહકપેશીઓનો અભાવ હોવાથી તેમને અવાહકપેશીધારી (Atracheophyta) ગણવામાં આવે છે.
લિંગી પ્રજનન અંડયુગ્મીય (oogamous) પ્રકારનું જોવા મળે છે. આ પ્રકારનું પ્રજનન અત્યંત નાના, ચલિત અને સક્રિય ચલપુંજન્યુ અને મોટા, ગોળ અને અચલિત અંડકોષના યુગ્મનથી થાય છે. લિંગી અંગો બહુકોષીય હોય છે. નર લિંગી અંગને પુંધાની (antheridium) અને માદા લિંગી અંગને સ્ત્રીધાની (archegonium) કહે છે. પુંધાનીની દીવાલ એકસ્તરીય હોય છે. અને તે પૂર્વપુંજન્યુઓ(androcytes)ને આવરે છે. પ્રત્યેક પૂર્વપુંજન્યુકોષમાંથી એક ચલિત દ્વિકશાધારી ચલપુંજન્યુ ઉત્પન્ન થાય છે. સ્ત્રીધાની દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીની લાક્ષણિકતા હોવાથી આ ત્રણેય વનસ્પતિસમૂહોને સ્ત્રીધાનીયુક્ત (archegoniate) કહે છે. તે બહુકોષીય ચંબુ આકારનું અંગ છે. તેના નીચેના ફૂલેલા ભાગને અંડધાનીકાય (venter) અને ઉપરના નલિકામય ભાગને ગ્રીવા કહે છે. ગ્રીવાની ટોચ પર ઢાંકણ-કોષો અને અક્ષમાં ચોક્કસ સંખ્યામાં ગ્રીવા-માર્ગકોષો (neck canal cells), એક અંડધાની માર્ગકોષ (venter canal cell), અને સૌથી નીચે એક મોટો ગોળ કે લંબગોળ અંડકોષ આવેલો હોય છે. સ્ત્રીધાની અંડકોષને અને ફલન પછી વિકસતા ભ્રૂણને પોષણ અને રક્ષણ આપે છે. ફલન માટે પાણી આવશ્યક હોય છે. રાસાયણિક અનુચલન (chemotaxis) દ્વારા ચલપુંજન્યુ સ્ત્રીધાની ગ્રીવા સુધી પહોંચી જાય છે અને તે ગ્રીવા અને અંડધાનીકાયમાંથી પસાર થઈ અંડકોષનું ફલન કરી યુગ્મનજ(zygote)નું નિર્માણ કરે છે. આ દ્વિગુણિત (diploid) યુગ્મનજ સુષુપ્તાવસ્થા ગાળ્યા સિવાય વિભાજનો શરૂ કરે છે અને વિભેદનો પામી બહુકોષીય ભ્રૂણમાં પરિણમે છે. આ ભ્રૂણ સ્ત્રીધાનીમાં સ્થાયી બને છે. અંડધાનીકાયના કોષોનાં વિભાજનોથી પ્રાવરવેષ્ટ(calyptra)નો વિકાસ થાય છે. તે ભ્રૂણને રક્ષણ આપે છે.
બીજાણુજનક(sporophyte)ની રચના સરળ અને નાની હોય છે. તેનું મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થયેલું હોતું નથી. તે પાદ (foot), પ્રાવરદંડ (seta) અને પ્રાવર (capsule) ધરાવે છે. કેટલીક દ્વિઅંગી જાતિઓમાં પ્રાવરદંડનો અભાવ હોય છે. બહુ ઓછી જાતિઓમાં પાદ હોતો નથી. બીજાણુજનકનો ભૂમિ સાથે કોઈ સંપર્ક હોતો નથી અને તે પાણી, ખનિજ-આયનો અને કાર્બનિક પોષક તત્વો માટે જન્યુજનક પર પૂર્ણ કે અંશત: પરોપજીવી હોય છે. આ અવસ્થા દ્વારા એક જ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થતા હોવાથી તે સમબીજાણુક (homosporous) છે. બીજાણુઓ એકગુણિત (haploid) હોય છે, અને અંકુરણ પામી સીધેસીધો સુકાય ઉત્પન્ન કરે છે અથવા તંતુમય કે સુકાયમય લીલો પ્રતંતુ (protonema) ઉત્પન્ન કરે છે. આ પ્રતંતુ પરથી પાર્શ્વીય કલિકાના સ્વરૂપે મુખ્ય જન્યુજનક ઉદભવે છે.
આ વનસ્પતિઓમાં જન્યુજનક અને બીજાણુજનક – એમ બે અવસ્થાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે. બંને અવસ્થાઓ એકાંતરે નિયમિત ક્રમમાં ગોઠવાયેલી હોય છે. આ ઘટનાને એકાંતરજનન કહે છે. દ્વિઅંગીઓમાં જન્યુજનક અને બીજાણુજનક બાહ્યાકારવિદ્યાની ર્દષ્ટિએ અસમાન હોય છે. તેથી તે વિષમસ્વરૂપી (heteromorphic) એકાંતરજનન (alternation of generation) દર્શાવે છે. જન્યુજનક અવસ્થા એકગુણિત લિંગી અવસ્થા છે અને જન્યુકોષો(gametes)નું નિર્માણ કરે છે. આ અવસ્થા અર્ધસૂત્રીભાજન (meiosis) અને ફલન (fertilization) વચ્ચેની છે. બીજાણુજનક અવસ્થા દ્વિગુણિત અલિંગી અવસ્થા છે, અને બીજાણુઓનું નિર્માણ કરે છે. આ અવસ્થા ફલન અને અર્ધસૂત્રી ભાજન વચ્ચેની છે. દ્વિગુણિત બીજાણુ માતૃકોષો (spore mother cells) બીજાણુજનક અવસ્થાનું અંતિમ સોપાન છે. તે અર્ધસૂત્રી ભાજનથી વિભાજિત થઈ ચાર એકગુણિત બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુ જન્યુજનક અવસ્થાનું સૌપ્રથમ સોપાન છે. ચલપુંજન્યુ અને અંડકોષના ફલનથી ઉત્પન્ન થતો દ્વિગુણિત યુગ્મનજ બીજાણુજનકનો સૌપ્રથમ કોષ છે.
દ્વિઅંગી વિભાગ 890 પ્રજાતિઓ અને 23,300 જાતિઓ ધરાવે છે. રોથમેલરે તેને ત્રણ વર્ગમાં – (1) હિપેટીકોપ્સિડા, (2) એન્થોસિરોટોપ્સિડા અને (3) બ્રાયોપ્સિડા(મુસાઈ)માં વિભાજિત કર્યા છે.
વર્ગ હિપેટીકોપ્સિડાને લિવરવર્ટસ કહે છે. આ વર્ગ 190 પ્રજાતિઓ અને 8,700 જેટલી જાતિઓનો બનેલો છે. તેનો દેહ પૃષ્ઠવક્ષીય, હરિત, ચપટો અને યુગ્મશાખી અથવા પર્ણો અને પ્રકાંડ ધરાવતો હોય છે; પર્ણો ખોરાકસંગ્રહી શિરાવિહીન; આંતરિક પેશીઓ પૃષ્ઠભાગે પ્રકાશસંશ્લેષી હરિતકણધારી પેશી અને વક્ષભાગે મૃદુતક પેશીમાં વિભેદન પામેલી ખોરાકસંગ્રહી પેશીનું સમગ્ર સ્ફોટીસ્તર-(endothecium)માંથી નિર્માણ, બીજાણુપ્રસારક કોષો(elaters)ની મોટે ભાગે હાજરી; પ્રાવરમાં સ્તંભિકા(columella)નો અભાવ, રીકસીઆ, માર્કેન્શીઆ, થેલીઆ, ડ્યૂમોર્શીઆ, લ્યુનુલેરીઆ, ટાર્જીઓનીઆ, ફિમ્બ્રીઆરીઆ, પેલેવીસીનીઆ, ફોસોમ્બ્રોનીઆ, પ્લેજીઓચીલા, પોરેલા આ વર્ગની પ્રજાતિઓ છે
વર્ગ એન્થોસિરોપ્ટોસિડા 4 પ્રજાતિઓ અને 200થી વધારે જાતિઓ ધરાવે છે. આ વર્ગ હિપેટીકોપ્સિડા કરતાં વધારે ઉદવિકસિત અને સંભવત: ત્રિઅંગીઓનો પૂર્વજ ગણવામાં આવે છે. જન્યુજનક પૃષ્ઠવક્ષીય, હરિત, ચપટો અને યુગ્મશાખી, પર્ણવિહીન; મૂલાંગો એકકોષી, સરળ; આંતરિક પેશીઓ સમરૂપી (homogeneous), વિભેદનરહિત; લિંગી અંગો જ્ન્યુજનકમાં ખૂંપેલાં; સ્ત્રીધાની બહિ:સ્થ અને પુંધાની અધ:સ્તરીય પૃષ્ઠ કોષોમાંથી ઉદભવે; બીજાણુજનકનું પાદ અને પ્રાવરમાં વિભેદન; પ્રાવરદંડનો અભાવ; પ્રાવરના નીચેના ભાગમાં અંતર્વેશી (intercalary) વર્ધનશીલ પેશીની હાજરી અને તેથી પ્રાવરની વૃદ્ધિ અમર્યાદિત; આદિબીજાણુક પેશીનો ઉદભવ પરિસ્તરમાંથી; સરળ કે શાખિત આભાસી બીજાણુપ્રસારકો(pseudoelaters)ની હાજરી. સ્ફોટીસ્તરના બધા કોષો વંધ્ય સ્તંભિકાનું નિર્માણ કરે. એન્થોસિરોસ, નોટોથાયલસ, મેગાસિરોસ અને ડેન્ડ્રોસિરોસ આ વર્ગની પ્રજાતિઓ છે.
વર્ગ : બ્રાયોપ્સિડા (મુસાઈ) : તે દ્વિઅંગી વિભાગનો સૌથી ઉદ્વિકસિત વર્ગ છે અને આશરે 660 પ્રજાતિઓ અને 14,500 જાતિઓ ધરાવે છે. સામાન્યત: ટૂંકી ભૂપ્રસારી પ્રતંતુ અવસ્થામાંથી ટટ્ટાર અને અરિય જન્યુધર(gametophore)નો વિકાસ; પર્ણો અને પ્રકાંડ ધરાવતો દેહ; સ્ફેગ્નમ સિવાય પર્ણોમાં એક મધ્યશિરાની હાજરી; મૂલાંગો બહુકોષી; તેના અનુપ્રસ્થ પટ ત્રાંસા; અગ્રીય કે કક્ષીય વર્ધનશીલ પેશીના અગ્રભાગે આવેલા બહિ:સ્થ કોષોમાંથી લિંગી અંગોનો ઉદભવ; લિંગી અંગો લાંબા દંડયુક્ત; અંડધાનીકાય હિપેટીકોપ્સિડા કરતાં જાડું; બીજાણુજનક અવસ્થા ઘણી વિસ્તૃત અને જટિલ સંરચનાવાળી, તેમાં પેશીઓનું વિશિષ્ટીકરણ અને વંધ્યીકરણ ઉચ્ચ ક્રમનું; આદિબીજાણુક પેશીનો ઉદભવ કાં તો પરિસ્તરમાંથી અથવા સ્ફોટીસ્તરમાંથી; બહુ થોડા અપવાદો બાદ કરતાં તે સ્તંભિકાને આવરે; બીજાણુપ્રસારક કોષોનો અભાવ; પરિમુખદંત (peristome) નામના આર્દ્રતાગ્રાહી કોષો પ્રાવરના મુખને ખુલ્લું કરે જેથી બીજાણુવિકિરણ થાય; પ્રાવરનું સ્ફોટન સ્ફોટીવલય (annulus) નામના એક વલય સ્વરૂપે ગોઠવાયેલા પિધાનના કોષોના સ્તર દ્વારા થાય.
સ્ફેગ્નમ (342 જાતિઓ), ફ્યુનારીઆ (7 જાતિઓ), પોલીટ્રીકમ (11 જાતિઓ), પોગોનેટમ (199 જાતિઓ) વગેરે આ વર્ગની જાણીતી પ્રજાતિઓ છે. ટકાકીઆ નામની નવી પ્રજાતિ જાપાનમાંથી શોધાઈ છે.
જૈમિન વિ. જોશી